બાઈડનનો પુત્ર હંટર ગન કેસમાં દોષિત:25 વર્ષની જેલ થઈ શકે છે, 120 દિવસ પછી સજા સંભળાવાશે - At This Time

બાઈડનનો પુત્ર હંટર ગન કેસમાં દોષિત:25 વર્ષની જેલ થઈ શકે છે, 120 દિવસ પછી સજા સંભળાવાશે


અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ જો બાઈડનની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમના પુત્ર હંટર બાઈડનને 7 દિવસની ટ્રાયલ બાદ ગન કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. ડેલાવેયરની એક કોર્ટે હંટરને દોષિત ઠેરવ્યો છે. આ પહેલીવાર છે જ્યારે કોર્ટે અમેરિકામાં વર્તમાન રાષ્ટ્રપતિના પુત્રને દોષિત ઠેરવ્યો છે. હંટર પર ગનના લાયસન્સ માટે અરજી કરતી વખતે તેના નશો કરવાની આદત વિશેની માહિતી છુપાવવાનો આરોપ છે. હંટરને દોષિત ઠેરવ્યાના 120 દિવસની અંદર સજા જાહેર થઈ શકે છે. તેને 25 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. 4 દિવસ પહેલા ફ્રાન્સની મુલાકાત દરમિયાન બાઈડને કહ્યું હતું કે જો તેમનો પુત્ર ગન ટ્રાયલમાં દોષી સાબિત થશે તો તેઓ તેને ક્યારેય માફ નહીં કરે. 120 દિવસમાં સજાની જાહેરાત થઈ શકે છે
જે 3 કેસમાં હંટર દોષિત ઠર્યો છે તેમાંથી 2 કેસમાં 10-10 વર્ષની જેલ અને ત્રીજા કેસમાં 5 વર્ષની જેલની જોગવાઈ છે. ફેડરલ ગાઈડલાઈન્સની ભલામણોને અનુસરીને, સજા ઘટાડવા કે વધારવી તે જજ પર આધાર રાખે છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, જે વ્યક્તિનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી અને તેણે કોઈ પણ ગુનામાં છેતરપિંડીથી ખરીદેલા હથિયારનો ઉપયોગ કર્યો નથી તેને સામાન્ય રીતે ઓછી સજા મળે છે. તે 15 થી 21 મહિનાની હોઈ શકે છે. દરેક કેસમાં તેણે 2 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. હંટરને 120 દિવસ (4 મહિના)ની અંદર સજા થઈ શકે છે. તેનો અર્થ એ છે કે, કોઈપણ સંજોગોમાં, હંટરની સજા અંગેનો નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા લેવામાં આવશે. હંટર પર કયા આરોપો લાગ્યા છે
હંટર બાઈડન પર ઓક્ટોબર 2018માં કોલ્ટ કોબ્રા હેન્ડગન ખરીદતી વખતે સાચી માહિતી છુપાવવાનો આરોપ છે. તે સમયે તે ડ્રગ્સનો વ્યસની હતો અને નિયમિત રીતે ડ્રગ્સનું સેવન કરતો હતો. તેણે ગન ખરીદવા માટે દસ્તાવેજમાં ખોટી માહિતી આપી હતી. ખરેખરમાં, અમેરિકન કાયદા અનુસાર, જે વ્યક્તિ ડ્રગ્સનું સેવન કરે છે તે પોતાની પાસે ગન કે કોઈ ઘાતક હથિયાર રાખી શકતો નથી. હંટરની પૂર્વ પ્રેમિકાએ કોર્ટમાં જુબાની આપી હતી
હંટર બાઈડનની એક્સ ગર્લફ્રેન્ડ હેલીએ કોર્ટમાં મોટું નિવેદન આપ્યું હતું. બીબીસીના અહેવાલ મુજબ હેલીએ કહ્યું કે જ્યારે તેણે હંટરની કારની તપાસ કરી તો તેને ત્યાં એક ગન મળી, જેનાથી તે ડરી ગઈ. હેલીએ કોર્ટને એ પણ જણાવ્યું કે તેણે હંટરને ઘણી વખત ડ્રગ્સ લેતા પકડ્યો હતો. હેલીએ કોર્ટમાં કહ્યું હતું કે હંટરના કારણે જ તેને પણ ડ્રગ્સની લત લાગી ગઈ હતી. હેલીએ ઓગસ્ટ 2018માં ડ્રગ્સ લેવાનું બંધ કરી દીધું હતું. હંટરે તેના મેમોયર 'બ્યુટીફુલ થિંગ્સ'માં ખુલાસો કર્યો હતો કે ભાઈ બીયુના મૃત્યુ પછી, તે કોકેઈનનો વ્યસની હતો અને બાદમાં તેણે આ વ્યસનમાંથી મુક્તિ મેળવવા માટે એક વર્ષ સુધી સારવાર લેવી પડી હતી. ભાઈના મૃત્યુ પછી અફેર શરૂ થયું
હેલીએ 2022માં હંટર બાઈડેનના મોટા ભાઈ બીયુ બાઈડેન સાથે લગ્ન કર્યા હતા. બીયુ વ્યવસાયે વકીલ અને ડેમોક્રેટિક પાર્ટીના મોટા નેતા હતા. મે 2015માં મગજના કેન્સરથી બીયુનું મૃત્યુ થયું હતું. આ પછી, હેલી અને હંટર બાઈડનનું અફેર વર્ષ 2016માં શરૂ થયું જે 2019 સુધી ચાલ્યું. આ સમયે, હંટર બાઈડન તેની પત્ની કેથલીન સાથે છૂટાછેડાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો. જો બાઈડને 2017ની મુલાકાતમાં પેજ સિક્સને કહ્યું હતું કે તે નસીબદાર છે કે હેલી અને હંટર એકબીજાને પસંદ કરે છે. તેનાથી બંનેને ખરાબ સમયમાંથી બહાર આવવામાં મદદ મળી છે. જો કે બંનેના બ્રેકઅપનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મંજુરી વિના શસ્ત્રો રાખવા ઉપરાંત, હંટર બાઈડન પર કેલિફોર્નિયામાં નકલી ટેક્સ ફાઈલ કરવાનો અને શસ્ત્રો-સંબંધિત કેસોને પતાવટ કરવા માટે સોદા કરવાનો આરોપ છે. હંટરે આ આરોપો માટે દોષિત ન હોવાનું જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.