મોજશોખ પુરા કરવા રૂપિયાની ખેંચ આવતા અઠંગ ગઠીયાઓએ આજી વસાહતમાં કારખાનામાં ચોરી કરી’તી - At This Time

મોજશોખ પુરા કરવા રૂપિયાની ખેંચ આવતા અઠંગ ગઠીયાઓએ આજી વસાહતમાં કારખાનામાં ચોરી કરી’તી


આજી વસાહતમાં આવેલ ક્રાંતિ એગ્રો એન્જીનીયરીંગમાં રૂા.87500ની થયેલ ચોરીનો ભેદ થોરાળા પોલીસે ઉકેલી કુબલીયાપરાના અઠંગ ચોર રોહીત અને અર્જુનને પકડી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી પુછતાછ હાથ ધરતા બન્ને શખ્સોએ મોજશોખ પુરા કરવા રૂપિયાની ખેંચ આવતા ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
બનાવ અંગે ઈન્દીરા સર્કલ પાસે કોડીનુર એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ મહેન્દ્રભાઈ કોઠડીયા (ઉ.35)એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓ તેમના કાકા કૃષ્ણકાંત કોઠડીયા સાથે આજી જીઆઈડીસીમાં ક્રાંતિ એગ્રો એન્જીનીયરીંગ નામનું કારખાનું ચલાવે છે. કારખાનામાં રોટાવેટર તેમજ ખેત ઓજારો બનાવી વેચાણ કરે છે. ગઈ તા.3ના રાત્રીના આઠેક વાગ્યા તેઓ કારખાનાથી ઘરે જતા રહેલ હતા. કારખાને વર્ષોથી કામ કરતા રીટા રાની અને તેમનો દીકરો નીસેન્દ્રકુમાર કારખાનામાં જ રહે છે.
બીજા દિવસે સવારના સમયે રીટા રાનીનો ફોન આવેલ કે કારખાનામાં ચોરી થયેલ છે. જેથી તેઓ મેનેજર સાથે કારખાને ગયેલ અને કારખાનામાં જોતા પાછળની દિવાલમાં એક બાકોરૂ પાડેલ હતું. તેમજ કારખાનામાં રહેતા મીગ વેલ્ડીંગ મશીન નંગ-1, અન્ય વેલ્ડીંગ મશીન બે, હેન્ડડ્રીલ મશીન નં.-1 ન્યુ મેટીંગ ગન, હેન્ડ ગ્રાઈન્ડર, તેમજ અર્થીંગ કેબલ તેમજ કનેકશન કેબલ આશરે 200 મીટર સહિતનો રૂા.87500નો મુદામાલ જોવા ન મળતા કોઈ અજાણ્યા શખ્સ કારખાનામાં ઘુસી ચોરી કરી નાસી છુટયાની ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસ મથકના પીઆઈ જી.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઈ જે.એમ. પરમાર અને ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી કુબલીયાપરાના રોહીત અને અર્જુન નામના શખ્સોની ધરપકડ કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી તસ્કરોની પુછપરછ હાથ ધરી હતી. વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે બન્ને શખ્સો છુટક મજુરી કામ કરે છે અને મોજશોખ માટે રૂપિયાની ખેંચ આવતા ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. ઉલ્લેખનીય છે કે બન્ને શખ્સો અગાઉ પણ અનેક ઘરફોડ ચોરી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.