ઈસ્ટ ઝોનમાં હજુ બીજા 600, વેસ્ટ ઝોનમાં 750 અને સેન્ટ્રલ ઝોનમાં 629 મકાન પર પણ થશે કાર્યવાહી - At This Time

ઈસ્ટ ઝોનમાં હજુ બીજા 600, વેસ્ટ ઝોનમાં 750 અને સેન્ટ્રલ ઝોનમાં 629 મકાન પર પણ થશે કાર્યવાહી


સરકારના આદેશ બાદ દૂધસાગર રોડ પરના પડું પડું થતાં મકાનના વીજ અને નળ કનેકશન કાપી નખાયા.

રાજકોટ શહેરમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. હાલ ફાયર એનઓસી ન હોય તેવી મિલકતો સીલ કરવામાં આવી રહી છે. ગુરુવારે પણ બપોર સુધીમાં જ 17 મિલકતો સીલ કરી દેવાઈ હતી. જોકે ગુરુવારે અચાનક મનપા અને પીજીવીસીએલની ટીમ દૂધસાગર રોડ પર ટાંકા પાછળ આવેલી હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં પહોંચ્યા હતા અને 34 બ્લોકના 696 ક્વાર્ટરના નળ અને વીજ કનેક્શન કાપી નાખ્યા હતા અને હવે તેના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે.

ચોમાસું આવે એટલે મનપા પ્રિ-મોન્સૂન કાર્યવાહીના નામે જર્જરિત મકાનોને નોટિસ આપે છે જોકે બાદમાં કોઈ કાર્યવાહી કરાતી નથી. જોકે અગ્નિકાંડની ઘટના બાદ સરકાર કોઇપણ અકસ્માત પોતાના નામે ચડવા દેવા માગતી ન હોય તેમ સ્પષ્ટ સૂચના આપી છે કે, ચોમાસા પહેલાં જર્જરિત મકાનો પરનો જોખમી ઈમલો તાત્કાલિક તોડી નાખવો અને તેમાં કોઇની ભલામણ રાખવાની નથી. આ કારણે વીજતંત્ર અને મનપાનુ તંત્ર દોડ્યું હતું અને હાલ 696 મકાનના નળ અને વીજ કનેક્શન કાપી નાખ્યા છે અને આગામી બે દિવસમાં પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી કરાશે. સિટી એન્જિનિયરે જણાવ્યું હતું કે, આ આવાસો પાંચ દાયકા કરતા પણ જૂના છે 2016થી નોટિસ આપવામાં આવે છે તેમજ હાઉસિંગ બોર્ડે પણ જાહેર નોટિસ આપી દીધી છે. આવાસો એટલા જર્જરિત છે કે કોઇપણ દુર્ઘટના બની શકે છે એટલે તાત્કાલિક દૂર કરવા જરૂરી છે.

આ ફક્ત એક જ જગ્યાએ કાર્યવાહી કરાઈ છે. ઈસ્ટ ઝોનમાં આવા હજુ 600 આવાસ છે આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં પણ ક્વાર્ટર તેમજ જૂના મકાનો સહિત 629 મકાન જ્યારે વેસ્ટ ઝોનમાં 750 મિલકત જર્જરિત છે. આ તમામ પર હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વેસ્ટ ઝોનમાં તો અગાઉ 20 મકાનના નળ અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યા છે આમ છતાં ત્યાં હજુ લોકો હટ્યા નથી. જેથી હવે વીજ કનેક્શન કાપવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.