ઊંઝા ઉમિયા માતાજીની નગરયાત્રા નીકળશે, વૈશાખ સુદ પૂનમના દિવસે ઊંઝા ઉમિયા માતાજીની ઐતિહાસિક નગરયાત્રા નીકળશે
માનવ મહેરામણ સાથે 4 કિલોમીટર લાંબી મા ઉમિયાની નગરયાત્રાની તડામાર તૈયારીઓ.
1868 વર્ષથી નિજ મંદિર ઊંઝામાં બિરાજમાન જગત જનની મા ઉમિયાની નગરયાત્રા વૈશાખ સુદ પૂનમે નીકળશે.
સમગ્ર ઊંઝા નગર આ દિવસે મા ઉમિયાની ભકિતના રંગે રંગાશે અને રજા પાળશે, તા.23/05/2024ને ગુરૂવારે સવારે 08:15 કલાકે નગરયાત્રાને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી રાજુભાઈ રાવલ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.
સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ, મહેસાણાના કલેકટર હાજરી શોભાવશે તેમજ ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા નગરયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજન કમિટીની બેઠક યોજાઈ હતી.જેમાં વિવિધ કમિટીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
જગત જનની સમાજ કલ્યાણી રાજરાજેશ્વરી મા ઉમિયાની પ્રતિ વર્ષે નીકળતી પરંપરાગત નગરયાત્રા ચાલુ સાલે વૈશાખ સુદ પૂનમ તા.23/05/2024 ના રોજ ભવ્યાતિભવ્ય રીતે નીકળશે.જેમાં ધાર્મિક ભાવના ધરાવતા ભકત મંડળો,મહિલા મંડળો તેમજ સમગ્ર ઉમિયા પરિવાર સંગઠનના ભાઈઓ તેમજ બહેનો સંસ્થાના કારોબારી સભ્યશ્રીઓ, દાતાશ્રીઓ તેમજ રાજસ્થાન-મધ્યપ્રદેશ-મુંબઈ, ગુજરાત જેવા વિવિધ વિસ્તારોમાંથી મા ઉમિયાના ભકતો નગરયાત્રામાં જોડાશે. મા ઉમિયા ભવ્ય સુશોભિત એવા દિવ્યરથમાં બિરાજમાન થઈ ઊંઝા નગરના માઈભકતોને દિવ્ય દર્શન આપવા શહેરના રાજમાર્ગો ઉપર પરિક્રમાએ નીકળશે. ઉમિયાની નગરયાત્રાના વધામણા કરવા અને માતાજીના દર્શન કરવા શેરી, મહોલ્લા, ચોક, સોસાયટીઓ, ગંજબજાર, અન્ય બજારો અને રાજમાર્ગો ઉપર લીલા તોરણ બાંધી, સાડીઓ બિછાવીને તેમજ ઠેરઠેર માતાજીની આરતી અને પૂજન માઈભકતો દ્વારા કરાશે. તમામ જ્ઞાતિ-જાતિના સમાજો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ સહિત આગેવાનો મા ઉમિયાને આવકારવા થનગની રહ્યા છે.
સમાજો-સંસ્થાઓ-ગુપો પોતાના સ્વાગત પડદાઓ/કમાનો લગાવશે.નગરયાત્રાના દિવસે સમગ્ર ઊંઝાવાસી વેપાર-ધંધા બંધ રાખીને મા ઉમિયાના ઉત્સવમાં ભકિતભાવથી જોડાશે.
નગરયાત્રાની વિવિધ ઉછામણીના યજમાન બનવા અને ભોજન-બુંદી પ્રસાદના દાતાશ્રી બનવા ભકતોએ ઉત્સાહ-ઉમંગભેર ભાગ લીધો, મા ઉમિયાની નગરયાત્રામાં હાથી, ધોડા, વિવિધ પ્રકારની બગીઓ તેમજ આરોગ્ય, સુખાકારી અને જનહિતાયના સૂચક ટેબ્લો સહિત અમદાવાદ સોલા ઉમિયાધામ, ઉમિયા મંદિર શિખર ધજા મહોત્સવ અને ઉમિયા શરણમ્ મમ ના ટેબ્લો વિગેરે જનસમુદાય માટે વિશેષ આકર્ષણ બનશે.આમ જુદી-જુદી ૧૬૫ જેટલી વિવિધ આકર્ષક ઝાંખીઓથી નગરયાત્રા સુશોભિત હશે. સમગ્ર નગરયાત્રાનું સુવ્યવસ્થિત આયોજન સંસ્થાના સક્રિય કાર્યકર્તાઓ તેમજ ઉમા માઈ મંડળની સમગ્ર ટીમ સંભાળશે.બહેનો ઝવેરા વાવશે અને મહેંદી મૂકીને મા ઉમિયાના રંગે રંગાશે.
ચાલુ વર્ષે ભક્તોનો અને ઉમિયા પરિવાર સંગઠનના ભાઈ-બહેનોનો ઉત્સાહ અનેકઘણો વધારે છે. સમગ્ર શહેરમાં મા ઉમિયાના સ્વાગત માટે જુદાજુદા સમાજો-સંસ્થાઓ-યુવાગુપો નગરયાત્રાની તૈયારીમાં લાગી ગયા છે. આ નગરયાત્રા 8 કિ.મી. રૂટની પરિક્રમા કરી નિજ મંદિર બપોરે 01:30 કલાકે પરત ફરશે.
સદર માહિતી આપતાં સંસ્થાના મંત્રી દિલીપભાઈ નેતાજીએ વધુમાં જણાવ્યુ હતું કે મા ઉમિયા પ્રત્યેની શ્રધ્ધામાં અનેકઘણો વધારો થયો છે તેથી આ વખતની નગરયાત્રા ઐતિહાસિક નગરયાત્રા બનશે.
9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.