વનાણામાં ગાંડી વેલે જળ શોષી લીધું તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્લી જળાશયમાં થાય તે પહેલા તંત્ર જાગે
*વનાણામાં ગાંડી વેલે જળ શોષી લીધું તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્લી જળાશયમાં થાય તે પહેલા તંત્ર જાગે*
*ગાંડીવેલના સામ્રાજયથી ઝેરી મરછર સહિત ગંદકીનો ઉપદ્રવ વધ્યો:વેલના કટિંગ માટે આધુનિક કટિંગ મશીન ફાળવવા થઇ માંગ:પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વહીવટીતંત્રને થઇ રજુઆત*
જે રીતે જુનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં ગાંડી વેલનું સામ્રાજ્ય ફેલાયું હતું અને તેના લીધે જમીન અને પાણીને ખુબ મોટું નુકશાન થયું હતું એ જ રીતે હવે પોરબંદરના વનાણામાં પણ નુકશાન થયું છે અને હવે પોરબંદરમાં કર્લી જળાશયમાં ગાંડીવેલનો ફેલાવો વધ્યો છે અને સરસ્વતી સાયન્સ સ્કુલના આગળના ભાગમાં મોટાભાગનો વિસ્તાર કવર કરી લીધો છે અને જો તેને અત્યારે આગળ વધતી નહી અટકાવાય તો તે અસ્માવતી રીવરફ્રન્ટ સુધી પણ ફેલાઈ જશે અને રીવરફ્રન્ટને પણ મોટું નુકશાન કરે તેવી શક્યતા દેખાઈ રહી હોવાથી હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે તંત્રને રજુઆત કરીને આ વેલને દુર કરવાની માંગણી કરી છે.
પોરબંદરના કર્લી જળાશયમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે,જેનાથી ગંદકી અને મરછરજન્ય રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે,પર્યાવરણ અને જમીનને પણ નુકશાન થઇ રહ્યું છે,અનેક વખત તેના કટિંગ માટે તંત્રને રજુઆતો કરી હોવા છતાં કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી. હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ વહીવટીતંત્રને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,પોરબંદરના કર્લીજળાશયમાં ગાંડીવેલનું સામ્રાજ્ય દિવસે ને દિવસે વધતું જાય છે.તેનાથી જમીન અને પર્યાવરણને ખુબ મોટી ગંભીર અસર થાય છે.અહી એક તરફ ગાંડીવેલ ઉગી નીકળી છે,અને તેમાં ગંદકી જમા થઇ રહી છે,જેના કારણે અહી આખો દિવસ દુર્ગંધવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે,ખાસ કરીને સાંજના સમયે અહી ભારે દુર્ગંધના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓને મોઢું ઢાકીને નીકળવું પડે છે,ત્યાં આજુબાજુમાં રહેતા લોકોને પણ મરછર અને આ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે,સ્થાનિકોનું કહેવું છે કે ગટરના પાણી સાથે ભળવાને લીધે આ ગાંડીવેલનો ઉપદ્રવ વધ્યો છે.
રામદેવભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે,ગાંડીવેલ ઉગી નીકળવાની સમસ્યા વર્ષો જુની છે,તેના કાયમી નિકાલ માટે કોઈ વિચારણા કે કામગીરી થઇ નથી,અને દિવસે ને દિવસે કર્લી જળાશયની સોદર્યતાનો નાશ થઇ રહ્યો છે.જો આ કર્લી જળાશયની બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરવામાં આવે તો જળાશયની સુંદરતા અને સુવિધામાં પણ વધારો થાય અને ગાંડીવેલની સમસ્યામાંથી પણ મુક્તિ મળી શકે છે.રાજકોટના આજીડેમમાં પણ આ પ્રકારની ગાંડીવેલ ઉગી નીકળી છે,ત્યારે રાજય સરકારે રાજકોટ મહાનગરપાલિકાને ગાંડીવેલના કટિંગ માટેનું મશીન ફાળવ્યું છે તેવું જ કટિંગ મશીન પોરબંદર નગરપાલિકાના તંત્રને ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે.તેમણે વધુમાં ઉમેર્યું છે કે,વનાણા પાસે પણ ગાંડીવેલનો વ્યાપ વધતા કમળનો નાશ થઇ ગયો છે.તેથી તંત્ર આ સમસ્યાની દરકાર લે અને કર્લીજળાશય ફરતે ગંદકી અટકાવવા માટે લોખંડની જાડી ફીટ કરી આપવા માંગણી કરી છે,આ ગંદકીનો ઉપદ્રવ વધવા પાછળ શહેરીજનો પણ એટલા જ જવાબદાર છે અહી લોકો પૂજાપાઠનો સામાન અને અન્ય પ્લાસ્ટિકની બેગ બોટલ સહિતનો કચરો ફેકીને ગંદકી કરે છે,તો લોકોએ અહી કચરો ફેક્વાને બદલે કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએજેથી કર્લી જળાશય ગંદકી મુક્ત બને.જો હવે તાત્કાલિક ધોરણે આ ગાંડીવેલનું કટિંગ કરવામાં નહી આવે તો તેનો વ્યાપ રીવરફ્રન્ટ સુધી પહોચશે અને રિવરફ્રન્ટની સુદરતાને પણ હાની પહોચાડશે,તેથી કટિંગ કરી ગંદકી દુર કરવામાં આવે તેવી માંગણી રામદેવભાઈ મોઢવાડિયાએ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.