તલોદના દેવિયા પાસે ઇકો અને બાઇક ટકરાતાં નાના ચેખલાની મહિલાનું મોત, પતિ ઇજાગ્રસ્ત
તલોદ તાલુકાના દેવિયા સ્ટેન્ડ પાસે બાઇક પર સવાર દંપતીને ઇકોના ચાલકે ટક્કર મારતાં મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે મહિલાનો પતિ ઘાયલ થતાં સારવાર હેઠળ ખસેડાયો હતો. આ અંગે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. તલોદ તાલુકાના નાના ચેખલાના નરસિંહભાઈ દેવી પૂજક આંબલીયારા ખાતે તેમના સ્વજનના ઘર જાતર હોવાથી આંબલીયારા જઇ પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. તે દરમ્યાન ગત સાંજે સાડા છ વાગ્યા ના સુમારે પોતાની પત્ની સાથે પોતાના બાઇક નંબર GJ27 DJ 2442 જઈ રહ્યા હતા. તે સમયે રોઝડ તરફથી પૂરઝડપે આવી રહેલી ઈકો નંબર GJ 09 BG 1455 ના ચાલકે દેવિયા પાસે બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક પર સવાર દંપતી પૈકી કાળીબેન નરસિંહભાઈ દેવીપૂજકને માથાના ભાગે જોરદાર ટક્કર લાગી હતી. જ્યારે બાઇક ચાલક નરસિંહભાઈને જમણા પગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં લોકો અકસ્માત સ્થળે એકઠા થઇ ગયા હતા અને બાઇક ચાલક દંપતી ને 108 મારફતે તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ કાળીબેન નરસિંહભાઈ દેવીપૂજકનું મોત નિપજ્યું હતું. જ્યારે નરસિંહભાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. બીજી તરફ ઈકોનો ચાલક સમય સૂચકતા વાપરી ફરાર થઈ ગયો હતો. આ અંગે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.