જસદણના શિવરાજપુર ગામે દલિતવાસમાં કોન્ટ્રાક્ટરે પીવાના પાણીની પાઈપલાઈન નાખ્યા વગર જ લાખો રૂપિયા ઉપાડી લીધાની બુમરાણ ઉઠી, સામાજિક કાર્યકરે ટીડીઓને લેખિત ફરિયાદ કરી - At This Time

જસદણના શિવરાજપુર ગામે દલિતવાસમાં કોન્ટ્રાક્ટરે પીવાના પાણીની પાઈપલાઈન નાખ્યા વગર જ લાખો રૂપિયા ઉપાડી લીધાની બુમરાણ ઉઠી, સામાજિક કાર્યકરે ટીડીઓને લેખિત ફરિયાદ કરી


- ભૂગર્ભ ગટરની કામગીરીમાં પણ કોન્ટ્રાક્ટરે તૂટેલા પાઈપ નાખી ઘરની ધોરાજી ચલાવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો.

- કોન્ટ્રાક્ટરને નેવાના પાણી મોભારે ચડાવવા હોય તેમ વાડી માલિકોને નુકસાન પહોંચે તે રીતે ભાદર નદીમાં મનફાવે તેમ ભૂગર્ભ ગટરના પાઈપ ફીટ કરી દેતા તંત્રની કામગીરી શંકાના દાયરામાં.

એકબાજુ રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે મથામણ કરી રહી છે. ત્યારે બીજી બાજુ સરકારી કામો કરતા કોન્ટ્રાક્ટરોને જાણે કે સરકારના નીતિ નિયમો લાગુ જ પડતા ન હોય તેમ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરી સરકારની બદનામી કરતા હોવા છતાં સરકારી તંત્રના જવાબદારો દ્વારા ભ્રષ્ટાચાર આચરનારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી કોન્ટ્રાક્ટરોને મોકળું મેદાન મળી રહ્યું છે. ત્યારે જસદણના શિવરાજપુર ગામે કોન્ટ્રાક્ટરે આચરેલો વધુ એક ભ્રષ્ટાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં શિવરાજપુર ગામના દલિતવાસમાં કોન્ટ્રાક્ટરે પીવાના પાણીની પાઈપલાઈન નાખ્યા વગર જ સરકારના લાખો રૂપિયા ઉપાડી લઈ ઘોર ભ્રષ્ટાચાર આચર્યો હોવાની બુમરાણ ઉઠતા ચકચાર મચી ગઈ છે. સાથોસાથ આ કામના જ કોન્ટ્રાક્ટર દ્વારા નેવાના પાણી મોભારે ચડાવવા હોય તેમ વાડી માલિકોને નુકસાન પહોંચે તે રીતે ભાદર નદીમાં મનફાવે તેમ ભૂગર્ભ ગટરમાં તૂટેલા પાઈપ નાખી પોતાના ઘરની ધોરાજી ચલાવતા દલિત સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. નવાઈની વાત તો એ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા જે જગ્યાએ ભૂગર્ભ ગટરના પાઈપ નાખવામાં આવી રહ્યા છે ત્યાં કોઈ જોડાણ પણ આપવામાં આવ્યું નથી. તેમ છતાં કોન્ટ્રાક્ટરે રાતોરાત લખપતિ બની જવાની લ્હાયમાં પીવાના પાણીની પાઈપલાઈન નાખ્યા વગર તેના રૂપિયા ઉપાડી લઈ અને ભૂગર્ભ ગટરની કામગીરીમાં તૂટેલા ફૂટેલા પાઈપ નાખી લાખો રૂપિયા ઘરભેગા કરવાની કામગીરી કરતા જવાબદાર તંત્રની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. જો કે આ અંગે શિવરાજપુર ગામના સામાજિક આગેવાન વીરદાસભગત નાનજીભાઈ રાઠોડે જસદણ તાલુકા વિકાસ અધિકારી કે.આર.ચુડાસમાને પીવાના પાણીની લાઈનમાં અને ભૂગર્ભ ગટરના કામમાં કોન્ટ્રાક્ટરે આચરેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે લેખિતમાં ફરિયાદ કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. જો આ કોન્ટ્રાક્ટરે આચરેલા ભ્રષ્ટાચાર અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસમાં કરવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરે અગાઉ કરેલા તમામ કામોની પણ તપાસ કરવામાં આવે તો અનેક અધિકારીઓના તપેલા ચડી જાય તેમ છે તેવું ગ્રામજનોનું માનવું છે.

શિવરાજપુર ગામના સામાજિક આગેવાન વીરદાસભગત નાનજીભાઈ રાઠોડે જસદણ ટીડીઓને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારા દલિતવાસમાં પીવાના પાણીની લાઈન તેમજ ભૂગર્ભ ગટર મંજુર થયેલ છે. ગ્રામપંચાયત કે તાલુકા પંચાયત દ્વારા કોઈ કોન્ટ્રાક્ટરને આ બન્ને કામો આપી દેવામાં આવ્યા છે. છતાં આજદિન સુધીમાં કોન્ટ્રાક્ટર દ્વારા પીવાના પાણીની કે ભૂગર્ભ ગટરની કોઈ કામગીરી કરવામાં આવેલ નથી અને ભ્રષ્ટાચાર થઈ રહેલ છે તેવું અમને જણાય છે. અમારા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી જૂની પીવાના પાણીની પાઈપલાઈનમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળી જતા ગંદુ પાણી પીઈએ છીએ. અમારા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા પીવાના પાણીની પાઈપ નાખવાનું અને ભૂગર્ભ ગટરનું જીરો ટકા કામ કરવામાં આવ્યું છે. તેમ છતાં કોન્ટ્રાક્ટરને બીલ ચૂકવી દેવામાં આવ્યું હોવાનું અમને જાણવા મળ્યું છે. ખરેખર આની તપાસ થવી જોઈએ તેવી અમારી માંગણી છે. અમને આ આકરા ઉનાળામાં વહેલી તકે પીવાનું શુદ્ધ પાણી મળે અને અમને દલિત સમાજને પીવાના પાણીમાં અન્યાય ન થાય તેવી અમારી માંગ છે. વધુમાં અમારા દલિતવાસમાં ગંદા પાણીના નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરના પાઈપ નાખવામાં આવી રહ્યા છે. પરંતુ નેવાનું પાણી મોભારે ચડાવવાનું હોય તેમ કોન્ટ્રાક્ટર પાઈપ નાખી રહ્યા છે. આ ગટરના પાઈપ દલિતવાસથી દુર નાખવામાં આવી રહ્યા છે અને તૂટેલા ફૂટેલા પાઈપ નાખવામાં આવી રહ્યા છે જે અમારે કોઈ કામમાં આવી શકે તેમ નથી. કોન્ટ્રાક્ટર દ્વારા લેવલીંગ કર્યા વગર જ ગટરના પાઈપ નાખવામાં આવી રહ્યા છે અને તેના યોગ્ય સાંધા પણ કરવામાં આવતા નથી. છતાં કોન્ટ્રાક્ટરને ભૂગર્ભ ગટરનું બીલ ચૂકવી દઈ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું અમારે અમારા ધ્યાને આવેલ છે. જેથી આવો ઘોર ભ્રષ્ટાચાર થતો અટકાવી ભ્રષ્ટાચાર આચરનારા કોન્ટ્રાક્ટર સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

અમારા વિસ્તારમાં પીવાના પાણીની લાઈન નાખ્યા વગર જ કોન્ટ્રાક્ટરે લાખો રૂપિયા ઉપાડી લીધા છે તેવું અમને જાણવા મળ્યું છે: વીરદાસભગત નાનજીભાઈ રાઠોડ-સામાજિક આગેવાન,શિવરાજપુર.

અમારા દલિતવાસમાં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઈન માટે અમે બે વર્ષ પહેલા સરકારમાં અરજી કરેલ હતી. કારણ કે અમારા વિસ્તારમાં જૂની પીવાના પાણીની લાઈનમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળી જતા અમે ગંદુ પાણી પિતા હતા. પણ હવે સરકારે અમારા માટે પીવાના પાણીની અને ભૂગર્ભ ગટરની લાઈન મંજુર કરી આપેલ છે. પણ હાલમાં અમારે કોઈ કામમાં ન આવે તે રીતે ગટરના પાઈપ નાખવામાં આવી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરને તેના રૂપિયા પણ મળી ગયા છે તેવું અમને જાણવા મળ્યું છે. જ્યારે પીવાના પાણીની કોન્ટ્રાક્ટરે જીરો ટકા કામગીરી કરી છે છતાં તેના પણ કોન્ટ્રાક્ટરે રૂપિયા ઉપાડી લીધા છે તેવું અમને જાણવા મળ્યું છે અને અત્યારે અમે ગંદુ પાણી પીઈએ છીએ. આ કોન્ટ્રાક્ટરે ભાદર નદીની વચ્ચેથી ગટરની લાઈન પસાર કરવાના બદલે અમારા વાડી માલિકોના શેઢેથી જાણી જોઈને ગટરની પાઈપ પસાર કરી રહ્યા છે અને પાઈપ પણ એવી રીતે નાખ્યા છે કે અમારા દલિતવાસનું પાણી ગટરમાંથી ન નીકળે. કોન્ટ્રાક્ટરે તૂટેલા ફૂટેલા ગટરના પાઈપ ફીટ કર્યા છે તેની જો તપાસ થાય તો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેમ છે. કોન્ટ્રાક્ટરે સિમેન્ટ કે કોંક્રીટ વાપર્યા વગર જ જમીનમાં સીધા ગટરના પાઈપ નાખી દીધા છે. આ કોન્ટ્રાક્ટર નીચાણવાળા ભાગમાંથી ઉંચાણવાળા ભાગમાં ગટરના પાઈપ નાખી રહ્યા છે તો કઈ રીતે અમારા પાણીનો નિકાલ થઈ શકશે તે એક સવાલ બની ગયો છે. છતાં તેને કોઈ કહેવાવાળું કે પૂછવાવાળું નથી. અમને નિયમ મુજબ પીવાનું પાણી મળે અને ગટરની સુવિધા મળે તેવી અમારી માંગણી છે.

અમે તે કામ અત્યારે તાત્કાલિક અટકાવી દીધું છે અને સોમવારે તેની સ્થળ તપાસ કરીશું: કે.આર.ચુડાસમા-ટીડીઓ,જસદણ.

શિવરાજપુર ગામના સામાજિક આગેવાનની રજૂઆતને ધ્યાને લઈને અમે તે કામ તાત્કાલિક અટકાવી દીધું છે અને આવતા સોમવારે અમારા સ્ટાફ દ્વારા તેની સ્થળ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.