પોલીસ સામે ફરિયાદ છે? ડાયલ 14449 હાઇકોર્ટના ફરમાન બાદ ખાસ નંબર ફાળવાયો
ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં ‘નંબર-વન’નું સ્થાન ધરાવતા પોલીસતંત્ર સામે હવે ફરિયાદ કરવા માટે ખાસ નંબર જારી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 14449 નંબર ફાળવ્યો છે અને 15 દિવસમાં એકટીવ થઇ જશે.
ટ્રાફિક સંચાલનથી માંડીને ગુનાખોરી નિયંત્રણમાં લેવા તથા અપરાધીઓને પકડવા જેવી મહત્વની કામગીરીની જવાબદારી ધરાવતા પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચારનું મોટુ દુષણ હોવાનું કહેવાય છે. લાંચ-ભ્રષ્ટાચારમાં પકડાતા કિસ્સામાં સતત પાંચમા વર્ષે પોલીસ કર્મીઓની સંખ્યા વધુ રહી હતી. તેવા સમયે ચર્ચાસ્પદ કેસમાં અદાલતે પણ ઝાટકણી કાઢી હતી અને પોલીસ સામેની ફરિયાદ કેવી રીતે કરવી?નો સવાલ ઉઠાવ્યો હતો.
અમદાવાદમાં મોડી રાત્રે એરપોર્ટથી પરત ફરી રહેલા એક દંપતિ પાસેથી રૂા.60,000 ખંખેરવામાં આવ્યા હતાં. મળતીયા એજન્ટની મદદથી બે ટ્રાફિક પોલીસ કર્મીએ જ આ કૃત્ય આચર્યું હતું. જ્યારે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે ‘સુઓમોટો’ સંજ્ઞાન લઇને પોલીસ સામે ફરિયાદ કરવા એક નંબર જારી કરવાની સુચના આપી હતી. ઇમરજન્સી માટે 100 નંબર છે તેવી રીતે પોલીસ સામેની ફરિયાદ માટે ખાસ નંબર જારી કરવા સુચવ્યું હતું.
હાઇકોર્ટે આ નંબરનો પ્રચાર કરવા તથા જાહેર સ્થળોએ મુકવા ઉપરાંત વિવિધ હેતૂસરની મદદ માટેના કેન્દ્ર સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ નંબરો પણ જાહેર-પ્રચાર કરવાની સુચના આપી હતી.
હાઇકોર્ટના ફરમાન બાદ હવે 14449નો ખાસ નંબર જારી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાતને આ ખાસ નંબર ફાળવ્યો છે અને 15 દિવસમાં એક્ટીવ થઇ જશે. એડવોકેટ્ જનરલ દ્વારા, હાઇકોર્ટને આ બાબતની જાણ કરવામાં આવી હતી.આ નંબર એક્ટીવ થયા બાદ પોલીસના દમનથી માંડીને લાંચ-ભ્રષ્ટાચાર કે અન્ય કોઇપણ ગેરવર્તણુક વિશે ફરિયાદ કરી શકાશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.