વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય વિભાગના અધિક નિયામકશ્રીએ લીધી બાદલપરા ગામની સરપ્રાઈઝ મુલાકાત
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય વિભાગના અધિક નિયામકશ્રીએ લીધી બાદલપરા ગામની સરપ્રાઈઝ મુલાકાત
---------
આદર્શ ગામ બાદલપરામાં થયેલા વિકાસના સુનિયોજીત કામોને બિરદાવ્યા
---------
સુચારૂ આયોજન અને સુનિયોજિત અમલીકરણ થકી ગીર સોમનાથ જિલ્લામાં છેવાડાના માનવીને સ્પર્શી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા
: અધિક નિયામકશ્રી ડૉ.નિલમભાઈ પટેલ
---------
ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ સહિત મહાનુભાવોના હસ્તે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવતા લાભાર્થીઓ
---------
તહેવારોની જેમ ‘વિકસિત ભારત સંકલ્પ રથ’ના આગમનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા બાદલપરાના ગ્રામજનો
---------
ગીર સોમનાથ, તા.૧૯: વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય વિભાગના અધિક નિયામક શ્રી ડૉ.નિલમભાઈ પટેલે બાદલપરા ગામની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન બાદલપરાના ગ્રામજનોમાં જાણે ઉત્સવનો માહોલ હોય એવી ઉર્જા જોવા મળી હતી. પરંપરાગત વસ્ત્રોથી સજ્જ કુમારીકાઓએ ઢોલ અને શરણાઈના મધુર રવ સાથે સંકલ્પ યાત્રાનું અને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
આ તકે, આરોગ્ય વિભાગ(ph)ના અધિક નિયામકશ્રી નિલમભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાદલપરામાં વિકાસના અગણિત કામો થયા છે. એ જોઈને અનહદ આનંદ થયો છે. સુચારૂ આયોજન અને સુનિયોજિત અમલીકરણ થકી ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેવાડાના માનવી સુધી સ્પર્શી રહી છે. ઘણાં લોકોને યોજનાઓની જાણ નથી હોતી. તેથી લાભ લેવાનો બાકી રહી જાય છે પરંતુ આ યાત્રાનો હેતુ પાત્રતા ધરાવતા બાકી રહેલા તમામ લાભાર્થીઓ સુધી પહોંચવાનો છે. આવું કહી તેમણે ‘આયુષ્માન યોજના’નો ખાસ લાભ લેવા ઉપસ્થિત તમામને અપીલ કરી હતી.
જ્યારે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાએ કહ્યું હતું કે,’વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદ્રષ્ટિને અનુસરી વિકાસની તમામ પરિભાષા પૂર્ણ કરી ભારત પ્રગતિ તરફ આગળ વધે એવો શુભહેતુ રહ્યો છે. સંકલ્પ યાત્રાના માધ્યમથી શિક્ષણ, પોષણ, સમાજસુરક્ષા તેમજ આરોગ્ય અને રસાયણમુક્ત ખેતી, મહિલા સશક્તિકરણ વગેરે જેવા તમામ પાસાઓને આવરી લેવાયા છે. વિકસિત ભારત બનાવવામાં સરકારની નીતિઓ અને સહભાગીદારીનો સમન્વય અતિજરૂરી છે. જે દિશામાં આ રથના માધ્યમથી આપણે ગતિ કરી રહ્યાં છીએ’ ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડે પણ ઉપસ્થિત તમામને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
વિકસિત સંકલ્પ યાત્રાના માધ્યમથી બાદલપરામાં ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત ૦૪ લાભાર્થીઓએ પોતાનો સુખદ અનુભવ વ્યક્ત કર્યો હતો. જ્યારે સ્થળ પર જ નવા ૩૧ આયુષ્માન કાર્ડ બનાવી અને વિતરણ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત ૫ મહિલા, ૬ વિદ્યાર્થી અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૪ ખેલાડીઓ તેમજ ૧ સ્થાનિક કલા કારીગરનું સન્માન કરવામાં આવ્યું હતું. બાદલપરા પંચાયતમાં જલજીવન મિશન, જનધન યોજના અને આયુષ્માન કાર્ડની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ છે. તદુપરાંત ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે. આ કાર્યક્રમમાં બાદલપરાની શાળાના વિદ્યાર્થીઓએ ‘ધરતી કહે પુકાર કે’ નાટકના માધ્યમથી સામાજીક સંદેશ પાઠવ્યો હતો અને મહાનુભાવો સહિત ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈ દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન.પી.ગણાત્રા, પ્રાંત અધિકારી શ્રી કે.વી.બાટી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસિંહજી પરમાર, મામલતદાર આરઝુ ગજ્જર સહિત અગ્રણી શ્રી વિક્રમભાઈ પટાટ, માનસિંહભાઈ પરમાર, બાબુભાઈ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, અરશીભાઈ ચાવડા સહિત ગ્રામજનોની પણ ઉપસ્થિતિ રહી હતી.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.