રાજકોટમાં 40 વર્ષીય મહિલાએ માતા અને બહેનને ફોન કર્યા બાદ ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન મોત નિપજ્યું
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર જયરામ પાર્કમાં તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં રહેતી જલ્પાબેન ભગવાનજીભાઇ બગથરીયા (ઉ.વ.40)એ ઝેરી ટીકડીઓ પી લેતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું. તેણીના પ્રથમ લગ્ન થયા બાદ છુટાછેડા થયા હતાં. જોકે, છ મહિના પહેલા રાજકોટના જયરામ પાર્કના લક્ષમણભાઇ ધરજીયા સાથે બીજા લગ્ન કર્યા હતાં. લક્ષમણભાઇના પ્રથમ પત્ની હયાત નથી. ગઇકાલે પતિ કારખાને ગયા હતાં ત્યારે પાછળથી જલ્પાબેને ઝેરી ટીકડીઓ પીધા બાદ રીબડા રહેતાં માતા અને બહેનને ફોન કરી પતિને જાણ કરી દેજો તેવી વાત કરી હતી. આથી બહેને જલ્પાબેનના પતિને ફોન કરી જાણ કરતાં તે તુરંત ઘરે પહોંચ્યા હતાં અને હોસ્પિટલમાં ખસેડયા હતાં. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ થતાં પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી જલ્પાબેને કયા કારણે આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.