મેરી માટી, મેરા દેશ’ અન્વયે રાજ્યના મુખ્યસચિવ શ્રી રાજકુમારની અધ્યક્ષતામાં યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારી જોડાયા - At This Time

મેરી માટી, મેરા દેશ’ અન્વયે રાજ્યના મુખ્યસચિવ શ્રી રાજકુમારની અધ્યક્ષતામાં યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારી જોડાયા


*સાબરકાંઠા જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૯મી ઓગસ્ટથી આરંભાશે ’મેરી માટી, મેરા દેશ’ અભિયાન*
** **
*‘મેરી માટી, મેરા દેશ’ અન્વયે રાજ્યના મુખ્યસચિવ શ્રી રાજકુમારની અધ્યક્ષતામાં યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારી જોડાયા*
** **
*’માટીને નમન, વીરોને વંદન’ થીમ અંતર્ગત દેશની માટીને વંદન કરવાની સાથે સાથે દેશ માટે શહીદ થનારા વીરોની વંદના પણ કરવામાં આવશે*
** **
*વસુધા વંદન અંતર્ગત દરેક ગામમાં ૭૫ વૃક્ષો વાવીને અમૃત વાટિકા તૈયાર કરાશે*
** **
*વીર શહીદોના નામની શિલાફલકમ્ (તક્તીઓ) સ્થાપિત કરવાની સાથે સાથે તેમના પરિવારજનોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરાશે*
** **
*લોકભાગીદારી થકી યોજાશે ગ્રામ્ય કક્ષાથી નવી દિલ્હી સુઘી ’મેરી માટી, મેરા દેશ’ના કાર્યક્રમો*
** **
*બાળકો, યુવાનો અને નાગરિકો હાથમાં દેશની માટી સાથે લેશે પાંચ પ્રણ*
** ** ** ** ** **
આપણી માતૃભૂમિની માટી સાથે આપણા સૌનો અતૂટ સંબધ રહેલો હોય છે. માતૃભૂમિની માટી જ લોકોને જોડે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ વર્ષની ઉજવણીની થીમ માટી સાથે જ સંકળાયેલી છે. ’મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સમગ્ર દેશ માતૃભૂમિને વંદન કરશે, સાથે સાથે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની વંદના પણ કરશે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન આગામી ૯મી ઑગસ્ટથી આરંભાશે. ૯મી ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ સુધી ગ્રામકક્ષાએ કાર્યક્રમો યોજાશે, ત્યાર બાદ તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે અને ઑગસ્ટ મહિનાના અંતમાં મુખ્ય કાર્યક્રમ વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજવાનું આયોજન છે.
’મેરી માટી, મેરા દેશ’ અભિયાન અન્વયે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારની અધ્યક્ષતામાં આયોજિત વિડિયો કોન્ફરન્સમાં રાજ્યના દરેક જિલ્લાના અધિકારીશ્રીઓને કેમ્પેઈન અંતર્ગત કરવાની થતી કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
’મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની દરેક ગ્રામ પંચાયત અને નગરપાલિકા દ્વારા અમૃત સરોવર અથવા ગામના જળાશય કે પછી શાળા/કૉલેજ કે પંચાયતના પ્રાંગણમાં દેશ માટે બલિદાન આપનારા વીર જવાનોના નામવાળી તક્તી (શિલાફલકમ્) સ્થાપિત કરવામાં આવશે તથા સ્વાતંત્ર્યસેનાનીઓ, શહીદ થયેલા આર્મી તથા પોલીસ સહિતના વિભાગના જવાનોના પરિવારજનોનું સન્માન પણ કરવામાં આવશે.
ગામથી તાલુકામથક સુધીની માટી યાત્રા પણ યોજવામાં આવશે, જેમાં ગામની માટીને તાલુકા સ્તરે પહોંચાડવામાં આવશે. દરેક તાલુકામાં બધા ગામોની માટી ભેગી કરીને એક કળશ ભરવામાં આવશે, જેને તાલુકાના એક નવયુવાન દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવશે.
ગામ સ્તરે આ અભિયાન અંતર્ગત ‘વસુધા વંદન’ કાર્યક્રમ પણ યોજાશે, જેમાં દરેક ગામમાં ૭૫ વૃક્ષો વાવીને અમૃત વાટિકા તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત ગામનાં બાળકો, યુવાનો અને નાગરિકો પાંચ પ્રણ માટે પણ પ્રતિજ્ઞાબદ્ધ થશે. હાથમાં માટી કે માટીનો દીવો લઈને તેઓ આ પ્રતિજ્ઞા લેશે અને એની સેલ્ફી લઈને આ અભિયાનના ખાસ વેબપેજ પર અપલોડ કરશે તો તેમને ઈ-સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થશે, એવું આયોજન કરવામાં આવ્યું છે.
દેશની નવી પેઢી અને નાગરિકોમાં દેશભાવના જગાવવા માટે આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોને માતૃભૂમિ, શહીર વીરો તેમજ જમીન-માટીનું મહત્ત્વ સમજાવવા અને તેના પ્રત્યે ઋણ અદા કરવાની ભાવના કેળવવાનો છે.
વિડિયો કોન્ફરન્સ બાદ ડી ડી ઓ શ્રી હર્ષદ વોરા દ્વારા ઉપસ્થિત જિલ્લાના અધિકારીઓને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા અધિક નિવાસી કલેક્ટર શ્રી બ્રહ્મભટ્ટ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, વન વિભાગના શ્રી એસ.ડી. પટેલ, શ્રી એચ. જે. ઠક્ક સહિતના વિભાગોના અધિકારીઓ સહભાગી બન્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.