કોઠારીયા રોડની શરાફી સહકારી મંડળી ઉઠી ગઇઃ રોકાણકારોના મરણમુડી સમાન ૧૦ાા લાખ ડૂબ્‍યા - At This Time

કોઠારીયા રોડની શરાફી સહકારી મંડળી ઉઠી ગઇઃ રોકાણકારોના મરણમુડી સમાન ૧૦ાા લાખ ડૂબ્‍યા


શરાફી સહકારી મંડળીના સંચાલક એવા બે ભાઇઓએ લોકોને જુદી જુદી સ્‍કીમો સમજાવી નાણાનું રોકાણ કરાવી બાદમાં મંડળીને તાળા મારી દેતાં મરણમુડી ગુમાવનારા અનેકને પછતાવાનો વારો આવ્‍યો છે. ભક્‍તિનગર પોલીસે કોઠારીયા રોડની અક્ષરનિધિ શરાફી સહકારી મંડળીના સંચાલક બંધુ વિરૂધ્‍ધ સાડા દસ લાખની ઠગાઇનો ગુનો નોંધી મંડળીના એમડીને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે સાધુવાસવાણી કુંજ રોડ પરિવાર મોલ પાસે રેલનગર શ્રીરામ પાર્ક-૨માં રહેતાં નાગરિક બેંકના નિવૃત કર્મચારી દિલીપભાઇ વિસરજીભાઇ ચાવડા (ઉ.વ.૬૩)ની ફરિયાદ પરથી કોઠારીયા રોડ પર આંબેડકર ભવન સામે ઠાકોરજી આર્કેડમાં એસબીઆઇની ઉપર બેસતી અક્ષરનિધિ શરાફી સહકારી મંડળી લી.ના ચેરમેન રાજેશ સામતભાઇ ચાવડા (રહે. ૧૫ ગુંજન પાર્ક આલાપ સેન્‍ચ્‍યુરી પાછળ કાલાવડ રોડ) તથા મેનેજીંગ ડિરેક્‍ટર હરેશ સામતભાઇ ચાવડા (રહે. ૧૩૦૪-જે વીંગ ગુ.હા.બોર્ડ કવાર્ટર કટારીયા શો રૂમ પાછળ) અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦-બી, ગુજરાત પ્રોટેક્‍શન ઓફ ઇન્‍ટ્રેસ્‍ટ ઓફ ડિપોઝીટર એક્‍ટની કલમ અને ઇનામી ચિઠ્ઠી તથા નાણા પરીચલન યોજના ઉપર (મનાઇ) બાબતની કલમો હેઠળ ગુનો દાખલ કરી મંડળીના એમડી હરેશ ચાવડાની ધરપકડ કરી છે.
બંને ભાઇઓએ રોકાણકારોને અલગ અલગ લલચામણી સ્‍કીમો બતાવી રોકાણ કરવાનું કહી ચાર રોકાણકારોના રૂા. ૧૦,૫૦,૦૦૦ ચાંઉ કરી લીધાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે. દિલીપભાઇ ચાવડાએ જણાવ્‍યું છે કે હું સ્‍વામિનારાયણ ધર્મ પાળતો હોવાથી અવાર-નવાર કાલાવડ રોડના અક્ષર મંદિરે દર્શન કરવા અને સેવા કરવા જતો હતો. અગાઉ હું નાગરિક બેંકમાં ક્‍લીયરીંગ સ્‍ટાફ, રિકરવી સ્‍ટાફ એમ અલગ અલગ હોદ્દા પર ફરજ બજાવતો હતો. ૨૦૧૦માં સ્‍વૈચ્‍છીક નિવૃતી લીધીહતી. દસેક વર્ષ પહેલા મારી મુલકાત અક્ષર મંદિરે આવતાં રાજેશ ચાવડા અને તેના ભાઇ રહેશ ચાવડા સાથે થઇ હતી. બંને સાથે સમય જતાં ખુબ સારો પરીચય થઇ ગયો હતો. એ પછી અમે અવાર-નવાર મંદિરે મળતાં હતાં.
વર્ષ ૨૦૧૬માં આ બંને ભાઇઓએ મને કહ્યું હતું કે અમે અક્ષરનિધિ શરાફી સહકારી મંડળી ચલાવીએ છીએ. જેની ઓફિસ કોઠારીયા રોડ આંબેડકર ભવન સામે એસબીઆઇ ઉપર ઠાકોરજી આર્કેડમાં છે. અમારી આ મંડળી રજીર્સ્‍ડ છે અને તેમાં રૂપિયાનું રોકાણ કરવાથી તમને સારું એવું વળતર મળે તેમ છે. હું નિવૃત થયો હોઇ તે વાત આ બંને ભાઇઓ જાણતાં હોઇ મને રૂબરૂ મંડળીએ મુલાકાત માટે બોલાવતાં હું ત્‍યાં ગયો હતો. જ્‍યાં રાજેશ ચાવડાએ પોતે મંડળીના ચેરમેન અને હરેશ ચાવડાએ પોતે મેનેજીંગ ડિરેક્‍ટર છે તેવું કહ્યું હતું. ત્‍યારબાદ મને અલગ અલગ પાંચ સ્‍કીમ જણાવી હતી.
જેમાં એક ધનવર્ષા મની બેંક યોજનામાં છ વર્ષે રૂપિયા ડબલ અને ૧૫૧ સભ્‍યોની સ્‍કીમમાં રોકાણ કરવા કહેલું, બીજી સ્‍કીમ ગોલ્‍ડ પ્‍લસ યોજના હતી. જેમાં એક વર્ષમાં ૪૫ હપ્‍તા ૧ હજારના અને ડ્રોમાં વિજેતા થનાર સભ્‍યને ૧૪.૬૦ ગ્રામ સોનુ તથા ૪૫ હજાર રોકડા મળે, ત્રીજી સ્‍કીમમાં મંડળીમાં ફિક્‍સ ડિપોઝીટ કરવાથી સાડાચાર વર્ષે ડબલ રૂપિયા, ચોથી સ્‍કીમમાં ડેઇલી બચત યોજના તથા પાંચમીમાં મંડળીમાં શેર સભ્‍યપદ મળે. આ પ્રકારની સ્‍કીમો મને સમજાવી હતી. મને બંને ભાઇઓ પર પુરો વિશ્વાસ હોઇ જેથી મેં કટકે કટકે રોકાણ શરૂ કર્યુ હતું. ૨૦૧૭માં મેં મારા નામે ૧,૦૫,૦૦૦ ફિક્‍સમાં ૩૬ મહિનામાં ડબલ ૧૧.૪૩ ટકા વાર્ષિક વ્‍યાજ લેખે રોક્‍યા હતાં. જેની પાકતી મુદ્દત ૧૨/૧૦/૨૦૨૦ હતી. ત્‍યારે મને મંડળીનો સભ્‍ય બનાવી રૂા. ૧૮૦૦ ફી લઇ સભ્‍ય પહોંચ આપી હતી.
એ પછી ૨૦૧૮માં મારા પત્‍નિ ભારતીબેન અને દિકરી દિક્ષીતા તથા મારા નામે ૧૦-૧૦ હજાર ધનવર્ષા મનીબેક સ્‍કીમમાં રોક્‍યા હતાં. જે છ વર્ષે ડબલ થશે તેવું કહેવાયું હતું. તેની સામે સિક્‍યુરીટી પેટે ચાલીસ હજારનો ચેક મને રાજેશ ચાવડાએ આપ્‍યો હતો. એ પછી અલગ અલગ સ્‍કીમમાં મેં કુલ ૮ લાખનું રોકાણ કર્યુ હતું. જેમાંથી સાડા ત્રણ લાખની ફિક્‍સ ડિપોઝીટની રસીદ મારે લેવાની થતી હતી. ૨૦૨૦માં મારે પૈસાની જરૂર પડતાં હું શરાફી મંડળીની ઓફિસે નાણા લેવા જતાં રાજેશ અને હરેશ એમ બંને ભાઇઓએ થોડા દિવસમાં તમારા રૂપિયા આપી દઇશું તેમ કહી ધક્કા ખવડાવ્‍યા હતાં અને મંડળી હાલમાં નુકસાનીમાં ચાલે છે, તમે ચિંતા ન કરો તમારા પૈસા મળી જ જશે તેવી વાતો કરી હતી. એ પછી ૨૦૨૦ના અંતમાં મંડળીની ઓફિસ બંધ કરીને બંને જતાં રહ્યા હતાં. તેના ફોન નંબર પર સંપર્ક કરતાં મને ઘરે આવો આપણે બેસીને વાત કરીએ તેમ કહેતાં હું રાજેશના ઘરે ગુંજન પાર્કમાં ગયો હતો. ત્‍યાં તેણે કહેલું કે મંડળી સાવ ડુબી ગઇ છે, બંધ થવાની હાલતમાં છે, લોકોનું મારા પર ૫-૬ કરોડનું દેણુ છે તેમ ચિંતા ન કરો હું તમને રૂપિયા આપી જ દઇશ તેમ કહ્યું હતું.
એ પછી ત્રણેક મહિના બાદ ફરીથી હું રાજેશ ચાવડાના ઘરે જતાં તેણે રૂપિયા આપવા નથી તેમ કહી દીધુ હતું. ત્‍યાર પછી તેનો વારંવાર સંપર્ક કરવા છતાં પૈસા આપયા નહોતાં. હરેશ ચાવડાએ મને ચેક આપેલા તે રીટર્ન થયા હતાં. આથી મેં ફરિયાદ કરી હતી. એ પછી હરેશે ૧૯/૧/૨૩ના રૂબરૂ વાત કરવા બોલાવ્‍યો હતો. પણ રૂપિયા મને મળ્‍યા નહોતાં. મેં તપાસ કરતાં અન્‍ય રોકાણકારો સાધુ વાસવાણી કુંજ રોડ પર અમૃત રેસિડેન્‍સીમાં રહેતાં કુરીયરવાળા વિનોદભાઇ દેવજીભાઇ સોલંકીના રૂા. ૧ લાખ, ચંદ્રેશનગરના અશ્વિનભાઇ બાબુભાઇ ઉનડકટના રૂા. ૧,૫૦,૦૦૦ પણ આ મંડળીમાં રોકાયા હોવાનું અને તેને પણ નાણા નહિ મળ્‍યાનું તેમજ અન્‍ય રોકાણકારો, થાપણકારોના પણ નાણા ફસાયાનું જાણવા મળ્‍યું હતું. હાલ મારા સહિત ત્રણ લોકોના રૂા. ૧૦,૫૦,૦૦૦ ફસાયા હોઇ અમે ફરિયાદ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.