રિક્ષાએ ઉલાળતાં શોભનાબેનનું મોતઃ ટોળુ ભેગુ થતાં શું થયું એ જોવા ગયેલા યુવાનને પત્નિ જ ઘાયલ જોવા મળી
કોઠારીયા રોડ સ્વાતિ પાર્ક જવાના રસ્તે આજીડેમ પોલીસ સ્ટેશન નજીક સાંજે દિકરીને શાળાએથી તેડીને પગપાળા ઘરે જઇ રહેલા રણુજા મંદિર પાસે હાઉસીંગ બોર્ડ સામે જયનગર મફતીયાપરામાં રહેતાં શોભનાબેન ભરતભાઇ માલકીયા (ઉ.વ.૩૪) રિક્ષાની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યું હતું. ટોળુ ભેગુ થયું હોઇ નજીકમાં જ શોભનાબેનના પતિ ઉભા હોઇ તેઓ શું થયું? તે જોવા માટે દોડી જતાં તેના જ પત્નિને અકસ્માત નડયાનું અને તે બેભાન પડેલા હોવાનું જાણવા મળ્યું હતું. તુરત તેણીને હોસ્પિટલે ખસેડયા હતાં. પણ જીવ બચી શક્યો નહોતો.
આ બનાવમાં આજીડેમ પોલીસે મૃત્યુ પામનાર શોભનાબેનના પતિ ભરતભાઇ છગનભાઇ માલકીયા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી રિક્ષા નં. જીજે૦૩બીએક્સ-૪૮૭૯ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ભરતભાઇએ જણાવ્યું હતું કે હું બંગડી કામની મજૂરી કરુ છું. મારે સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. સાંજે હું ઘર નજીક આરકે સર્વિસ સ્ટેશન પાસે હતો ત્યારે સ્વાતિ પાર્ક તરફ જતાં રસ્તા પર બગીચો છે ત્યાં માણસો ભેગા થયા હોઇ શું થયું છે? એ જોવા માટે હું પણ ત્યાં દોડી ગયો હતો. ત્યાં જઇ જોતાં મારા પત્નિ શોભના રોડ પર બેભાન પડેલા જોવા મળ્યા હતાં. તેને માથા, કાન અને શરીરે ઇજાઓ દેખાઇ હતી. તેમજ એક સીએનજી રિક્ષા આઇશર ટ્રક સાથે અથડાયેલી જોવા મળી હતી.
મેં તુરત જ મારા સગાને બોલાવી મારા પત્નિને હોસ્પિટલે ખસેડવા તજવીજ કરી હતી. ત્યાં ભેગા થયેલા લોકોએ જણાવ્યું હતું કે મારા પત્નિ ફૂટપાથ પર ચાલીને જઇ રહ્યા હતાં ત્યારે રિક્ષા ચાલકે તેને ઠોકરે લીધા હતાં અને બાદમાં રિક્ષા આઇશર સાથે અથડાઇ હતી. હોસ્પિટલમાં મારા પત્નિનું મોત નિપજ્યું હતું. જ્યારે અજાણ્યા રિક્ષાચાલકને ઇજા થઇ હોઇ તેને દાખલ કરાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.