મહિલાના બેંક ખાતામાંથી રૂ. 41 હજાર બારોબાર ટ્રાન્સફર થઇ ગયા - At This Time

મહિલાના બેંક ખાતામાંથી રૂ. 41 હજાર બારોબાર ટ્રાન્સફર થઇ ગયા


સાયબર ક્રાઇમ, માલવિયાનગર પોલીસે મહિલાને એકબીજાની ખો આપી.

ગોંડલ રોડ પરના રાધે હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને બાલાજી ક્રિએશન નામે વેપાર કરતાં અલ્કાબેન અંબાસણાના મોબાઇલ પર ગુરુવારે સવારે મેસેજ આવ્યો હતો અને ચાર ટ્રાન્ઝેક્શનથી તેમના ખાતામાંથી રૂ.41698 ઉપડ્યાની જાણ કરવામાં આવી હતી, પોતે કોઇપણ પ્રકારનો વ્યવહાર કર્યો નહોય છતાં બાલાજી ક્રિએશનના એચડીએફસીના બેંક એકાઉન્ટમાંથી રકમ ઉપડતાં અલ્કાબેન બેંકની ભક્તિનગર બ્રાંચે પહોંચ્યા હતા, અને તપાસ કરતાં રૂ.19999ના બે રૂ.1700નું એક અને રૂ.48નું એક ટ્રાન્ઝેક્શન મળી રૂ.41698 ખાતામાંથી ટ્રાન્સફર થયા હતા.

આર્થિક છેતરપિંડી થતાં અલ્કાબેન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે રૂ.50 હજારથી ઉપરની રકમની છેતરપિંડીના કેસ જ સાયબર ક્રાઇમ તપાસ કરતી હોવાનું કહી તેમને જેતે વિસ્તારના પોલીસ મથકે જવાનું કહી રવાના કરી દેવાયા હતા, અલ્કાબેને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પોતાની વ્યથા ઠાલવતા ‘તમે હેલ્પલાઇન નંબર જાણ કરી હોય ત્યાંથી ફરિયાદ આવશે’ કહી ત્યાંથી પણ રવાના કરી દેવાયા હતા, અલ્કાબેને જણાવ્યું હતું કે, બેંકના અધિકારીઓએ કહ્યું કે, યુપીઆઇથી આર્થિક વ્યવહાર થયો છે, મહિલાએ કોઇ લિંક ઓપન કરી નહોતી તેમજ ઓટીપી પણ આપ્યો ન હોય છતાં ખાતામાંથી રકમ ઉપડી જતાં બેંકના કર્મચારીઓની ભૂમિકા સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.