આરોપીની ગેરકાયદેસર અટકાયતની તપાસ રાજકોટ CPને કરવા આદેશ
ધરપકડ અંગેની ગાઇડલાઇનનો ભંગ કરનાર પોલીસ સામે સ્પે.કોર્ટની લાલ આંખ.
મોરબીના આરોપીએ પોલીસે ખોટા પુરાવા રજૂ કર્યાની કોર્ટમાં રજૂઆત કરી હતી.
મોરબીમાં ગુજસીટોકની નોંધાયેલી ફરિયાદ બાદ આરોપીએ કરેલી રજૂઆત તેમજ ટઆધાર-પૂરાવાના આધારે સ્પેશિયલ કોર્ટે આ બનાવની તપાસ મોરબીના બદલે રાજકોટના પોલીસ કમિશનરને કરવાનો આદેશ કરતા પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.મોરબીના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુના બાદ ગુજસીટોકની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો જે ગુનામાં સંડોવાયેલા 14 આરોપીઓને પોલીસે ઝડપી લઇ ધરપકડ કરી હતી. જ્યારે ચાર આરોપીને ફરાર બતાવાયા હતા તે પૈકી એક મોરબીના વજેપર રોડ પર રહેતો હસેનશા ઉર્ફે હકો અહમદશા શાહમદારની પણ સંડોવણી હતી.
દરમિયાન આરોપી હસેનશા ભરૂચના દહેજ ગામ પાસે આવેલા રિલાયન્સ કંપનીમાં હોવાની માહિતીના આધારે પોલીસે હસેનશાની રિલાયન્સ કંપનીના પાર્કિંગમાંથી તા.11-12ના રોજ અટક કરી હતી. બાદમાં હસેનશાને ખાનગી કારમાં ચાર સાદા ડ્રેસવાળા પોલીસમેન વાંકાનેર થઇ મોરબી લઇ આવ્યા હતા અને એ ડીવિઝન પોલીસ હવાલે કર્યો હતો. 24 કલાકથી વધુ સમય અટકાયતમાં રાખી હસેનશાની જુદી-જુદી જગ્યાએથી અટક બતાવી તેનું ખોટું અટક પંચનામુ તેમજ પ્રોડક્શન રિપોર્ટ, કેસ ડાયરી બનાવી અટકાયતની મંજૂરી રાજકોટ રેન્જ આઇ.જી.એ આપી હતી. ત્યાર બાદ આરોપી હસેનશાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર પણ લીધો હતો.
રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરતા આરોપી હસેનશાના પરિવારે એડવોકેટ લલિતસિંહ જે.શાહી, સુરેશ ફળદુ મારફતે જ્યાંથી અટકાયત કરવામાં આવી હતી ત્યાંથી લઇ મોરબી સુધીના સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતના પુરાવાઓ કોર્ટમાં રજૂ કરી પોલીસે હસેનશાની ગેરકાયેદસર અટકાયત કરી એટલું જ નહિ, જુદી-જુદી જગ્યાએ અટક બતાવી ખોટા કાગળો ઊભા કરી અદાલતને પણ ગેરમાર્ગે દોર્યા હોવાની ફરિયાદ કરી હતી. જે ફરિયાદને આરોપીએ પણ સમર્થન આપતા સુપ્રીમ કોર્ટના ચુકાદાની 11 આદેશાત્મક જોગવાઇઓનો ભંગ કર્યો હોય સ્પે.કોર્ટે બનાવની રાજકોટ પોલીસ કમિશનરને જાતે તપાસ કરી રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.