રાજકોટની હરિપ્રસાદ શરાફી મંડળીમાં હોટેલ સંચાલક પરિવારના રૂ.1.09 કરોડ ડૂબ્યા! - At This Time

રાજકોટની હરિપ્રસાદ શરાફી મંડળીમાં હોટેલ સંચાલક પરિવારના રૂ.1.09 કરોડ ડૂબ્યા!


કેનાલ રોડ પર આવેલા નિર્મલ કોમ્પલેક્ષમાં બીજે માળે ઓફિસ ધરાવતી હરિપ્રસાદ શરાફી સહકારી મંડળી લી.માં પોતાના અને પરિવારજનોના નાણા ડિપોઝીટ કરાવનાર અરજદાર પ્રદ્યુમનસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા (રહે.શિવશક્તિ, સાંઇનગર મેઇન રોડ, 150 ફુટ રીંગ રોડ, બીગ બજાર પાછળ)એ 1.09 કરોડથી વધુ ડિપોઝીટ પાકતી મુદ્દતે પરત નહીં આપી આ ડિપોઝીટો ઉપર ખોટી સહીઓથી મંડળીમાંથી જ લોનો ઉપાડી લેવાયાની વિધીવત ફરિયાદ ક્રાઇમ બ્રાંચમાં કરવામાં નોંધાઈ છે. મંડળીના ચેરમેન કાર્તિક ધીરૂભાઇ સાગર તેમજ તપાસમાં ખુલે તેની સામે 406, 409, 420, 465, 467, 468 અને 471 સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ જણાવાયું છે કે, હું બસ સ્ટેન્ડ પાછળ શિવશક્તિ હોટલના નામે વેપાર કરૂ છું.હોટલના ધંધા ઉપર ખેતીવાડીની આવકમાંથી થતી બચત તેમજ મારા સસરા પ્રવિણસિંહ જાડેજા નિવૃત્ત થતા તેમની બચત તેમજ ખેતીની આવકની બચત જે તેમના અવસાન પહેલા મારા પત્નીને આપી હતી તે સહિતની રોકડ પરિવારજનોના નામે ફિક્સ ડિપોઝીટ કરવાનું વિચારતા હતા.

ફિક્સ ડિપોઝીટના વ્યાજની જે આવક થાય તેના પાછળ નિવૃત્તિ જીવન સારી રીતે જીવી શકાય તેવા હેતુથી મારા પત્ની,પુત્ર અને દોહિત્રીના નામે એફ.ડી. કરાવવાનું નક્કી કર્યુ હતુ. અમે રાજકોટની વિજય કોમર્શિયલ કો.ઓ. બેંકમાં ખાતુ ધરાવતા હોવાથી ત્યાં બેંકીંગ વ્યવહારો માટે જવાનું થતુ હતું.ત્યાંના બેંક મેનેજર ધીરૂભાઇ હરિપ્રસાદ સાગર સાથે પરિચય હોવાથી ડિપોઝીટ મુકવા માટે વાતચીત કરી હતી.

તે વખતે બેંક મેનેજર ધીરૂભાઇ સાગરે બેંકમાં એફ.ડી. કરશો તો તેના ઉપર વ્યાજ ઓછુ મળશે, જો તમારે સારૂં વળતર જોઇતુ હોય તો મારો પુત્ર કાર્તિક શ્રી હરિપ્રસાદ સહકારી મંડળી નિર્મલ કોમ્પલેક્ષ, કેનાલ રોડ ખાતે ચલાવે છે.તેમાં ફિક્સ ડિપોઝીટ કરશો તો બેંક વ્યાજ કરતા ડબલ વ્યાજ એટલે કે,વાર્ષિક 12 ટકા વ્યાજ મળશે.આમ જણાવી પોતાના પુત્રને ફોન કરી દીધો હતો.જેથી, હું અને મારો પુત્ર દિવ્યરાજસિંહ હરિપ્રસાદ શરાફી મંડળીની ઓફિસે ગયા હતા અને મંડળીના ચેરમેન કાર્તિકભાઇને મળ્યા હતા.

જે તે વખતે કાર્તિકભાઇ સાગર સાથે હર્ષદભાઇ સાગર અને મંડળીના મેનેજર હાર્દિકભાઇ ધાનક હાજર હતા.જેમણે મંડળીમાં રોકાણની જુદી-જુદી સ્કીમો સંબંધે વાત કરી હતી.કાર્તિકભાઇ અને બેંક મેનેજર તેમજ તેમના ભાઇએ એફ.ડી. ઉપર વાર્ષિક 10 ટકા વ્યાજ ચુકવશુ તેવું જણાવ્યુ હતુ ત્યારે અમે મોટી રકમ કટકે-કટકે એફ.ડી. કરવા જણાવતા તેઓએ બે દિવસ બાદ જવાબ આપશે તેવુ કહ્યુ હતુ.

અમે બે દિવસ બાદ મંડળીની ઓફિસ ગયા હતા ત્યારે કાર્તિકભાઇએ બધા સાથે વાતચીત થઇ ગઇ છે.અમે તમને 12 ટકા વાર્ષિક વ્યાજ ચુકવીશુ તેમ કહ્યું હતું.બાદમાં મંડળીના ચેરમેનની વાત ઉપર અમને વિશ્વાસ આવ્યો હતો સાથોસાથ અન્ય મંડળી કે બેંક કરતા વધુ વ્યાજ એટલે કે 12 ટકા મળતુ હોવાથી અમે અમારા નાણા ફિક્સ ડિપોઝીટ રૂપે મારા પત્ની, પુત્રના નામે મુક્યા હતા.

તા.14-10-2017ના મારા પત્નીના નામે 6 લાખ રૂપિયા 14-10-2018ની પાકતી તારીખ સુધી મુક્યા હતા, જે પાકતી તારીખે 9 લાખ 18 હજાર અમને પરત મળવાના હતા.આવી જ રીતે મારા પત્ની ભાવનાબા વાઘેલાના નામે 9-11-2017ના 10 લાખ રૂપિયા 1 વર્ષ માટે ડિપોઝીટ કરાવ્યા હતા,ત્યારબાદ 5-12-2017ના 18 લાખ 50 હજાર 1 વર્ષ માટે ડિપોઝીટ કર્યા હતા, ત્યારબાદ 27-12-2017ના 3.5 લાખ, 21-5-2018ના 2 લાખ, 9-6-2018ના 2 લાખ, 3-7-2018ના 1.5 લાખ, 1-8-2018ના 2 લાખ અને 1-9-2018ના 4 લાખ ડી.પી.વાઘેલા,ડી.પી. વાઘેલા અને દેવાંશીબા આર. ઝાલાના નામે ફિક્સ કરાવ્યા હતા.

આ બધી ડિપોઝીટ મળી 49 લાખ 50 હજાર જુદી-જુદી તારીખે 1 વર્ષ માટે એફ.ડી.તરીકે મુક્યા હતા.જે માર્ચ 2022ની પાકતી મુદતે 74 લાખ 12 હજાર અમને પરત મળવાના હતા.પાછળથી બાંધી મુદ્દતની પહેલી થાપણ તા.14-10-2018ના પાકતી હોવાથી અમે વ્યાજ લેવા મંડળીની ઓફિસે જતા મંડળીના ચેરમેન કાર્તિકભાઇ સાગર અને મેનેજર હાર્દિકભાઇ ધાનક તેમજ વાઇસ ચેરમેન હર્ષદભાઇ સાગર હાજર હતા.

તેમણે અત્યાર આ રકમની વ્યવસ્થા નથી,તમારી એક પછી એક રસીદો પાકતી જશે ત્યારે છેલ્લે તમામ રકમ ડિફરન્સના વ્યાજ સાથે ચૂકવી આપીશુ તેવો ભરોસો આપ્યો હતો.જેથી અમે છેલ્લી એફ.ડી.ની પાકતી મુદ્દત તા.21-5-19ના મંડળીની ઓફિસે ગયા હતા.બાદમાં મંડળી તરફથી કોઇ ફોન આવ્યો ન હતો.અંતે અમે જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ આ બાબતે રજુઆત કરી હતી.થોડા સમય પછી જિલ્લા રજિસ્ટ્રારએ કહેલ કે,તમારા પરિવારની અમુક એફ.ડી. ઉપર અન્યોને લોન આપવામાં આવી છે.આ સાંભળી અમે આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

ત્યારબાદ જાણવા મળ્યું હતું કે,અમારી જાણ બહાર 23 પહોંચ પૈકી 10 પહોંચો ખોટી રીતે બનાવી પ્રાંજલ સંતોકી નામના વ્યક્તિને અમારી રૂ.69.67 લાખની એફ.ડીની લોન આપી પ્રદ્યુમ્નસિંહના પરિવારના સભ્યોની ખોટી જામીનગિરી આપી તેમાં ખોટી સહીઓ કરી તેનો ઉપયોગ પ્રાંજલ સંતોકીની લોન મંજૂર કરતી વેળાએ ભરેલા ફોર્મમાં ફરિયાદીના પરિવારના સભ્યો ગેરન્ટર તરીકે મૂકી તે પેપર્સમાં પણ ખોટી સહીઓ કરી આરોપીએ પોતાની મંડળીમાં પ્રાંજલનું ખોટું ખાતું ખોલાવી મોટી રકમ ચેકથી આપવાના બદલે રોકડમાં આપી અને તે સિવાયની રકમ રૂ.40.13 લાખની રકમ પણ નહીં આપી રૂ.1.09 કરોડની છેતરપિંડી આચરી હતી.આ મંડળીના વ્યવસ્થાપકોએ અન્ય થાપણદારોની રકમ પણ ઓળવી લીધી હતી.આ અંગે ક્રાઇમબ્રાન્ચના પીઆઇ વાય.બી.જાડેજા સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.