તગારૂ સાફ કરતી વેળાએ તળાવમાં ગરકાવ થતાં ચારણ મહિલાનું મોત
નવગામમાં રંગીલાના ઢોળા પાસે આવેલ તળાવ કાંઠે છાણનું તગારૂ સાફ કરતી વેળાએ રામીબેન ચારણનો પગ લપસતા તળાવના પાણીમાં ગરકાવ થયાં હતાં. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને ભારે જહેમતે મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવની વિગત મુજબ, નવાગામ 50 વારીયા પ્લોટ પાસે સોમનાથ રેસિડેન્સીમાં રહેતાં રામીબેન ભગાભાઈ રવશી (ઉ.વ.30) ગતરોજ સાંજે 6 વાગ્યાની આસપાસ ઘરની બાજુમાં રંગીલાના ઢોળા પાસે આવેલ તળાવમાં છાણનું તગારૂ સાફ કરવા માટે ગયાં હતાં ત્યારે તળાવના કાંઠેથી તેનો પગ લપસતા તળાવના પાણીમાં ગરકાવ થયાં હતાં. બનાવ અંગે પરિવારને જાણ થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો
ભારે જહેમત બાદ મહિલાનો મૃતદેહ હાથમાં આવ્યો હતો. બાદમાં 108 ને જાણ કરતાં ઈ.એમ.ટી.એ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં મૃતકના સબંધીએ જણાવ્યું હતું કે, તેના પતિ પશુપાલનનો ધંધો કરે છે અને ગત સાંજે પશુઓની ગમાણની સાફ સફાઈ કર્યા બાદ રામીબેન બાજુમાં આવેલ તળાવે તગારૂ સાફ કરવા ગયાં ત્યારે ઘટના ઘટી હતી. મૃતકના લગ્ન આઠ વર્ષ પહેલાં થયેલ હતા અને તેમનું માવતર જામનગર છે.સંતાનમાં એક પુત્ર છે જેને માતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.