વડોદરા પાસેથી દારૂનું ગોડાઉન ઝડપાયું , દારૂના કટીંગ સમયે પોલીસ ત્રાટકી , 25 લાખનો મુદ્દામાલ જપ્ત , 2 ની ધરપકડ , 8 વોન્ટેડ.
આગામી 31 ડિસેમ્બરના રોજ દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે . જોકે , વરણામા પોલીસે ફાજલપુર ગામમાં આવેલા ગોડાઉન ભાડે રાખીને મુકવામાં આવેલો ભારતીય બનાવટનો રૂપિયા 13. 21 લાખનો દારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 25. 82 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે . દારુનું કટીંગ ચાલી રહ્યું હતું તે જ સમયે પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી . આ દારૂનો જથ્થો સ્ટીલ ફર્નિચરના બોક્સની આડવામાં બંધ બોડીના કેન્ટેનરમાં રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો . પોલીસે આ બનાવમાં 2 આરોપીની સ્થળ પરથી ધરપકડ કરી છે . જ્યારે વડોદરાના બે બુટલેગરો સહિત 8 ને વોન્ટેડ જાહેર કરીને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે . મળેલી માહિતી પ્રમાણે વરણામા પોલીસ મથકના પી . એસ . આઇ . બી . એન . ગોહિલને ફાજલપુર કેનાલ પાસેના ગોડાઉનમાં દારુનો જથ્થો ઉતર્યો હોવાની માહિતી મળી હતી . સાથે એવી પણ માહિતી મળી હતી કે , હાલ ત્યાં નાના - મોટા બુટલેગરોના કેરીયરો દારુનો જથ્થો લેવા માટે આવ્યા છે . જે માહિતીના આધારે સ્ટાફના પી . એસ . આઇ . કે . ડી . ભરવાડ તેમજ સંતોષ પાઠક , હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ , સંજયભાઇ , અર્જુન રબારી સહિતના સ્ટાફની મદદ લઇ ફાજલપુર ગામ ખાતે આવે બોડી હાર્ડ ચેમ નામના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો . પોલીસે બોડી હાર્ડ ચેમ નામના ગોડાઉનમાંથી રૂપિયા 13 , 21 , 980 ની કિંમતનો ભારતીય બનાવટના દારુની 100 થી વધુ પેટીઓ કબજે કરી હતી . આ ઉપરાંત દારૂનો જથ્થો લેવા માટે કેન્ટેનર , ટેમ્પો સહિત 3 વાહનો , સ્ટીલ ફર્નિચરના 10 બોક્ષ સહિત કુલ રૂપિયા 25 , 82 , 480 નો મુદ્દામાલ કબજે કર્યા હતો . તે સાથે પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો લઈને રાજસ્થાનથી આવેલા વિજયસિંગ ગોકુલ પ્રજાપતિ ( રહે . સરગંડી , ઉત્તરપ્રદેશ ) તથા ક્લિનર મલખાણ શ્યામલાલ પ્રજાપતિ ( રહે . સીનાવન , ઉત્તરપ્રદેશ ) ને ઝડપી પાડ્યા હતા . જ્યારે દિનેશ છગનલાલ રાજપુરોહિત ( રહે . 12 , કોલાયત , રાજસ્થાન ) , અનિલ ( રહે . રાજસ્થાન ) , નિલેશ ઉર્ફ નિલુ હરેશ નાથાણી સિંધી ( રહે . વડોદરા ) , વિજયસિંહ ચંપકસિંહ રાણા ( રહે . માંજલપુર , વડોદરા ) ઓમપ્રકાશ હુકારામ મારવાડી અને રમેશ મારવાડીને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે . મળેલી માહિતી પ્રમાણે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હતો અને ફતેપુરા ગામ પાસેના બોડી હાર્ડ ચેમ નામનું ગોડાઉન ભાડે રાખીને મુકવામાં આવ્યો હતો . અને આ ગોડાઉન ઉપરથી વડોદરા સહિત આસપાસના નાના - મોટા બુટલેગરોને વેચાણ કરવામાં આવી રહ્યો હતો . દારુનો જથ્થો લેવા માટે આસપાસના નાના - મોટા બુટલેગરો વિવિધ વાહનો લઇને દારુનો જથ્થો લેવા માટે આવી પહોંચ્યા હતા . દારુનું કટીંગ થઇ રહ્યું હતું તેજ સમયે વરણામા પોલીસની ટીમ ત્રાટકી હતી . અને દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો . જોકે , પોલીસને સ્થળ પરથી માત્ર બંધ બોડીના કેન્ટેનરમાં સ્ટીલ ફર્નિચરના બોક્ષની આડમાં દારૂ લઇને આવેલા કન્ટેનર ચાલક અને ક્લિનરને ઝડપી પાડવામાં સફળતા મળી હતી . જ્યારે દારુનો જથ્થો લેવા માટે વિવિધ વાહનો લઇને આવેલા કેરીયરો - બુટલેગરો પોતાના વાહનો સ્થળ પર મૂકી ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા .વડોદરાના કુખ્યાત બુટલેગર નિલેશ ઉર્ફ નીલુ નાથાણી ( સિંધી ) એ પોર પાસે આવેલા ફાજલપુર ખાતે બોડી હાર્ડ ચેમનું ગોડાઉન ભાડે રાખી દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવ્યો હતો . અને ગોડાઉનમાં મૂક્યો હતો . અને ગોડાઉન ઉપરથી તેઓના સાગરીતો દ્વારા કટીંગ કરવામાં આવી રહ્યો હતો . જોકે , પોલીસે દરોડો પાડતાજ બુટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી . પોલીસે સ્થળ પરથી રૂપિયા 25. 82 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસ મથકે લઇ ગઇ હતી . વરણામા પોલીસ મથકનું કમ્પાઉન્ડ દારુની 100 ઉપરાંત પેટીઓથી ભરાઇ ગયું હતું . ||| -- પોર પાસેના ફાજલપુર ખાતેથી દારૂનું ગોડાઉન ઝડપાતા બુટલેગરોમાં ફફાડાટ વ્યાપી ગયો હતો . વરણામા પોલીસે ફરાર થઈ ગયેલા બુટલેગરો તેમજ ગોડાઉન ભાડે રાખી દારૂનું વેચાણ કરનાર બુટલેગર સહિત 8 બુટલેગરો સામે વરણામા પોલીસ મથકમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.