જિન્સ ન પહેરવાનું કહેનાર સસરાનો હાથ ભાંગી નાખનાર પુત્રવધૂએ સાસુનો દાંત તોડી નાખ્યો
રૈયાધાર વિસ્તારનો બનાવ, વેવાઇએ પણ વળતા હુમલાની ફરિયાદ નોંધાવી.
રૈયાધારમાં રહેતા રિક્ષાચાલક દશરથભાઇ પર બે દિવસ પૂર્વે તેના પુત્ર અને પુત્રવધૂએ હુમલો કરી પ્રૌઢનો હાથ ભાંગી નાખ્યો હતો, આ મામલે ચાલતા વિવાદમાં ફરીથી મારામારી થતાં દશરથભાઇના પત્ની રમાબેન પર ફરીથી પુત્ર અને પુત્રવધૂએ પાઇપથી હુમલો કરી પ્રૌઢાનો દાંત તોડી નાખતા પ્રૌઢાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, સામાપક્ષે પણ હુમલા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
રૈયાધાર વિસ્તારમાં રહેતા રમાબેન દશરથભાઇ ડાભી (ઉ.વ.65)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પુત્ર વિશાલ ડાભી, પુત્રવધૂ પૂજા ડાભી અને પૂજાનો ભાઇ સુનિલ સોલંકીના નામ આપ્યા હતા, રમાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પુત્ર વિશાલે પાડોશમાં રહેતી પૂજા સોલંકી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
પૂજા જિન્સ પેન્ટ પહેરતી હોય તેમજ તેનું વર્તન યોગ્ય નહીં હોવાથી બે દિવસ પૂર્વે દશરથભાઇએ પૂજાને જિન્સ પેન્ટ પહેરવાની ના કહેતા પૂજા, વિશાલ અને પૂજાનો પિતા હસમુખ સોલંકી ઉશ્કેરાયા હતા અને તેણે ધોકા-પાઇપથી હુમલો કરી દશરથભાઇનો હાથ ભાંગી નાખ્યો હતો.
થોડી જ વારમાં મારામારી થયાનો દેકારો સંભળાતા રમાબેન દોડીને ત્યાં પહોંચતા પુત્રવધૂ પૂજાએ પાઇપથી હુમલો કર્યો હતો અને માથામાં પાઇપનો ઘા ઝીંકી દીધો હતો, પુત્ર વિશાલે મોઢામાં લાકડી ફટકારી હતી પૂજાના ભાઇ સુનિલે ઢીકાપાટુનો માર માર્યો હતો, હુમલામાં રમાબેનનો દાંત તૂટી ગયો હતો અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.