દેશમાં સરકારો સમયસર નિર્ણયો નથી લેતી, એ મોટી સમસ્યા : નીતિન ગડકરી - At This Time

દેશમાં સરકારો સમયસર નિર્ણયો નથી લેતી, એ મોટી સમસ્યા : નીતિન ગડકરી


નવી દિલ્હી, તા.૨૩સરકાર સમય પર નિર્ણયો નથી લઈ રહી અને આ એક સમસ્યા છે તેમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું. તેમનું આ નિવેદન ભારે ચર્ચાસ્પદ બની ગયું છે. પોતાના સ્પષ્ટ અને નિર્ભિક નિવેદનો માટે ચર્ચામાં રહેતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે સરકારની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવતા વધુ એક ચર્ચાસ્પદ નિવેદન કર્યું છે. કદાચ તેમના આ જ આખા બોલા સ્વભાવના કારણે ભાજપની ટોચની નિર્ણય લેનારી સંસદીય બોર્ડની સંસ્થામાં તેમનો સમાવેશ કરાયો નથી.નેટકોન ૨૦૨૨ કાર્યક્રમને સંબોધન કરતા નીતિન ગડકરીએ કહ્યું, તમે ચમત્કાર કરી શકો છો. અહીં સંભાવનાઓ પણ છે અને ક્ષમતા પણ છે. મારું કહેવું છે કે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ભવિષ્ય સોનેરી છે. આપણે સારી ટેકનિક અને નવા સુધારાને સ્વીકાર કરવા પડશે. આપણે દુનિયા અને ભારતના સારા રિસર્ચ અને સફળ પ્રેક્ટિસ સ્વીકારવી પડશે. ગડકરીએ કહ્યું કે, આપણી પાસે વૈકલ્પિક વસ્તુઓ હોવી જોઈએ. તેનાથી આપણે ગુણવત્તા સાથે સમજૂતી કર્યા વિના જ ખર્ચ ઘટાડી શકીશું. નિર્માણના કામમાં સમય ખૂબ જ મહત્વનો હોય છે. તે સૌથી મોટી મૂડી છે. જોકે, સૌથી મોટી સમસ્યા એ છે કે સરકારો સમય પર નિર્ણય લેતી નથી.મુંબઈના એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર તરફથી આયોજિત કાર્યક્રમ નેટકોન ૨૦૨૨ને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે ટેકનિક અને સંશાધનોથી પણ વધુ મહત્વનું છે સરકારોનું સમયસર નિર્ણય લેવો. આપણી પાસે ખૂબ જ ક્ષમતા છે, પરંતુ આપણે ૬૦ લાખ કરોડ રૃપિયાના ઈંધણની આયાત કરીએ છીએ અને આ સમસ્યાની બાબત છે. તેમણે કહ્યું કે આપણે હંમેશા એ વાત ધ્યાન રાખવી જોઈએ કે કામ સમયસર પૂરા થવા જોઈએ.તાજેતરમાં જ ગડકરીએ કહ્યું હતું કે વર્તમાન સમયમાં સત્તા માટે જ રાજકારણ થઈ રહ્યું છે. હું મહારાષ્ટ્રમાં મંત્રી હતો ત્યારે મેં કહી દીધું હતું કે જે ૧ દિવસ પહેલા બનશે તો એક લાખ રૃપિયાનું ઈનામ મળશે. વિલંબ થશે તો એ જ હિસાબથી દંડ ભરવો પડશે. માહિમમાં ફ્લાયઓવર બનાવવા માટે ૨૪ મહિનાનો સમય હતો, પરંતુ કોન્ટ્રાક્ટરે ૨૧ મહિનામાં જ તૈયાર કરી દીધો. તેનું કારણ એ હતું કે તેેને બોનસ મળવાનુ ંહતું.ગડકરીના આ નિવેદનથી વિપક્ષ ગેલમાં આવી ગયો છે. વિપક્ષે કેન્દ્રીય મંત્રીના નિવેદનને કેન્દ્ર સરકારની ટીકા સમાન ગણાવ્યું છે જ્યારે ભાજપના નેતાઓનું કહેવું છે કે ગડકરીના આ શબ્દો કોઈ સરકાર વિશેષ માટે નહોતા, પરંતુ સામાન્ય રીતે 'સરકારો' માટે કહેવાયામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.