પૂર્વ અમદાવાદમાં શ્રાવણિયો વરસાદ જામ્યો, કોતરપુરમાં અઢી ઇંચ વરસાદ - At This Time

પૂર્વ અમદાવાદમાં શ્રાવણિયો વરસાદ જામ્યો, કોતરપુરમાં અઢી ઇંચ વરસાદ


અમદાવાદ,તા.17 ઓગષ્ટ 2022, બુધવારપૂર્વ અમદાવાદમાં બુધવારને સાંજે પાંચ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ પડયો હતો. સૌથી વધુ કોતરપુરમાં અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે નરોડામાં અઢી ઇંચ, દૂઘેશ્વરમાં સવા બે ઇંચ, મેમ્કો, ચકુડિયા, ઓઢવ, વિરાટનગર, નિકોલ, રામોલ, કઠવાડામાં સવા ઇંચથી વધુ તેમજ મણિનગર, વટવા અને દાણીલીમડામાં એક ઇંચ વરસાદા પડયો હતો. સાતમ-આઠમના પવિત્ર તહેવારોમાં શ્રાવણીયો વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ધીમી ધારે પરંતુ સતત રહી રહીને વરસતા વરસાદને લઇને હાલ શ્રાવણ માસ પુરબહારમાં ખીલી ઉઠયો છે. છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલા વરસાદને લઇને પ્રકૃતિ ખીલી ઉઠી છે. અમદાવાદની આજુબાજુમાં આવેલા ખેતરો, વગડાઓ અને બાગ-બગીચાઓમાં પ્રાણ ફૂંકાઇ ગયો છે.અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી હળવો અને મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાની છે. બુધવારે શહેરમાં મહતમ તાપમાન ૨૯.૩ ડિગ્રી નોંધાયું હતું. જે  સામાન્ય કરતા ૩ ડિગ્રી ઓછું હતું.જ્યારે લઘુતમ તાપમાન ૨૪.૮ ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે.મંગળવારની રાત્રેથી લઇને બુધવારની સાંજ સુધીમાં પૂર્વ અમદાવાદમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડી જતા મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવા પામ્યા હતા. ખરાબ રોડના કારણે વાહનો ફસાઇ જવા, નાના-મોટા અકસ્માતો થવા, ટ્રાફિકજામ થવો સહિતની સંલગ્ન સમસ્યાઓ પણ શહેરીજનોએ વેઠવી પડી હતી.હાલમાં નવા બનેલા અજિત મીલ ઓવર બ્રિજ અને ગુરૂજી ઓવરબ્રિજના છેડા પાસે છેલ્લા ત્રણ દિવસથી વરસાદી પાણી ભરાયેલા રહેતા હોવાથી પસાર થતા વાહનચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. ગંદા પાણીના છાંટ ઉડે છે જેના કારણે ટુ વ્હિલર ચાલકો પરેશાન છે. વસ્ત્રાલમાં તન્મન ભાજીપાઉ પાસે રોડ પર ટ્રક રોડ પર ફસાઇ ગઇ હતી. જેને કલાકો બાદ બહાર કાઢવામાં સફળતા લોકોને મળી હતી.ઓઢવ ઓવરબ્રિજની નીચે ભૂવો પડયો હતો તેના કારણે અડધો રોડ ખોદી કઢાતા હાલ ટ્રાફિકજામની આ ચાર રસ્તા વ્યસ્ત છે. બંનેસર્વિસ રોડની પણ ભારે અવદશા બેઠી હોવાથી ખાડા પડી ગયા છે. કોતરપુરમાં અઢી ઇંચ વરસાદમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. નરોડામાં ગેલેક્સી સિનેમા, નરોડા પાટિયાથી લઇને છેક ઇમરજન્સી સેવા ૧૦૮ના હેડક્વાટર્સ સુધીનો આખો રોડ ઠેકઠેકાણેથી તૂટી જતા વાહનચાલકો મુસીબતમાં મુકાઇ ગયા છે.પૂર્વમાં ક્યાં કેટલા ઇંચ વરસાદ પડયો ?

વિસ્તાર

ઇંચ

કોતરપુર

૨.૬

નરોડા

૨.૪

દૂધેશ્વર

૨.૧૬

મેમ્કો

૧.૫૪

ચકુડિયા

૧.૧૬

ઓઢવ

૧.૨

વિરાટનગર

૧.૩૨

નિકોલ

૧.૪૮

રામોલ

૧.૨

કઠવાડા

૧.૩૮

દાણીલીમડા

મણિનગર

વટવા

(નોંધઃ મંગળવારની સાંજથી બુધવારની સાંજને પાંચ વાગ્યા સુધીના આંકડા છે)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.