રાજકોટના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી ફોન પર ધમકી આપી, ‘બે કલાકમાં પંદર ખોખા આપો નહીંતર તમારા પુત્રને મારી નાંખીશું’
શાપર પોલીસે અમરેલી પોલીસની મદદથી યુવાનને મુક્ત કરાવ્યો
સ્વાતંત્ર પર્વ પૂર્વે રાજકોટના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી ખંડણી માગવાના બનાવને શાપર પોલીસે અમરેલી પોલીસની મદદથી કુનેહપૂર્વક ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે અપહૃત યુવાનને મુક્ત કરી રાજકોટના બે અને અમરેલીના ચાર મળી છ આરોપીને ઝડપી લીધા છે. રાજકોટના ઉદ્યોગપતિ શબ્બીરભાઇ હજલેઅબ્બાસ મહમદઅલી તેલવાલાએ શાપર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ શાપરમાં બેરિંગ બનાવવાનું કારખાનુ ધરાવે છે. તેમને સંતાનમાં એક દીકરો અદનાન છે. તે પણ પોતાની સાથે ધંધામાં જોડાયેલો છે.
ગત તા.13ના રોજ પુત્ર અદનાનને ધંધાનું કામ સોંપ્યું હતું. જેથી તા.14ના રોજ તે ઘરેથી નીકળ્યા બાદ સંપર્ક કરવા છતાં તેનો સંપર્ક થઇ શકયો ન હતો અને તેનો મોબાઇલ પણ બંધ આવતો હતો. બપોર સુધી કોઇ ભાળ નહિ મળતા શાપરમાં તપાસ શરૂ કરી હતી. ત્યારે કારખાનાથી થોડે દૂર પુત્ર અદનાનની કારમાં નુકસાની થયેલી હાલતમાં રેઢી મળી આવી હતી.
અજુગતું થયું હોવાની શંકાએ શાપર પોલીસમાં જાણ કરતા તપાસ શરૂ કરી હતી. ત્યારે બપોરે 3.55 વાગ્યે મોબાઇલ પર પુત્રનો ફોન આવ્યો હતો. અને તેને કહ્યું કે, આ લોકો તમને જેમ કહે તેમ કરજો, જે માંગે તે આપી દેજો, હજુ પુત્ર સાથે પોતે વાત કરતા હતા ત્યાં જ અન્ય કોઇ શખ્સે ફોન લઇ લીધો હતો. જેથી તમારે શું જોઇએ છે તેમ પૂછતા તેને બે કલાકમાં પંદર ખોખાની માગણી કરી હતી અને જો રૂપિયા નહિ આપે તો પુત્રને જાનથી મારી નાંખીશુંની ધમકી આપી ફોન કાપી નાંખ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.