પત્નીની સાસરિયાં સામે 50 લાખનું દહેજ માંગી ત્રાસ આપતા હોવાની ફરિયાદ
- પતિએ ૧૧માં માળેથી પડતું મુક્યાના ૩ મહિનામાં અમદાવાદ,તા.09 ઓગષ્ટ 2022,મંગળવારસોલા સાયન્સ સીટી વિસ્તારમાં ત્રણ મહિના પહેલા ૧૧ માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કરનાર પતિ સહિતના સાસરિયાં વિરૂદ્ધ પત્નીએ રવિવારે રાત્રે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પતિ, સાસુ અને સસરાને ૩૫ લાખ પિતાએ તેમજ ફરિયાદીએ દાગીના ગીરવે મુકીને ૧૨ લાખ મળી કુલ ૪૭ લાખ આપ્યા હતા. આ રકમ જુગારમાં હારી ગયેલા પતિએ વધુ ૫૦ લાખ પિતા પાસેથી લાવવા દબાણ કર્યું હતું. મહિલાને પતિએ મારઝૂડ કરી કરી જાનથી મારવાની તેમજ માર્ચ,૨૦૨૨માં પિયરીયાને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. બનાવ અંગે સોલા પોલીસે મહિલની ફરિયાદ આધારે સાસરિયાં વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. પતિ વિરૂદ્ધ ફરિયાદ કરનાર પત્ની, તેના પિતા, બહેન,બનેવી સહિતના લોકોના ત્રાસથી પતિએ ત્રણ માસ અગાઉ ૧૧ માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્ની સહિતના સાસરિયાં ઉંચુ વ્યાજ વસુલી ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી હતી. સાસુ-સસરાને ૪૭ લાખ આપ્યા,પતિ જુગારમાં હારી ગયોઃપતિએ ફસાવવાની ધમકી આપી હતી સોલા સાયન્સ સીટી વિસ્તારમાં મંગલમ નિવર્ણા ખાતે ભાડાંના મકાનમાં રહેતાં રિપલબહેન ધુ્રવભાઈ પટેલેએ સોલા પોલીસ સ્ટેશનમાં દિયર મિલન પટેલ, સાસુ ભગવતીબહેન, સસરા કમલેશભાઈ અને પતિ ધુ્રવભાઈ તમામ રહે, સિલ્વર ક્રસ્ટ બંગલો, સાયન્સ સીટી રોડ, સોલા વિરૂદ્ધ ફરિયાદ કરી છે.૨૦૧૪માં ધુ્રવ પટેલ સાથે રિપલબહેનના લગ્ન થયાના છ માસમાં પતિ સહિતના સાસરિયાંએ જબરજસ્તી છૂટાછેડા લખાવી દિધા હતા. ઓગષ્ટ,૨૦૧૫માં સમાજના આગેવાનો વચ્ચે પડતા બંને પક્ષે સમાધાન થતાં પુનઃ કોર્ટ મેરેજ કર્યા હતા. તે પછી સાસરિયાંના મ્હેણાં ટોણાં ચાલુ રહ્યા દિકરીના જન્મ બાદ પણ સાસરિયાં અમારે દિકરો જોઈતો હતો તેમ કહી તકરાર કરતા હતા. જીયાણાંમાં સાસરિયાંએ એક કિલો ચાંદી, પાંચ લાખ રોક્ડ અને પાંચ તોલા દાગીના માંગીને લીધા હતા. મોબાઈલના ધંધામાં પતિ ધુ્રવન નુકશાન સાસરિયાં કહેતા કે, તારે રહેવું હોય તો તારા પિયરમાંથી પૈસા લાવવા પડશે. રિપલબહેનના પિતાએ ૩૫ લાખ તેમજ દાગીના ગિરવે મુકીને ૧૨ લાખ મળીન ેકુલ ૪૭ લાખની રકમ સાસુ-સસરાને આપી હતી. જે રકમ પતિ જુગારમાં હારી જતા સાસરિયાં બીજા ૫૦ લાખનું દહેજ લાવવા માટે દબાણ કરતા હતા.ગત તા.૧૭-૪-૨૦૨૨ના રોજ પિયરમાંથી પૈસા લાવવાની રિપલબહેને ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ મારઝૂડ કરી જાનથી મારી નાંખવાની તેમજ પિયરના લોકોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. તે પછી ગત તા.૬ મેના રોજ પતિએ ફલેટના ૧૧માં માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પતિની ખબર કાઢવા માટે રિપલબહેન હોસ્પિટલમાં ગયા તો સસરાએ જેમફાવે તેમ બોલી લાફો મારી ધક્કા મારીને કાઢી મુક્યા હતા. રિપલ પટેલની ફરિયાદ આધારે સોલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. રિપલબહેનના પતિ ધુ્રવ પટેલે ત્રણ માસ અગાઉ સોલા સાયન્સ સીટી વિસ્તારમાં ફોર્ટી ટુ પ્લસ એપાર્ટમેન્ટના ૧૧ માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ધૂ્રવે લખેલી સ્યુસાઈડ નોટ તેના એક્ટિવાની ડેકીમાં પડેલા મોબાઈલ ફોનમાંથી મળી હતી. જેમાં પત્ની રિપલ ઉર્ફ રિંકુ, બહેન કામીની, સસરા મહેન્દ્ર પટેલ અને નિતેષ શાહ નામનો શખ્સ તેની પાસેથી વ્યાજ વસુલી ધાકધમકી આપતા હોવાનો આક્ષેપ હતો. બનાવના છ દિવસ બાદ ધૂ્રવના પિતા કમલેશભાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં પુત્રવધુ સહિતના આરોપીઓ ફરિયાદ કરી હતી. સોલા પીઆઈ એન.આર.વાઘેલાએ જણાવ્યું હતું કે, ધુ્રવ પટેલના કેસમાં તેની પત્ની રિપલ સહિતના આરોપીઓની ધરપકડ થઈ ગઈ હતી. રિપલબહેનની ફરિયાદ આધારે અમે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.