અમદાવાદ: પોતાનુ અપહરણ થયુ હોવાના ખોટા મેસેજ કરી પિતા પાસેથી રૂપિયા પડાવવા માગતા ડોક્ટરની ધરપકડ - At This Time

અમદાવાદ: પોતાનુ અપહરણ થયુ હોવાના ખોટા મેસેજ કરી પિતા પાસેથી રૂપિયા પડાવવા માગતા ડોક્ટરની ધરપકડ


અમદાવાદ, તા. 04 ઓગસ્ટ 2022 ગુરુવારઅમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા કિરીટભાઈ ચીમનલાલ શાહએ પોતાના ડોક્ટર પુત્ર સંકેત શાહનુ અપહરણ થયુ હોવાની ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. દરમિયાન તેમના પુત્ર સંકેત ચીમનલાલ શાહે ઓનલાઈન પોકર ગેમમાં લાખો રૂપિયા હારી જવાથી પોતાના જ અપહરણનુ નાટક રચ્યુ હોવાનુ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યુ. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી કિરીટભાઈ શાહે ખોખરા પોલીસ સ્ટેશનમાં 3 ઓગસ્ટ 2022ના રોજ ફરિયાદ આપી હતી કે પોતાનો પુત્ર ડોક્ટર સંકેત ચીમનલાલ શાહ, ઉ.વ. 33 ઘોડાસર બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડની સામે આઈસાઈટ વિઝન કેર નામની આંખની હોસ્પિટલ ધરાવે છે. જે 3 ઓગસ્ટ 2022ના રોજ સવારે પોણા દસેક વાગે ખોખરા પોતાના ઘરેથી હોસ્પિટલ જવા નીકળ્યા બાદ દિકરા સંકેતનો તેના મોબાઈલ ફોન પરથી 11:15 વાગે ફોન આવ્યો. જેમાં સંકેત સામેથી ગભરાયેલા અવાજમાં હેલો હેલો બોલી રહ્યો હતો અને પછી અચાનક ફોન કટ થઈ ગયો. બાદમાં ફરીથી સંકેતના મોબાઈલ ફોન પરથી ફોન આવ્યો. જેમાં સામેથી કોઈ શખ્સ હિન્દી ભાષામાં વાત કરતો હતો. જે અનુસાર 'તુમ્હારા લડકા મેરે કબ્જે મેં હૈ', તેમ કહી ફોન કટ કરી નાખ્યો. બાદમાં સંકેતે મોબાઈલમાં ટેક્ષમેસેજ અને વ્હોટ્સએપ મેસેજ કર્યા. 'તુમ્હારા બેટા મેરે કબ્જે મેં હે તુમ્હે જીંદા ચાહીએ તો 15 લાખ રુપિયે દો બજે રેડી રખના, દો બજે મેં બતાઉંગા પૈસા લેકે કહા આના હે ઔર તુમ્હારા બેટા કહા મીલેગા ઔર ગલતી સે ભી પુલીસ કો ઈન્ફોરમેશન કીયા તો બેટા ક્યાં ઉસકી લાશ ભી નહી મિલેગી'. આવો મેસેજ કર્યો હતો.  ત્યારબાદ સંકેતનો ફોન બંધ થઈ ગયો હતો. ફરીયાદીએ સંકેતના મોબાઈલ પર મેસેજ કર્યો કે મને સંકેત સાથે વાત કરાવો આટલા બધા રૂપિયાની વ્યવસ્થા કરવા માટે સમય આપો. ફરીવાર સંકેતના મોબાઈલ પરથી મેસેજ આવ્યો કે, 'જ્યાદા સે જ્યાદા તીન બજે તક કા સમય હે તીન બજે કહા પૈસે લાના હે વો મેં લોકેશન બતાઉગા અગર પૈસે કી વ્યવસ્થા ટાઈમ તક નહીં હુઈ તો કોલ મેસેજ નહી આયેગા ઔર બેટા કભી વાપસ નહી આયેગા'. ફરીથી સંકેતના મોબાઈલ પરથી મેસેજ આવ્યા જેમાં ચાર બજે પૈસા લેકર સાઈન્સ સીટી કે ગેટ પાસ પહોંચ જાના ચાર બજે બતાઉગા વહાસે કહા જાના હૈ. ત્યારબાદ ફરીયાદીએ સંકેતના મોબાઈલ ઉપર મેસેજ કરેલ કે મારી પાસે દસ લાખની વ્યવસ્થા થઈ છે.ફરીથી સંકેતના મોબાઈલથી મેસેજ કરવામાં આવ્યો કે લગતા નહી કે તુમ્હે બેટા સહી સલામત ચાહીએ. 4.15 બજે મેસેજ કરૂગા સાયન્સ સીટી કે ગેટ સે કહા આના હે અગર પાંચ મીનીટ મેં રીપ્લાય આયા તો ઠીક હે વરના બેટા ભુલ જાના. બાદમાં ફરીયાદીના દીકરાના મોબાઈલ ફોનથી તેની સાથે વાત કરવા સારુ મેસેજ આવ્યો હતો. ત્યારબાદ સંકેતના ફોનથી કોઈ ફોન કે મેસેજ આવ્યો નહીં. આ તમામ ફરીયાદના આધારે ખોખરા પોલીસ સ્ટેશનમાં કલમ 364 (A) મુજબનો ગુનો નોંધાયો છે. ગુનાની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જુદી જુદી ટીમ બનાવી. જે અંતર્ગત હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સોર્સ દ્વારા ડોક્ટર સંકેતને સાઉથ બોપલ વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા.ડોક્ટર સંકેત શાહની પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે પોતે 2015થી 2019 સુધી બેંગલોર ઓપ્થલમોલોજીસ્ટની ડિગ્રી માટે અભ્યાસ કર્યો હતો. દરમિયાન 2017થી pokerbaazi.com નામની ઓનલાઈન એપ્લિકેશન ઉપર જુદા જુદા વેરીએશન પ્લેઈંગ કાર્ડ ઉપર પોકર ગેમ રમવાનુ શરૂ કર્યુ હતુ. તેમાં ઓનલાઈન કેસ ડિપોઝીટ જમા કરી પોકરની જુદી જુદી ગેમ રમતો હતો. પોતાને આ ગેમ રમવાની આદત પડી ગઈ જેમાં લાખો રૂપિયા હારી ગયા હતા. પોતાના મિત્રો પાસેથી આ ગેમ રમવા માટે આશરે 26.50 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. પોતાની નેકશોન ગાડી પણ ગીરવે મૂકી હતી. જેથી આ દેવુ ભરપાઈ કરવા માટે રૂપિયાની જરૂર હતી તેથી પોતે જાતે જ પોતાનુ અપહરણ થયુ હોવાના મેસેજ પોતાના પિતાને કરી. પોતાના પિતા પાસેથી રૂપિયા મેળવવાનુ નક્કી કર્યુ હતુ.3 ઓગસ્ટ 2022ના રોજ સવારે પોણા દસેક વાગે પોતે ઘરેથી નીકળી ગયા હતા. અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાઓએ જઈ પોતાના મોબાઈલ ફોનથી પોતાના પિતાને કોઈ અજાણ્યા વ્યક્તિએ તેનુ અપહરણ કર્યુ હોવાનુ જણાવી 15 લાખ રૂપિયાની માગણી કરી હોવાનુ જણાવ્યુ. તેમજ પોકર ગેમમાં લાખો રૂપિયા હારી ગયા હોવાથી ગયા વર્ષે પોતે દાણીલીમડા વિસ્તારમાં અકસ્માત થયો હતો તેમાં એક્સિડન્ટ થયુ તે માણસો કેસ પતાવવા માટે 12 લાખ રૂપિયા માગે છે તેવી ખોટી માહિતી જણાવી પોતાના પિતા પાસેથી 12 લાખ રૂપિયા લીધા હતા. જે રૂપિયા પણ પોતે પોકરગેમમાં હારી ગયા હોવાનુ જણાવ્યુ છે. તેમજ ડોક્ટરની વધુ પૂછપરછ કરી. ડોક્ટરને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરાઈ છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.