ચકચારભર્ય લઠ્ઠાકાંડમાં હાઇકોર્ટનું આકરૂં વલણ, સમીર પટેલ સહિત ચાર ડાયરેકટરોને આગોતરા આપવા હાઇકોર્ટનો ઇનકાર
અમદાવાદ,તા.04 ઓગષ્ટ 2022,ગુરૂવાર રાજયમાં ખળભળાટ મચાવનારા કેમીકલ લઠ્ઠાકાંડમાં એમોસ કંપનીના આરોપી ડાયરેકટર સમીર નલીનભાઇ પટેલ સહિતના ચારેય ડાયરેકટરોને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે આજે સાફ ઇન્કાર કરી દીધો હતો. આરોપી સમીર પટેલ, ચંદુભાઇ પટેલ, પંકજ પટેલ અને રજીત ચોકસીની આગોતરા જામીન અરજી હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ.કેરિયર્લે ફગાવી દેવાનું વલણ અપનાવતાં તમામ આરોપીઓને પોતાની આગોતરા જામીન અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. આરોપીઓ ધરપકડથી બચવા સીધા હાઇકોર્ટમાં આવ્યા હતા પરંતુ તેમની આ પ્રયુકિત સફળ રહી ન હતી.સેશન્સ કોર્ટમાંં અરજી કરવા મંજૂરી આપી : આરોપીઓની અરજી પર સાત દિવસમાં નિર્ણય લેવા નીચલી કોર્ટને નિર્દેશ હાઇકોર્ટે આરોપીઓને સેશન્સ કોર્ટમાં અરજી કરવાની મંજૂરી આપી હતી અને સેશન્સ કોર્ટને આરોપીઓની આગોતરા જામીન અરજી પર સાત દિવસમાં નિર્ણય આપવા તાકીદ કરી હતી. ચકચારભર્યા લઠ્ઠાકાંડ કેસમાં ૫૦થી વધુ નિર્દોષ લોકોના મોતને લઇ ધંધુકા-બરવાળા પોલીસ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે અને આ પ્રકરણમાં એમોસ કંપનીના ડાયરેકટર સમીર પટેલ સહિતના ચારેય ડાયરેકટરોને સમન્સ જારી કરવા છતાં તેઓ પોલીસ સમક્ષ હાજર થતા નથી. બીજબાજુ, આરોપી સમીર પટેલ, ચંદુભાઇ પટેલ, પંકજ પટેલ અને રજીત ચોકસીએ સીધી જ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી ફાઇલ કરી હતી. જેને લઇ જસ્ટિસ નિખિલ કેરિયલે આજે આરોપીઓના વર્તન પરત્વે ભારે નારાજગી વ્યકત કરી હતી. હાઇકોર્ટે પૃચ્છા કરી હતી કે, તમારી પાસે એવા કયા અસાધારણ સંજોગો છે કે તમે આગોતરા જામીન મેળવવા સીધા હાઇકોર્ટમાં આવ્યા..? કે જયારે તમારે પહેલાં સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવી પડે..તેથી આરોપીઓએ બચાવ કર્યો હતો કે, આ કેસમાં અમારી પર મીડિયા રિપોર્ટસ અને પોલીસનું એટલું બધુ દબાણ છે કે, અમને નીચલી કોર્ટમાંથી ન્યાય મળવા અંગે શંકા છે અને તેથી અમે હાઇકોર્ટમાં આવ્યા છીએ. જો કે, તેમને સાફ શબ્દોમાં સુણાવ્યું કે, આ પ્રકારે તમે સીધા હાઇકોર્ટમાં આગોતરા જામીન કરી આવી શકો નહી. જસ્ટિસ નિખિલ કેરિયલે આરોપી ડાયરેકટર સમીર પટેલ સહિતના ચારેય ડાયરેકટર આરોપીઓને આગોતરા જામીન આપવાનો હાલના તબક્કે સાફ ઇન્કાર કરી દીધો હતો અને તેઓની આગોતરા જામીન અરજી ફગાવી દેવાનું વલણ અપનાવતાં તમામને પોતાની અરજી પાછી ખેંચવાની ફરજ પડી હતી. હવે તમામ આરોપીઓને સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવી પડશે.- નોકર ગુનો કરે તો તમે જવાબદારીમાંથી છટકી શકો...?લઠ્ઠાકાંડ કેસમાં સમીર પટેલ સહિતના આરોપીઓની આગોતરા જામીન અરજીની સુનાવણી દરમ્યાન આરોપીઓએ બચાવ કર્યો હતો કે, આ ગુનામાં તેઓની કોઇ જવાબદારી બનતી નથી, તેમનો કર્મચારી મિથેનોલ ચોરી કરીને લઇ ગયો હતો. જેથી જસ્ટિસ નિખિલ કેરિયલે બહુ માર્મિક ટકોર કરી હતી કે, તમારી પાસે બંદૂકનું લાયસન્સ હોય અને નોકરનામુ કરીને બંદૂક નોકરને આપો અને એ કોઇ ગુનો કરે તો શું તમે જવાબદારીમાંથી છટકી શકો...?? બિલકુલ નહી. નોકરે કરેલા ખોટા કામ માટે તમે પણ એટલા જ જવાબદાર ઠરો. મિથેનોલના લાયસન્સ માટે એટલા માટે તો આટલી આકરી શરતો રાખવામાં આવતી હોય છે, જેની પણ હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.