ડીઝલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ લિટર દીઠ રૃ. ૧૧થી ઘટાડી રૃ. ૫ કરાયો - At This Time

ડીઝલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ લિટર દીઠ રૃ. ૧૧થી ઘટાડી રૃ. ૫ કરાયો


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૩સરકારે છેલ્લા ૧૫  દિવસમાં
ફરી એક વખત  ઇંધણના વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો
કર્યો છે. આ અગાઉ ૨૦ જુલાઇએ વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.સરકારે ડીઝલ
ની નિકાસ પરના ટેક્સમાં ઘટાડો કર્યો છે અને દેશમાં ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પરના ટેક્સમાં
વધારો કર્યો છે. જ્યારે વિમાન ઇંધણ (એટીએફ)ની નિકાસ પર લાગતા ચાર રૃપિયાનો ટેક્સ સંપૂર્ણપણે
નાબૂદ કર્યો છે. જ્યારે પેટ્રોલની નિકાસ પરનો શૂન્ય ટેક્સ યથાવત રાખવામાં આવ્યો છે.
ડીઝલની નિકાસ પરના ટેક્સમાં લીટર દીઠ છ  રૃપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે જ
ડીઝલની નિકાસ પરનો ટેક્સ લીટર દીઠ ૧૧ રૃપિયાથી ઘટીને પાંચ રૃપિયા થઇ ગયો છે તેમ
સરકાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર નોટિફીકેશનમાં જણાવવામાં આવ્યું છે. દેશમાં ઉત્પાદન કરવામાં આવતા એક ટન ક્રૂડ પરનો ટેક્સ ૧૭,૦૦૦ રૃપિયાથી
વધારી ૧૭,૭૫૦
રૃપિયા કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી સરકારી કંપની ઓએનજીસી અને વેદાંતા
તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થશે. ઉલ્લેખનીય છે કે એક જુલાઇના રોજ સરકારે પેટ્રોલ, ડીઝલ અને એટીએફની
નિકાસ પર  વિન્ડફોલ ટેક્સ નાખ્યો હતો. જો
કે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટતા સરકારે આ ટેક્સમાં ઘટાડો
કરવાનો નિર્ણય લીધો છે. એક જુલાઇના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને એટીએફ પર ૬
રૃપિયા પ્રતિ લિટર અને ડીઝલની નિકાસક પર ૧૩ રૃપિયા પ્રતિ લિટર નિકાસ ટેક્સ નાખ્યો
હતો. દેશમાં ઉત્પાદિત થતા ક્રૂડ પર ટન દીઠ ૨૩,૨૫૦ રૃપિયાનો ટેક્સ નાખવામાં આવ્યો હતો. જો કે ૨૦ જુલાઇએ
સરકારે આ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. ૨૦ જુલાઇએ પેટ્રોલની નિકાસ પરનો લીટર દીઠ ૬
રૃપિયાનો ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો.ડીઝલ અને એટીએફની નિકાસ પરનો ટેક્સ
ઘટાડીને અનુક્રમે ૧૧ રૃપિયા અને ચાર રૃપિયા કરવામાં આવ્યો હતો. ઘરેલુ ક્રૂડ ઓઇલ
પરનો ટેક્સ ઘટાડી ટન દીઠ ૧૭,૦૦૦
રૃપિયા કરવામાં આવ્યો હતો. સરકારી કંપનીઓ ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા તથા ખાનગી ક્ષેત્રની
કંપની વેદાંતા દેશમાં મોટા ભાગના ક્રૂડનું ઉત્પાદન કરે છે. વિન્ડફોલ ટેક્સમાં વધારો
કરવાને કારણે આ ત્રણેય કંપનીઓને નુકસાન થશે. વિન્ડફોલ ટેક્સ એવી કંપનીઓ પર લગાવવામાં આવે છે જેમને ખાસ
પરિસ્થિતિમાં ફાયદો થાય છે. યુક્રેન પર રશિયાના હુમલા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં
ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે ઓઇલ કંપનીઓને ખૂબ જ ફાયદો
થયો હતો. જો કે મંદીની શક્યતાને પગલે આંતરરરાષ્ટ્રીય બજારમાં હાલમાં ક્રૂડનો ભાવ
૧૦૦ ડાલરની નીચે આવી ગયો છે. જેના કારણે સરકારે વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે.
  

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.