બોટાદ-ધંધૂકા લઠ્ઠાકાંડ: એમોસના સમીર પટેલને શોધવા પોલીસનું ઠેર ઠેર સર્ચ ઓપરેશન શરૂ
અમદાવાદ,તા.03 ઓગષ્ટ 2022,બુધવારબોટાદ-ધંધૂકામાં ૫૦થી વધુ લોકોનો ભોગ લેનાર લઠ્ઠાકાંડના આરોપી એમોસ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેક્ટર સમીર પટેલને શોધવા માટે પોલીસે ઠેર ઠેર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસે સમીર પટેલની પીપળજની ફેક્ટરી તેમજ નહેરૂ ફાઉન્ડેશન બોડકદેવ ખાતે આવેલા રહેઠાણ પર પણ તપાસ કરી હતી. સમીર પટેલ તેમજ અન્ય ડીરેક્ટરો સમન્સ આપ્ય બાદ પોલીસ સમક્ષ હાજર ના થયા હોવાથી તમાને શોધવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. તપાસમાં સહકાર ના આપતા સમીર પટેલ સામે વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ એસએમસીના એસપી અને કેસના સુપરવિઝન અધિકારી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું. તપાસમાં સહકાર ના આપતા આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી કરીશુંઃનિર્લિપ્ત રાયસમીર પટેલ સહિતના ડિરેક્ટરોને શોધવા માટે પોલીસે પીપળજની ફેક્ટરી ઉપરાંત તેઓના રહેઠાણ પર તપાસ કરી હતી. જે મુજબ સમીર પટેલના બોડકદેવમાં આવેલા નહેરૂ ફાઉન્ડેશન સ્થિત બંગલો, પંકજ પટેલના બોડકદેવ ખાતે પ્રેમચંદનગર સોસાયટી પાસે આવેલા બંગલો, ચંદુભાઈ પટેલના શિતલ પ્લાઝા સોસાયટી, લાડ સોસાયટી રોડ, વસ્ત્રાપુર અને ચોક્સીના શ્યામલ રોહાઉસ, સેટેલાઈટ સ્થિત મકાન પર તપાસ કરી હતી. પોલીસે સમીર પટેલને ઝડપી લેવા માટે ઘર, ઓફિસ, ફેક્ટરી તેમજ છૂપાવવા માટેના સંપર્ક સ્થળો પર ઠેર ઠેર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અન્ય ડિરેક્ટરોની હજુ સુધી કેસમાં કોઈ સંડોવણી ખુલી નથી પણ તપાસ દરમિયાન તેઓની બેદરકારી જણાશે તો પોલીસ ધરપકડ કરશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. તપાસમાં સહકાર ના આપતા લોકો સામે વધુ કાયદેસરની કાર્યવાહી થશે તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે. રાજ્યમાં બોટાદ અને અમદાવાદ ગ્રામ્યમાં રાણપુર, બરવાળા અને ધંધૂકામાં થયેલા લઠ્ઠાકાંડમાં ૫૦થી વધુ લોકોના મોત થયા હતો.એફએસએલ રિપોર્ટમાં પાણીમાં મિથેનોલ ભેળવી દેશી દારૂ તૈયાર કરવામાં આવતા આ હોનારત સર્જાઈ હતી.મિથેનોલનો જથ્થો સમીર પટેલની એમોસ કોર્પોરેશન કંપનીમાંથી આવ્યાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે આ મામલે સમીર પટેલના કર્મચારી જયેશ ઉર્ફ રાજૂ ખાવડીયાની ધરપકડ કરતા ઘટસ્ફોટ થયો કે, તેણે ૬૦૦ લીટર કેમિકલ તેના પિતરાઈ ભાઈ સંજયને વેચ્યું હતું. આ મિથેનોલ કેમિકલ આ બે જીલ્લામાં દેશી દારૂના વેપારીઓએ ખરીદી દારૂ તૈયાર કરતા લઠ્ઠાકાંડ સર્જાયો હતો. એમોસ કોર્પોરેશનને જોબ વર્કનું કામ ફિનાર કંપનીએ આપ્યું હતું. આ ફિનાર કંપનીએ ૮ હજાર લીટર મિથેનોલ એમોસને મોકલ્યું તેમાંથી ૬૦૦ લીટર મિથેનોલ જયેશે ચોરી લીધા બાદ ૭૪૦૦ લીટર મિથેનોલ એમોસ કંપનીમાં હોવો જોઈએ.જો કે, નશાબંધી વિભાગ અને પોલીસની તપાસમાં એમોસ કંપનીમાંથી ૭૪૦૦ લીટર કરતા પણ વધુ જથ્થો મિથેનોલનો મળી આવ્યો હતો. આ જથ્થાના ભેદભરમને સમજવા માટે પોલીસ દ્વારા એમોસ કંપનીના સમીર પટેલ સહિતના લોકોને સમન્સ મોકલી જવાબ લખાવવા હાજર થવા સૂચના અપાઈ હતી. જો કે, બંને સમન્સ બાદ પણ સમીર પટેલ હાજર ના થતા તેના વિરૂદ્ધ એલઓસી ઈસ્યુ કરવામાં આવી છે. ધધૂંકાના કેસમાં સાઅપરાધ મનુષ્યવધની કલમ લાગશેબરવાળા અને રાણપુર કેસની જેમ ધંધૂકાના કેસમાં પણ સાઅપરાધ મનુષ્યવધની કલમ લગાવવા માટે તજવીજ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ધંધૂકા કેસનું સુપરવિઝન ટેકનિકલ સેલના એસપી જયોતી પટેલને સોંપવામાં આવ્યું છે. આ કેસમાં લઠ્ઠાકાંડ એમેન્ડમેન્ટ એક્ટની કલમ લગાવવા માટે સૂચના આપી દેવાઈ છે. રાણપુર કેસમાં ૧૨ આરોપીની ધરપકડરાણપુર પોલીસે લઠ્ઠાકાંડના કેસમાં ઝડપી પાડેલા આરોપીઓમાં ગજુબેન પ્રવિણ બહાદુર વડદરિયા-રહે.રોજીદ, પિન્ટુ રસિક દેવીપૂજક રહે.ચોકડી, વિનોદ ઉર્ફે ફનટો ભીખા કુમારખાણીયા રહે. નભોઈ, સંજય ભીખા કુમારખાણીયા રહે.નભોઈ, હરેશ કિશન આંબલિયા રહે.ધંધુકા, જટૂભા લાલુભા રહે.રાણપરી, ભવાન નારાયણ રહે.વૈયા,નસીબ છના રહે.ચોકડી,રાજૂ રહે.અમદાવાદ, અજિત દિલીપ કુમારખાણીયા રહે.ચોકડી, ભવાન રામુ રહે.નભોઈ અને ચમન રસિક રહે.ચોકડીની ધરપકડ કરી હતી. તમામને બુધવારે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.