ખાનગી એપ ડાઉનલોડ કરવાના ઈન્ચાર્જ પોલીસ કમિશનરના હુકમથી શહેર પોલીસની માહિતી લિક થાય તેવી નારાજગી - At This Time

ખાનગી એપ ડાઉનલોડ કરવાના ઈન્ચાર્જ પોલીસ કમિશનરના હુકમથી શહેર પોલીસની માહિતી લિક થાય તેવી નારાજગી


અમદાવાદ,તા.03 ઓગષ્ટ 2022,બુધવારઅમદાવાદ શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીના સર્કલ મેસેન્જર એપ ડાઉનલોડ કરવાના હુકમથી પોલીસ બેડામાં તરેહતરેહની ચર્ચાએ જોર પકડયું છે. પોલીસને ખાનગી એપ ડાઉનલોડ કરી ચેટ કરવાની સૂચના મળતા પોલીસ અધિકારીઓમાં આંતરીક નારાજગી જોવા મળી હતી. પોલીસની ખાનગી અને ગુપ્ત માહિતીઓ પ્રાઈવેટ એજન્સી પાસે જતી રહે તો કોણ જવાબદાર તેવી ચર્ચાએ જોર પકડયું છે. આ હુકમને પગલે પોલીસ બેડામાં હોબાળો મચી ગયો છે. અમુક અધિકારીઓએ આ એપ ડાઉનલોડ કરવાનું પણ ટાળ્યું છે. પોલીસ અધિકારીઓને સર્કલ મેસેન્જર નામની ખાનગી એપ ડાઉનલોડ કરી ચેટ કરવા જણાવ્યું પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ૧૫ દિવસની રજા પર જતા એડમીન જેસીપી અજય ચૌધરીને પોલીસ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ચાર્જ લેતા ઈન્ચાર્જ પોલીસ કમિશનરે અધિકારીઓને પોલીસના વોટસએપ ગૂ્રપ સૂચના આપી કે, તમામે સર્કલ મેસેન્જર એપ ડાઉનલોડ કરીને તેની પર ચેટિંગ કરી ચર્ચા કરવી. સર્કલ એપ ખાનગી વ્યક્તિ દ્વારા બનાવવામાં આવી હોવાથી પોલીસની ગુપ્ત બાબતોની ચર્ચા આ એપ બનાવનાર વ્યક્તિ પાસે સીધો જ પહોંચી જાય તેમ છે. આ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓના લોકેશન સહિતની વિગતો પણ એપ બનાવનાર વ્યક્તિ જાણી શકે છે. આમ, ખાનગી એપ ડાઉનલોડ કરવાની સૂચનાને પગલે કેટલાક આઈપીએસ અધિકારીઓમાં નારાજગી પ્રર્વતી હતી. પોલીસ અધિકારીઓમાં પણ આંતરીક રોષ જોવા મળ્યો હતો કે, જો આ એપ ડાઉનલોડ કરી ગંભીર પ્રકારના કેસોની ચર્ચા તેમાં કરવામાં આવે કે ગુપ્ત બાબતોની વાતચીત થાય તો તમામ વિગતો એપ બનાવનાર વ્યક્તિ પાસે પહોંચી જાય છે. શહેરના અનેક આઈપીએસ અધિકારીઓએ હજુ સુધી એપ ડાઉનલોડ કરી નથી. પોલીસનું પેટ્રોલિંગ, આરોપીને પકડવાનું ઓપરેશન, સર્ચ ઓપરેશન, ચેકિંગ તેમજ આરોપીને પકડવા માટેના આયોજન સહિતની ચર્ચા ગૂ્રપ મેસેજમાં થતી હોય છે. જો આ એપમાં આ બધી ચર્ચા થાય તો ખાનગી વ્યક્તિ પાસે માહિતી પહોચે નુકશાન પોલીસનું જ થવાનું છે. આમ, સતત ચર્ચામાં રહેતાં આઈપીએસ અજય ચૌધરી આ હુકમને પગલે ફરીવાર પોલીસબેડામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.