“સ્તનપાનને પ્રોત્સાહન: કેળવણી અને સહયોગ" થીમ પર સ્તનપાન સપ્તાહની ઉજવણી - At This Time

“સ્તનપાનને પ્રોત્સાહન: કેળવણી અને સહયોગ” થીમ પર સ્તનપાન સપ્તાહની ઉજવણી


“સ્તનપાનને પ્રોત્સાહન: કેળવણી અને સહયોગ" થીમ પર સ્તનપાન સપ્તાહની ઉજવણી
**
પોષણ પંચાયત, રેલી, પ્રભાત ફેરી, ગૃહમુલાકાત, કવિઝ સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજાશે
*****
સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહ-૨૦૨૨ અંતર્ગત તા. ૧ થી ૭ ઓગસ્ટ સુધી વિવિધ સ્તરે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જેમાં લાભાર્થી સગર્ભા, ધાત્રી માતા, કિશોરીઓ તથા અન્ય લોકોને સ્તનપાન વિશે સમજાવીને નવજાત શિશુના જન્મના પ્રથમ એક કલાકમાં જ તેને સ્તનપાન કરાવવા શપથ લેવડવવામાં આવી રહ્યા છે. આ સાથે સ્વચ્છતા બાબતે હેન્ડ વોશની પ્રક્રિયા બતાવી ધાત્રી માતા ને ફક્ત સ્તનપાન અને સગર્ભા માતાને જન્મ પછી તરત માતાનું દૂધ આપવાની સમજ આપી હતી.
મુખ્ય સેવિકા બહેનો અને એન.એન.એમ કો ઓર્ડિનટર સાથે ગૃહ મુલાકાત કરી જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન, છ માસ સુધી ફક્ત સ્તનપાન, અને છ માસ બાદ સમયસર ઉપરી આહારની શરૂઆતની ટકાવારીમાં સુધારો કરવામાં આવે તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય છે અને કુપોષણ નિવારી શકાય તેની માહિતી આપી હતી. ચાલુ વર્ષે "સ્તનપાનને પ્રોત્સાહન: કેળવણી અને સહયોગ" ની થીમ પર જિલ્લા, ઘટક અને આંગણવાડી કેન્દ્ર કક્ષાએ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
વિશ્વ સ્તનપાન સપ્તાહ હેઠળ ગ્રામ્ય પંચાયત સ્તરે સરપંચની અધ્યક્ષતામાં 'પોષણ પંચાયત' રેલી, પ્રભાત ફેરી, માતાઓની ગૃહ મુલાકાત, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટે સુપોષણ સંવાદ, સ્તનપાન દરમિયાન બાળકની યોગ્ય સ્થિતિ વિશે સમજ અને સામાન્ય સમસ્યાઓનું નિરાકરણ, પરિવારના સભ્યોની ભૂમિકા, આંગણવાડી કેન્દ્ર ખાતે સ્તનપાન પર કવિઝ સ્પર્ધા યોજાઇ રહ્યા છે જે સમગ્ર સપ્તાહ દરમિયાન ચાલશે.

આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.