દિલ્હીમાં દેશી દારૂ વેચનારા તમામ દુકાનદારોને વધુ 2 મહિનાનું એક્સટેન્શન અપાયું
નવી દિલ્હી, તા. 01 ઓગષ્ટ 2022, સોમવારશરાબ વેચનારાઓ અને શરાબના શોખીનો માટે રાહતના સમાચાર આવ્યા છે. દિલ્હી સરકારે રાજધાનીમાં દેશી દારૂ વેચતી બધી દુકાનોને વધુ બે મહિનાનું એક્સટેન્સન આપવાનો આદેશ જાહેર કર્યો છે. એટલે કે, કેજરીવાલ સરકારે નવી આબકારી નીતિનો એક મહિનો વધારતા L-3/33 લાયસન્સ હેઠળ દેશી શરાબના વેચાણ માટે લાયસન્સ સમયગાળાને 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધો છે. આબકારી વિભાગના મહાપ્રબંધક અજય કુમાર ગંભીરે તેની જાણકારી આપી છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં દેશી દારૂના સપ્લાય માટે L-3/33 લાયસન્સ વધુ બે મહિના માટે એટલે કે 1 ઓગસ્ટ 2022 થી 30 સપ્ટેમ્બર 2022 સુધી લંબાવવામાં આવી રહ્યું છે.L-3 લાયસન્સધારી જે પોતાની નોંધાયેલી બ્રાન્ડોની હાલની કિંમત પર વેચાણ કરવા માટે 01 ઓગષ્ટ 2022થી 30 સપ્ટેમ્બર 2022 સુધી બે મહિનાના આ વિસ્તારિત સમયનો લાભ ઉઠાવવા માટે ઈચ્છુક છે. તેઓએ બે મહિનાની ફી એટલે કે લાયસન્સ ફી, BWH ફી જમા કરાવવાની રહેશે. જોકે, આવા બિન-નવીનીકરણીય લાઈસન્સ ધરાવનાર કોઈપણ વ્યક્તિ તેના લાયસન્સના વિસ્તરણ માટે આવી ઓફર સ્વીકારવા માટે બંધાયેલો રહેશે નહીં.તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં ચાલી રહેલી ખાનગી દુકાનોનું લાયસન્સ 31 જુલાઈના રોજ સમાપ્ત થઈ ગયુ છે. તેને ધ્યાનમાં રાખી દિલ્હી સરકારે ખાનગી દારૂની દુકાનોને સપ્ટેમ્બર સુધી ખોલવાની અનુમતિ આપી દીધી છે. કારણ કે, સરકારી દારૂની દુકાનોને શરૂ થવામાં હજુ વધુ સમય લાગશે. આ અગાઉ શનિવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, વર્તમાન વિવાદ વચ્ચે દિલ્હી નવેમ્બર 2021થી પહેલા વાળી પોલિસી જ લાગુ કરશે. એટલે કે, દિલ્હીમાં ફરી સરકારી દારૂના કોન્ટ્રાક્ટ ચાલશે અને ખાનગી કોન્ટ્રાક્ટ બંધ થઈ જશે. પરંતુ આમ કરવા માટે કેબિનેટના આદેશની જરૂર પડશે અને તે માટે થોડો સમય લાગશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.