લક્ષ્મીનગર બ્રીજથી ભકિતનગર સ્ટેશન તરફનો રસ્તો પહોળો કરવાનું અંતે શરૂ
રાજકોટ, તા. 29
શહેરના મધ્ય અને પૂર્વ ઝોનથી વેસ્ટ ઝોનમાં જતા રસ્તા પરની મોટી ટ્રાફિક સમસ્યા લક્ષ્મીનગર ફાટક હેઠળના અંડરબ્રીજથી મહદઅંશે હળવી થઇ ગઇ છે. તેમાં હવે બ્રીજથી ભકિતનગર રેલવે સ્ટેશન તરફ જવાનો માર્ગ પહોળો કરવા રેલવે મંત્રાલયે મંજૂરી આપી દેતા આજથી મહાપાલિકા તંત્રએ સ્થળ પર જરૂરી કામગીરી શરૂ કરી દીધી છે. સાંસદ, પદાધિકારીઓ અને રેલવેના પ્રતિનિધિઓ વચ્ચેની બેઠક બાદ 48 કલાકમાં જ દિલ્હીથી સૂચના આવતા સ્થાનિક રેલતંત્રએ ફટાફટ ગ્રીન સિગ્નલ
આપ્યું છે.
આ અંડરબ્રીજ બનવાથી સેન્ટ્રલ ઝોનના ટાગોર રોડ તરફના રસ્તે અને છેક ભકિતનગર ઉપરથી સોરઠીયાવાડી, કોઠારીયા રોડ તરફથી આવતા વાહન ચાલકોને પણ નાના મવા રોડ મારફત 150 ફુટ રોડનું સીધુ કનેકશન મળી ગયું છે. આ બ્રીજ અન્ય બ્રીજની સરખામણીએ વાહન વ્યવહાર માટે વધુ સરળ પણ વાહન ચાલકોને લાગ્યો છે.
ભવિષ્યના ટ્રાફિક અને જરૂરીયાત ધ્યાને રાખી મનપાએ બ્રીજથી બહાર નીકળતા વિરાણી હાઇસ્કુલ રોડ, સ્ટેશન અને ડાબી તરફ એસ્ટ્રોન નાલા તરફના ભાગને પહોળો કરવા નિર્ણય કર્યો હતો. સ્ટે. કમીટીએ લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ કાર્યવાહી કરવા ઠરાવ પણ કર્યો છે. સૌથી પહેલા રેલવેને લાગુ જમીનનો કબ્જો મળે અને કપાત થઇ જાય એટલે વાહનો માટે ખુબ સરળતા થાય તેમ છે. આથી રેલવે તંત્ર સાથે કોર્પો. સતત સંકલન કરતું હતું.
તાજેતરમાં સાંસદ મોહનભાઇ કુંડારીયાની હાજરીમાં કોર્પો. અને રેલ તંત્ર વચ્ચે બેઠક યોજાઇ હતી. તેમાં જુદા જુદા પ્રશ્નોની ચર્ચા સાથે આ મુદ્દે પણ વાત થઇ હતી. સાંસદે રેલમંત્રી સાથે પણ રૂબરૂ ચર્ચાઓ કરી હતી. આ બાદ ગઇકાલે બ્રીજથી ભકિતનગર સ્ટેશન રોડ તરફનો પહોળો કરવાની મંજૂરી આવી જતા આજે બાંધકામ સમિતિના ચેરમેન મોહનભાઇ કુંડારીયા, ડે.કમિશનર ચેતન નંદાણી, આશિષકુમાર, સીટી ઇજનેર કોટક, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર, બ્રીજ અને રેલવેની જગ્યા પર પહોંચ્યા હતા.
આજે સફાઇ સહિતની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તરફના રસ્તે રેલવેની જ જગ્યા આવેલી છે. આથી કપાતમાં કોઇ લાંબી મુશ્કેલી થવાની નથી. બાવીશી પ્લાયવુડથી બ્રીજ તરફ આ કપાત થોડા સમયમાં જ પૂરી થઇ જશે અને વાહન ચાલકોને પૂરતી જગ્યા મળશે. તે બાદ વિરાણી રોડ અને એસ્ટ્રોન નાલા તરફની કપાત હાથ પર લેવામાં આવે તેવી શકયતા છે.
બાંધકામ સમિતિના ચેેરમેન કેતન પટેલે સાંસદ મોહનભાઇ કુંડારીયાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે લક્ષ્મીનગર બ્રીજથી આ રોડનો મોટો ટ્રાફિક પ્રશ્ર્ન તો હલ થઇ જ ગયો છે. હવે રોડ 1પ મીટરનો થાય એટલે વાહન વ્યવહાર વધુ સરળ બનશે. મીટીંગના 48 કલાકમાં જ આ મંજૂરી આવી ગઇ હતી અને મનપાએ પણ પળવારનો વિલંબ કર્યા વગર આજથી જ આ કામ શરૂ કરી દીધું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.