કાલે પુષ્યનક્ષત્ર, સિદ્ધિયોગમાં શ્રાવણ માસનો આરંભ
ભગવાન શિવની આરાધનાના પવિત્ર અવસર એવા શ્રાવણ માસનો આવતીકાલે શુક્રવારે શ્રાવણ સુદ એકમથી આરંભ થશે. પુષ્યનક્ષત્ર અને સિદ્ધિ યોગમાં શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ ભોલેનાથની ભકિત માટે આરાધકો, મંદિરોમાં સજ્જ થઇ ગયા છે. આગામી એક મહિના સુધી શિવાલયોમાં ભકિતમય માહોલ સાથે જ આખો દિવસ શ્રદ્ધાળુઓની ચહેલપહેલ દેખાશે. અમાસથી પુજા કરનારાઓ માટે ગુરૂવારથી શ્રાવણ માસ શરૂ થશે. જ્યારે ૨૭ ઓગસ્ટે દર્શ અમાસ સાથે શિવપાર્થેશ્વર પુજાનું સમાપન થશે.
કોરોના મહામારી વચ્ચે છેલ્લા બે વર્ષથી શ્રાવણ માસ સહિતના વિવિધ પર્વોને કોવિડ નિયંત્રણોનું ગ્રહણ નડી ગયું હતું. જ્યારે હવે આ વર્ષે તમામ પર્વોની ધામધૂમથી, ભકિતભાવ સાથે ઉજવણી થશે. દરમિયાન શ્રાવણ માસ નિમિતે ભોલેનાથની ભકિત માટે આરાધકો અને મંદિરો સજ્જ થઇ ગયા છે. શુક્રવારે સવારે ૯:૪૭ વાગ્યા સુધી પુષ્યનક્ષત્ર અને સાંજે ૬:૩૫ વાગ્યા સુધી સિદ્ધિયોગ છે. પુષ્યનક્ષત્ર અને સિદ્ધિયોગમાં પવિત્ર શ્રાવણનો આરંભ થશે. શિવપાથેશ્વર પુજાની શરૂઆત થશે. મહારાજ કિરીટદત્ત શુકલના જણાવ્યા મુજબ, શ્રાવણ માસના આરંભ સાથે જ શિવમંદિરો, શિવાલયોમાં ભકતોની ચહેલપહેલ વધી જાય છે.
શિવાલયોમાં પંચવક્ર પુજા, રૂદ્રાભિષેક, શિવમાનસ પુજા (પુષ્પાંજલિ), ષોડષોપચાર પુજા સહિતની પુજા-અર્ચનો દોર જોવા મળે છે. ગત બે વર્ષમાં કોરોના નિયંત્રણો બાદ આ વર્ષે રંગારંગ ઉજવણી થશે. ચારેય પ્રહરની પુજા, ષોડષોપચાર પંચવક્ર સહિતની પુજામાં મોટી સંખ્યામાં યજમાનો હાજર રહેશે. ૨૭ ઓગસ્ટે શનિવારી અમાસ સાથે શિવપાર્થેશ્વર પુજાનું સમાપન થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.