દ્રૌપદી મુર્મુએ 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાં આદિવાસી પરંપરા પ્રમાણે ‘જોહાર’થી સંબોધન કર્યું
- સીજેઆઇ એન.વી. રમન્નાએ દ્રોપદી મુર્મુને પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલમાં શપથ લેવડાવ્યાં- આ દેશના બંધારણની શક્તિ છે, જે ગરીબને પણ દેશનું સર્વોચ્ચ પદ અપાવે છે, આઝાદ ભારતમાં જન્મેલી હું પ્રથમ રાષ્ટ્રપતિ છું : દ્રૌપદી મુર્મુએ શપથ ગ્રહણ કરી 18 મિનિટનું વકતવ્ય આપ્યુંનવી દિલ્હી : દ્રૌપદી મુર્મુએ સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ ગ્રહણ કર્યા હતા. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન.વી. રમન્નાએ દ્રોપદી મુર્મુને શપથ લેવડાવ્યા હતા. દ્રોપદી મુર્મુએ ૧૫ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ ૧૮ મિનિટનું વકતવ્ય આપ્યું હતું. તેમણે આદિવાસી પરંપરા પ્રમાણે જોહાર નમસ્કાર શબ્દથી સંબોધન કર્યું હતું. ગરીબ દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચી શકે છે તે બંધારણીય શક્તિ છે અને એ સાબિત થયું છે એવું તેમણે કહ્યું હતું.રાષ્ટ્રપતિપદના શપથ ગ્રહણ કર્યા બાદ દ્રોપદી મુર્મુએ ૧૮ મિનિટના વકતવ્યની શરૂઆત જોહાર નમસ્કાર શબ્દથી કરી હતી. આદિવાસી પરંપરા પ્રમાણે અભિવાદન કરવા માટે જોહાર શબ્દ પ્રયોજાય છે. જેનો અર્થ નમસ્કાર એવો થાય છે. તેમણે કહ્યું હતું કે આ દેશના બંધારણની શક્તિ છે, જે એક ગરીબને પણ દેશનું સર્વોચ્ચ પદ અપાવી શકે છે. આઝાદ ભારતમાં જન્મેલી હું દેશની પ્રથમ રાષ્ટ્રપતિ છું. હું આ સ્થાને પહોંચી શકી છું એ પાછળ દેશના કરોડો ગરીબોના આશીર્વાદ છે.રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઉમેર્યું હતું કે દેશ જ્યારે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને આગામી ૨૫ વર્ષનું વિઝન લઈને આગળ વધવાનો નિર્ધાર થયો છે એવા સમયે હું રાષ્ટ્રપતિ બની છું એને મારું સૌભાગ્ય ગણું છું. તેમણે તેમની જાહેર જીવનની કારકિર્દીને યાદ કરતા કહ્યું હતું કે આ એક અનોખો સંયોગ છે, જ્યારે દેશ ૫૦ વર્ષની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે હું જાહેર જીવનમાં સક્રિય થઈ હતી. હવે જ્યારે દેશની આઝાદીની ૭૫ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે મને બંધારણના સર્વોચ્ચ પદની જવાબદારી મળી છે.દ્રોપદી મુર્મુએ શપથ ગ્રહણ કર્યા બાદ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઓપચારિક સલામી ઝીલી હતી. એ વખતે નિવૃત્ત થયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર હતા. દ્રોપદી મુર્મુની સાદગીએ ધ્યાન ખેંચ્યું હતું. તેમણે શપથ સમારોહમાં લાલ કિનારીવાળી સંથાલી સાડી અને સફેદ સાદા હવાઈ ચપ્પલ પહેર્યા હતા તેની પ્રશંસા થઈ હતી. સોશિયલ મીડિયામાં પણ તેમની સાદગીનો મુદ્દો ચર્ચાયો હતો. ઓડિશાના નાનકડાં ગામમાંથી દેશની સર્વોચ્ચ ઈમારતમાં પગ મૂક્યા સુધીની સફરમાં તેમની સાદગી બરકરાર રહી હતી. સંથાલી સાડી સંથાલી સમુદાયની મહિલાઓ ખાસ પ્રસંગોમાં પહેરતી હોય છે. દેશના પ્રથમ આદિવાસી મહિલા દ્રોપદી મુર્મુ રાષ્ટ્રપતિ બન્યા એ સાથે જ તેમના પર અભિનંદનનો વરસાદ થયો હતો. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે દ્રોપદી મુર્મુજીની પસંદગી એ દેશની લોકશાહીની ખરેખરી શક્તિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું: દ્રોપદી મુર્મુજીએ તેમના ઉદ્બોધનમાં આશા અને કરૂણાનો સંદેશો આપ્યો છે. આજે આખા દેશને દ્રોપદી મુર્મુજી પર ગૌરવ છે. તેમનો કાર્યકાળ દેશ માટે ખૂબ જ સફળ રહે એવી શુભેચ્છા. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે દ્રોપદી મુર્મુજીની પસંદગી એ નરેન્દ્ર મોદીની સરકારની આદિવાસીઓ પ્રત્યેની કટિબદ્ધતા દેેખાડે છે. ભારતની લોકશાહી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. એનસીપીના વડા શરદ પવાર, તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન, યોગી આદિત્યનાથ સહિતના કેટલાય નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી.જોકે, બેઠકની ફાળવણી મુદ્દે વિવાદ પણ થયો હતો. વિપક્ષોએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને તેમના પદને અનુરૂપ બેઠક અપાઈ ન હતી. આ મુદ્દે વિપક્ષોએ રાજ્યસભાના સભાપતિને પત્ર લખીને રજૂઆત કરી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટરમાં રજૂઆતનો પત્ર શેર કર્યો હતો અને લખ્યું હતું કે સરકાર વિપક્ષના નેતા સાથે કેવો ભેદભાવપૂર્ણ વર્તાવ કરે છે તેનો આ પુરાવો છે. પત્રમાં કોંગ્રેસ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ સહિતના વિપક્ષના નેતાઓના હસ્તાક્ષર થયા હતા. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ શપથ સમારોહની વ્યવસ્થા કેન્દ્રીયગૃહ મંત્રાલય કરે છે. પ્રોટોકોલ પ્રમાણે રાજ્યસભાના વિપક્ષના નેતાને ત્રીજી હરોળમાં સ્થાન મળે છે. તેમને શરૂઆતમાં પહેલી હરોળમાં છેલ્લી બેઠક આપવાનો પ્રસ્તાવ રખાયો હતો, પરંતુ તેમણે ખૂણામાં બેસવાનો ઈનકાર કર્યો હતો એટલે તેમને નવેસરથી બેઠક ફાળવાઈ હતી.મને દ્રૌપદી નામ શિક્ષકે આપ્યું : રાષ્ટ્રપતિલાલ અને લીલી કીનારીવાળી સફેદ સાડીમાં સજ્જ તેવા સુ.શ્રી. દ્રૌપદી મુર્મુએ આજે ભારતના ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે શપથ સીધા હતા. સુ.શ્રી. મુર્મુ દેશના સર્વોચ્ચ પદે પહોંચનારા સૌથી પહેલાં આદિવાસી છે.તેઓએ ઓડિયા વિડિયો મેગેઝિનને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેઓનું સંથાલી નામ તો 'પુતિ' હતું પરંતુ તેઓના સ્કૂલ ટીચરે તેઓને 'દ્રૌપદી' તેવું નામ આપ્યું હતું. સ્કૂલના રજિસ્ટરમાં પણ તે નવું નામ નોંધવામાં આવ્યું. આ નામ પરિવર્તન સારા માટે જ થયું હતું તેમ પણ તેઓએ તે વિડિયો મેગેઝિનને જણાવ્યું હતું. 'વાસ્તવ'માં મારા સ્કૂલ ટીચર મયૂરભંજ જિલ્લાના ન હતા, અન્ય જિલ્લાના હતા તેમ જણાવતા સુ.શ્રી. મુર્મુએ પોતીની અટક અંગે પણ સ્પષ્ટતા કરી હતી.તેઓએ કહ્યું હતું કે, સ્કૂલ અને કોલેજમાં તેઓની અટક 'ટુડુ' તેમ નોંધાયેલ છે. પરંતુ બેન્ક અધિકારી તેવા શ્યામ ચરણ મુર્મુ સાથે લગ્ન થયાં તેથી મુર્મુ અટક થઇ છે.તેઓએ પોતાના નામ અંગે જરા વિનોદ સાથે તે વિડિયો મેગેઝિનને જણાવ્યું હતું કે, તેમના નામમાં પણ ઘણીવાર ફેરફાર થયા છે. દ્રૌપદીને બદલે કોઈ વાર દુરપદી તો કોઈ વાર દોરપ્દી તેમ પણ ઘણા બોલતા હતા.સંથાલ સંસ્કૃતિમાં નામ કદી વિલિન થતું જ નથી. જો પુત્રી જન્મે તો તેનું નામ તેની દાદીમાનું જ રાખવામાં આવે છે. જો પુત્ર જન્મે તો તેનું નામ તેના દાદાના નામ પરથી રાખવામાં આવે છે તેમ પણ સુ.શ્રી. દ્રૌપદી મુર્મુએ તે ઓડિયાભાષી વિડિયો મેગેઝિનને તેઓની મુલાકાતમાં જણાવ્યું હતું.ચીન, રશિયા, શ્રીલંકાના પ્રમુખોની શુભકામનાવિશ્વભરના નેતાઓએ ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને શુભેચ્છા પાઠવી હતી. ચીનના પ્રમુખ જિનપિંગે કહ્યું હતું કે તે ભારતના નવા રાષ્ટ્રપતિ સાથે કાર્ય કરવા તત્પર છે. પરસ્પર સહયોગ અને વિશ્વાસથી બંને દેશોના સંબંધો મજબૂત બનાવવાની દિશામાં કાર્ય કરીશું. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ શુભેચ્છા સંદેશો પાઠવતા લખ્યું હતું: ભારત જેવા વિશ્વાસુ અને વ્યૂહાત્મક ભાગીદાર સાથે નવા રાષ્ટ્રપતિના માધ્યમથી કામ કરવા તત્પર છીએ. નવા રાષ્ટ્રપતિને શુભેચ્છાઓ. શ્રીલંકાના નવા પ્રમુખ રાનિલ વિક્રમાસિંઘેએ કહ્યું હતું કે તમને દેશના સર્વોચ્ચ હોદ્દા માટે શુભકામના. સૌથી મોટી લોકશાહીના સર્વોચ્ચ પદે પહોંચવા બદલ અભિનંદન. નેપાળના પ્રમુખ બિદ્યા દેવી ભંડારી અને વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ ટ્વિટ કરીને દ્રોપદી મુર્મુને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.