સંસદમાં મોંઘવારીના વિરોધ બદલ કોંગ્રેસના ચાર સાંસદ આખા સત્ર સુધી સસ્પેન્ડ
- સંસદમાં પોસ્ટરો, તખ્તીઓ પરના પ્રતિબંધનો ભંગ કર્યાનો આરોપ- સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે કોંગ્રેસના સાંસદોએ ઉગ્ર વિરોધ કર્યો, લોકસભાની કાર્યવાહી એક દિવસ માટે સ્થગિતનવી દિલ્હી : હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે જેમાં વિપક્ષ દરરોજ મોંઘવારી, અગ્નિપથ યોજના, જીએસટી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરી રહ્યો છે. સોમવારે લોકસભામાં કોંગ્રેસના સાંસદોએ મોંઘવારીના વિરોધમાં ભારે હંગામો મચાવ્યો હતો. જેને પગલે ચાર સાંસદોને આ સત્રની કાર્યવાહી પુરતા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના આ સાંસદોમાં મનિકમ ટૈગોર, જોથિમણિ, રામ્યા હરિદાસ અને ટીએન પ્રતાપનનો સમાવેશ થાય છે. આ સાંસદો મોંઘવારીને લઇને લોકસભામાં પોસ્ટરો લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જોકે તેમના હાથમાં પોસ્ટરો હોવાને કારણે તેમને સભાપતિએ ચેતવણી આપી હતી કે તેઓ સંસદની બહાર જઇને આ પ્રકારનું પ્રદર્શન કરે અંદર નહીં. બાદમાં સાંસદોએ પોસ્ટરો સાથે મોંઘવારીનો વિરોધ શરૂ રાખતા તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા. સાથે જ સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી હતી. આ સાથે જ સંસદમાં હવેથી કોઇ સાંસદોએ પોસ્ટરો કે તખ્તીઓની સાથે વિરોધ પ્રદર્શન ન કરવું તેવી ચેતાવણી આપવામાં આવી છે. સત્ર શરૂ થાય તે પૂર્વે જ સંસદમાં પોસ્ટરો, તખ્તીઓ વગેરે લાવવા ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હોવાથી નિયમોના ભંગ બદલ કોંગ્રેસના સાંસદોની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે આ નિર્ણયનો કોંગ્રેસના અન્ય સાંસદો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. અગાઉ કોંગ્રેસના સાંસદો દ્વારા સંસદની બહાર ધરણા પણ કરવામાં આવી ચુક્યા છે. જ્યારથી ચોમાસુ સત્ર શરૂ થયું છે ત્યારથી વિપક્ષ દ્વારા મોંઘવારી સહિતના મુદ્દે હંગામો મચાવવામાં આવી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.