ઈડીએ હોંગકોંગમાંથી નીરવ મોદીની ૨૫૩ કરોડની સંપત્તિ જપ્ત કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મની લોન્ડરિંગ કાયદા હેઠળ હોંગકોંગમાં નીરવ મોદીની ગુ્રપ કંપનીઓના કેસમાં રૃ. ૨૫૩.૬૨ કરોડના મૂલ્યની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સી દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિમાં દાગીના અને બેન્ક ડિપોઝિટનો સમાવેશ થાય છે. ૨૦૧૮માં નીરવ મોદીનું કૌભાંડ ખૂલ્યું હતું.પંજાબ નેશનલ બેંક સહિતના ૧૪ હજાર કરોડના કૌભાંડનો નીરવ મોદી સામે આરોપ લાગ્યો હતો. ૨૦૧૮માં કૌભાંડનો આરોપ લાગ્યો એ પછી નીરવ મોદીએ દેશ છોડયો હતો. ઈડીએ નીરવ મોદીના કેસની તપાસ શરૃ કરી છે. એ કેસના સંદર્ભમાં જ હોંગકોંગમાંથી નીરવ મોદીની ૨૫૩.૬૨ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.આ સાથે નીરવ મોદીના કેસમાં ભારત અને વિદેશમાં જપ્ત અને ટાંચમાં લેવાયેલી સંપત્તિનું કુલ મૂલ્ય રૃ. ૨,૬૫૦.૦૭ કરોડ થયુ છે એવુ ઇડીએ જણાવ્યુ છે. પંજાબ નેશનલ બેન્ક સાથે રૃ. ૧૪,૦૦૦ કરોડની છેતરપિંડીના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨ હેઠળ કેસ નોંધીને તપાસ શરૃ કરી હતી.આ તપાસ દરમિયાન હોંગકોંગમાં નીરવ મોદીની માલિકીની કેટલીક સંપત્તિઓ જેમાં ખાનગી તિજોરીઓમાં રહેલા દાગીના અને ત્યાંની બેન્કોમાં જમા થાપણોને ઓળખી કાઢવામાં આવ્યા હતા, જેમાંથી ઉપાડ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકી ટાંચમાં લેવાયા છે. હાલ લંડનની કોર્ટમાં ભાગેડુ લોન ડિફોલ્ટર નીરવ મોદી વિરુદ્ધ પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. લંડનની કોર્ટમાં પ્રત્યાર્પણના કેસની સુનાવણી આગામી ઓક્ટોબર માસમાં થશે. ભારતની એજન્સીઓએ નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે પ્રયાસો શરૃ કર્યા હતા, પરંતુ બ્રિટનના કાયદાની જોગવાઈઓના કારણે પ્રક્રિયા ઝડપી બનાવવામાં મુશ્કેલી આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.