પટિયાલા જેલમાં સિદ્ધુને ક્લાર્ક, દલેર મહેંદીને હિસાબની જવાબદારી
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુને જેલમાં ક્લાર્કની જવાબદારી સોંપાઈ છે. તો સિંગર દલેર મહેંદીને હિસાબ-કિતાબનું કામ સોંપવામાં આવ્યું છે. બંનેને એક જ બેરેકમાં રખાયા છે.૩૪ વર્ષ જૂના એક રોડરેજ કેસમાં કોર્ટે નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષની જેલની સજા ફટકારી હતી. સિદ્ધુને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળતા તેણે સરેન્ડર કર્યું હતું. એ પછી સિદ્ધુને પટિયાલા જેલમાં ધકેલીને ક્લાર્કનું કામ સોંપાયું હતું. આમ તો કોર્ટે આકરી સજાનો ચુકાદો આપ્યો હતો, પરંતુ તબિયતને ધ્યાનમાં રાખીને જેલતંત્રએ તેને હળવું કામ આપ્યું હતું.૧૮ વર્ષ જૂના એક કબૂતરબાજીના કેસમાં દલેર મહેંદીને પટિયાલા કોર્ટે બે વર્ષ જેલની સજા ફટકારી છે. દલેર મહેંદીને પણ પટિયાલા સેન્ટ્રલ જેલમાં બંધ કરાયા છે. જેલ પ્રશાસને દલેર મહેંદીને હિસાબ-કિતાબનું કામ આપ્યું છે. બંનેને એક બેરકમાં રખાયા છે. નવજોત સિંહ સિદ્ધુને ઘૂંટણના દર્દની અને વજન વધારાની સમસ્યા હોવાથી જેલમાં એક બેડની વ્યવસ્થા આપવામાં આવી છે. સિદ્ધુને તો પહેલાથી જ ૧૦ નંબરની બેરેકમાં રખાયા હતા. હવે એ જ બેરેકમાં દલેર મહેંદીને પણ રાખવાનો નિર્ણય જેલ પ્રશાસને કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.