હાઇકોર્ટે ગાંધીનગર ચેક રિટનના કેસમાં એસપી અને પીઆઇનો ઉધડો લઇ નાંખ્યો - At This Time

હાઇકોર્ટે ગાંધીનગર ચેક રિટનના કેસમાં એસપી અને પીઆઇનો ઉધડો લઇ નાંખ્યો


- નોન બેલેબલ વોરંટની બજવણી કેમ નહી? આરોપી- પોલીસની મિલીભગત અમદાવાદ,તા.16 જુલાઈ 2022,શનિવારચેક રિટનના કેસમાં સજા પામેલા એક આરોપીએ હાઇકોર્ટ સમક્ષ બાંહેધરી આપ્યા બાદ પણ તેનું પાલન નહી કરતાં હાઇકાર્ટે આરોપી નાયક અનિલકુમાર બબલદાસ વિરૂધ્ધ જામીનપાત્ર અને બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. તેમ છતાં ગાંધીનગર સેક્ટર-૨૧ પોલીસે તેની બજવણી નહી કરી આરોપીને પકડી કોર્ટ સમક્ષ રજૂ નહી કરતાં હાઇકોર્ટે એવી ગંભીર માર્મિક ટકોર કરી હતી કે, પ્રસ્તુત કેસમાં આરોપી અને પોલીસની મિલીભગત હોય તેવું સ્પષ્ટ જણાઇ આવે છે. એટલું જ નહી, પોલીસના બેદરકારીભર્યા વલણની ગંભીર નોંધ લઇ જસ્ટિસ સમીર જે.દવેએ આજે ગાંધીનગરના એસપી અને સેકટર-૨૧ના પીઆઇને હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રખાવ્યા હતા અને પોલીસની આ કેસમાં ભૂમિકાને લઇ રીતસરનો ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે પોલીસને જણાવ્યું હતું કે, તમે તમારી જાતને સમજો છો શું...? હાઇકોર્ટના હુકમનું પાલન કરવાની કોઇ ગંભીરતા છે કે નહી, હાઇકોર્ટ આવી ફરજચૂક કોઇપણ રીતે સાંખી નહી લે. હાઇકોર્ટે આકાશપાતાળ એક કરીને પણ આરોપીને શોધી કાઢી તેને પકડી કોર્ટ રૂબરૂ હાજર કરવા પોલીસને કડક તાકીદ કરી હતી. ચેક રિટર્નના કેસમાં સજા પામેલા આરોપીને પોલીસે છાવરતાં હાઇકોર્ટે એસપી-પીઆઇને રૂબરૂ હાજર રખાવ્યાજસ્ટિસ સમીર જે.દવેએ કોર્ટ રૂબરૂ હાજર રહેલા ગાંધીનગર એસપી તરૂણકુમાર દુગ્ગલને પણ ગંભીર ટકોર કરી હતી કે, તમને એટલા માટે જ હાજર રખાવ્યા છે કે તમને ખબર પડે કે, તમારા તાબાના પોલીસ અધિકારીઓ કેવી રીતે ફરજ નિભાવે છે. હાઇકોર્ટે સેકટર-૨૧ના પીઆઇ એમ.બી.ભરવાડનો ઉધડો લેતાં જણાવ્યું કે, તમે પીઆઇ છો તો તમને ખબર કંઇ ખબર પડે છે કે, નોન બેલેબલ વોરંટ એટલે શું..? હાઇકોર્ટના ઓર્ડરની કોઇ ગંભીરતા છે કે નહી..તમે પીઆઇ છો તો તમારી જાતને શું સમજો છો..? જો તમે હાઇકોર્ટના હુકમનું પાલન નથી કરતાં તો નીચલી કોર્ટોને શું ગણતા હશો..? પણ એટલું યાદ રાખો કે, હાઇકોર્ટ પોલીસ દ્વારા ફરજમા આ પ્રકારની ગંભીર નિષ્કાળજી કોઇ સંજોગોમાં સાંખી લેશે નહી. આ કેસમાં ફરિયાદપક્ષ તરફથી એડવોકેટ ધ્રુવ બી.ગોસ્વામીએ હાઇકોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ આરોપી અનિલકુમાર બબલદાસ નાયકને ૨૦૧૯માં હાથ ઉછીના છ લાખ રૂપિયા આપ્યા હતા, જેની સામે આરોપીએ ચેક આપ્યા હતા પરંતુ તે ચેક રિટર્ન થતાં ફરિયાદીએ નેગોશીએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એકટ હેઠળ કેસ કર્યો હતો. જેમાં ગાંધીનગર કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને સાડા છ લાખ રૂપિયા જેટલી રકમ ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે આરોપીએ હાઇકોર્ટમાં રિવીઝન અરજી કરી છે, જેમાં ખુદ આરોપીએ માત્ર ૨૦ ટકા રકમ ભરી બાકીની રકમ ૩૦ દિવસમાં ભરી દેવાની હાઇકોર્ટ સમક્ષ સોગંદનામાં મારફતે બાંહેધરી આપી હતી, જેનું આજદિન સુધી પાલન કરાયું નથી. આરોપીની આ વર્તણૂંકની હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને તેની વિરૂધ્ધમાં પહેલાં બેલેબલ અને હાજર નહી થતાં નોન બેલેબલ વોરંટ જારી કર્યા હતા. તેમછતાં આરોપીને પોલીસ વોરંટની બજવણી કરી પકડી નહી શકતાં હાઇકોર્ટે આરોપી અને પોલીસ વચ્ચેની મિલીભગતની માર્મિક ટકોર કરી હતી. હાઇકોર્ટના નિર્દેેશાનુસાર, આજે ગાંધીનગર એસપી અને સેકટર-૨૧ના પીઆઇ રૂબરૂ હાજર રહ્યા હતા. જો કે, હાઇકોર્ટે બંને ઉચ્ચ અધિકારીઓને આડા હાથે લીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.