રાજકોટ શહેરની ૧૮૧ મહિલા અભયમ ટીમે ભાઈ-ભાભી સાથે મિલન કરાવ્યું.
રાજકોટ શહેર તા.૭/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરની ૧૮૧ મહિલા અભિયમ ટીમે આજીડેમ ચોકડી ખાતે ૩ દિવસીથી ગુમસુમ જોવા મળેલી પીડિતાનું કાઉન્સેલિંગ કરી તેના ભાઈ-ભાભીને સહી સલામત સોંપી હતી. તા.૪ જૂલાઈના રોજ આજીડેમ ચોકડીના રહેવાસી તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ એક મહિલાં શોકમગ્ન સ્થિતિમાં છેલ્લા ૩ દિવસથી ત્યાં બેઠી છે. ત્યાંથી પસાર થતાં લોકો દ્વારા પૂછપરછ કરવા છતાં કોઈપણ પ્રકારનો પ્રત્યુતર મહિલા દ્વારા પ્રાપ્ત થતો નહોતો. તેથી ત્યાંના રહેવાસીઓએ ૧૮૧ હેલ્પલાઈન નંબર દ્વારા મહિલા અભયમ ટીમને જાણ કરી હતી. અભયમ ટીમને મહિલાની પરિસ્થિત અંગે જાણ થતાં જ ત્વરીત ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મહિલા સાથે આત્મીયતા સાથે વાત કરતાં અભયમ ટીમને જાણવા મળ્યું હતું કે પીડિતાના લગ્ન કુંડા ગામે થયા હતા. લગ્નજીવનમાં ગેરસમજ ઉપજતા બંને વચ્ચે છુટાછેડા થયા હતા. જેના પરિણામ સ્વરૂપ હાલ તેઓ ફરી પોતાના પિયર દાહોદ જીલ્લાના ફતેપુરા પારવેલના રહેવાસી બન્યા હતા. થોડા સમય બાદ તેમના ભાઈ દ્વારા પીડિતાના બીજા લગ્ન કરાવવામાં આવ્યા હતા. જેમાં પણ પતિ બીજી સ્ત્રીને લઈને જતો રહેવાથી ગૃહસ્થ જીવન ફરી નિષ્ફળ થતાં પીડિતા પોતાના પિયરે ફરી પહોંચી હતી. સાંસારિક દુ:ખોથી ઘેરાયેલી પીડિતા માનસિક રીતે થાકી હારીને રાજકોટ આજીડેમ ખાતે આવી પહોંચી હતી અને નિરાશામાં ગરકાવ થઈ ગઈ હતી. પીડિતામાં હકારાત્મકતાનો સંચાર કરીને રાજકોટ અભયમ ટીમે તેમના પરિવારજનોની ઓળખ મેળવવા શહેર પોલીસ દ્વારા દાહેદ જીલ્લા પોલીસ કંટ્રોલનો સંપર્ક સાધ્યો હતો અને દાહોદ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમની મદદથી પીડિતાના પરિવારની સંપૂર્ણ માહિતી મેળવી તેમના ભાઈ-ભાભીને જાણ કરવામાં આવી હતી. ભાઈ-ભાભી સાથે મિલન ન થાય ત્યાં સુધી પીડિતાને ૨ દિવસ ‘સખી વન સ્ટોપ સેન્ટર’ માં આશરો આપવામાં આવ્યો હતો. પીડિતાને ઘરે લેવા આવતા ભાઈ-ભાભીએ જણાવ્યું હતું કે તેઓ પીડિતાને લઈને છેલ્લા એક માસથી વિસાવદર તાલુકામાં ખેતમજૂરી અર્થે પહોંચ્યા હતા. ત્યાં છેલ્લા ૭ દિવસોથી મહિલા કઈપણ કહ્યા વગર જતી રહી હતી. મહિલા વતનમાં પહોંચી હશે તેમ સમજી તેઓએ પો.સ્ટેશનમાં જાણ ન કરી હતી. જયારે સમગ્ર સ્થિતિ જાણતા તેઓ મહિલાનું ધ્યાન રાખશે તેવી ખાતરી આપતા મહિલાને તેમના ભાઈને સોંપવામાં આવી હતી. તેમની બહેનને નવી ચેતના આપી માનસિક રીતે ફરી સકારાત્મક અભિગમ અર્પવા બદલ ભાઈ-ભાભીએ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.