ગુજરાત હાઇકોર્ટ સાથે 6.50 લાખની ઠગાઈ! કોસ્ટ સિક્યુરિટી ફીની રસીદો ચેક કરતા પોલ ખુલી - At This Time

ગુજરાત હાઇકોર્ટ સાથે 6.50 લાખની ઠગાઈ! કોસ્ટ સિક્યુરિટી ફીની રસીદો ચેક કરતા પોલ ખુલી


અમદાવાદ,તા.30 જુન 2022,ગુરૂવાર ગુજરાત હાઇકોર્ટ સાથે 6.50 લાખની ઠગાઈ આચરવામાં આવ્યાની ફરિયાદ આસીસ્ટન્ટ રજીસ્ટારે અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ બુધવારે સાંજે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જે મુજબ એક અરજદારે બે કેસ નંબરનો ઉલ્લેખ કરતી અરજી કરીને સિક્યુરિટી કોસ્ટની બે અલગ અલગ રસીદની ઝેરોક્ષ કોપી રજૂ કરી હતી. જે રસીદમાં કેશિયરની સહી તેમજ હાઇકોર્ટનો સિક્કો હતો. નાજીરએ બ્રાન્ચમાં આ બાબતે ખરાઈ કરતા રસીદ ખોટી હોવાનું સ્પષ્ટ થયું હતું. ગુજરાત હાઈકોર્ટમાં ફરજ બજાવતા આસી. રજીસ્ટાર પિયુષ પંચાલે સોલા પોલીસ સ્ટેશનમાં બુધવારે સાંજે ફરિયાદ કરી હતી. જે મુજબ ગત તા.28-2-2022ના રોજ રણછોડ મનાભાઈ સલાટએ ફરિયાદીની શાખામાં અરજી આપી રૂ.3 લાખ અને રૂ.3.50 લાખની સિકયુરિટી કોસ્ટની બે રિસીપ્ટ રજૂ કરી હતી. જે બન્ને રિસીપ્ટ સંલગ્ન કોર્ટ કેસ નંબરની હોવાનું જણાવી તે કેસ નંબરનો અરજીમાં ઉલ્લેખ કર્યો હતો. આ રિસીપ્ટ પર નાજીર અને કેશિયરની સહીઓ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટનો સિક્કો મારેલો હતો. આ ઝેરોક્ષ રિસીપ્ટ તેમના વકીલ સીરમા નાયરે આપ્યાનું અરજદારે અરજીમાં જ જણાવ્યું હતું.આ બન્ને રિસીપ્ટ અંગે ફરિયાદીએ તેઓની બ્રાન્ચમાં તપાસ કરતા આવી કોઈ રિસીપ્ટ બ્રાન્ચ તરફથી ઇસ્યુ કરવામાં આવી ન હોવાનું ધ્યાને આવ્યું હતું. બનાવ અંગે ફરિયાદીએ તેઓના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરતા તેઓએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. ગુજરાત હાઇકોર્ટ સાથે જ ઠગાઈ કરવાના ગંભીર મુદ્દે કોર્ટે ફરિયાદ કરવા હુકમ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.