લીંબડીના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વીજકાપથી નાગરિકો ત્રસ્ત
- બે ટ્રાન્સફોર્મર લગાવવા માટે રજૂઆત કરાઈ- સતત એક વર્ષથી અરજીઓ આપવાં છતાં સમસ્યા દૂર ન થતાં લોકો રોષે ભરાયાંલીંબડી : લીંબડી તાલુકાના કટારિયા, જાખણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વીજ કાપને લઈ ત્રસ્ત થયેલા ગામના લોકો દ્વારા સેવાસદન ખાતે ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સમસ્યાનો સમયસર ઉકેલ લાવવા રજૂઆત કરાઈ હતી. પોતાની વીજ કાપની સમસ્યા અંગે રજૂઆત કરનારા ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે લીંબડી તાલુકાના કટારિયા ગામે છેલ્લાં એક વર્ષથી વીજ કાપ થી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પીજીવીસીએલ તંત્ર દ્વારા અવાર-નવાર વીજ કાપ મુકવામાં આવતાં ગ્રામજનો દ્વારા આ બાબતે પીજીવીસીએલનાં અધિકારીઓને લેખિત તથાં મૌખિક અરજીઓ આપવાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા સરખો જવાબ આપવામાં આવતો નથી અને વીજ કાપ મુકવામાં આવે છે. આખા દિવસ દરમિયાન માત્ર ત્રણ થી ચાર કલાક જ વીજળી આપવામાં આવે છે. જેને કારણે હાલ ચોમાસાની શરૃઆત થઈ ગઈ છે ત્યારે ખેડૂતો દ્વારા વાવણી કરી નાખવામાં આવી છે પરંતુ હાલ ત્રણ ચાર દિવસથી વરસાદ ખેંચાતાં પાક ને પાણી પાવા માટે વીજળીની જરૃર પડતી હોય છે. ત્યારે ખેતરોમાં પાકને પુરતાં પ્રમાણ પાણી ન મળતાં મોંઘા ભાવનું બિયારણ બગડે છે અને સાથે સાથે પાકને પણ નુકસાન થાય તેવી શક્યતા છે. તથાં નાના બાળકો સહિત લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટ સહન કરવો પડે છે અને મચ્છરજન્ય ઉપદ્રવથી રોગચાળો ફેલાવાની શક્યતાં રહ્યા કરે છે. આ ગામ જ્યોતિ ગ્રામ યોજનામાં આવતું હોવા છતાં પણ વીજ કાપ ની સમસ્યાં ઊભી થાય છે ત્યારે હાલ એક મહિના માં આઠ વખત ટ્રાન્સફોર્મર બદલાં છતાં પણ વીજળી પુરતાં પ્રમાણમાં મળતી નથી. તો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે અથવા તો બે ટ્રાન્સફોર્મર લગાવવામાં આવે જેથી વીજ પુરવઠો સરખો મળી રહે તેવી રજૂઆત કરી સેવાસદન ખાતે આવેદનપત્ર આપ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.