એસ્ટ્રોન ચોકમાં બેંક ઓફ બરોડાનું એટીએમ તોડવાનો પ્રયાસઃ દર્શન વાઘેલા રંગેહાથ ઝડપાયો
રાજકોટ તા. ૨૯: શહેરના એસ્ટ્રોન ચોકમાં આવેલા બેંક ઓફ બરોડાના એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો. વહેલી સવારે એક શખ્સ એટીએમ તોડવા અંદર ઘુસતાં જ બેંકની હૈદરાબાદ ખાતેની એટીએમ ઇ-સર્વેલન્સની ટીમને જાણ થઇ જતાં આરોપી દબોચાઇ ગયો હતો.
આ બનાવ અંગે નાના મવા રોડ લક્ષ્મી સોસાયટી-૬ બ્લોક નં. ૩૫-એમાં રહેતાં અને ટાગોર રોડ એસ્ટ્રોન ચોકમાં આવેલી બેંક ઓફ બરોડામાં ક્રેડિટ મેનેજર તરીકે દોઢ વર્ષથી નોકરી કરતાં મનોજભાઇ ભીમજીભાઇ ચોરાડા (ઉ.૪૨)ની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે ન્યારી ડેમવાળા રોડ પર આસોપાલવ સ્કવેર બિલ્ડીંગ ફલેટ નં. ૩૦૩ લગૂન રેસિડેન્સી સામે રહેતાં દર્શન ગોરધનભાઇ વાઘેલા નામના શખ્સ વિરૃધ્ધ ચોરીના પ્રયાસનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.
મનોજભાઇએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે સાડા ત્રણેક વાગ્યે અમારા આઇટી ડિપાર્ટમેન્ટમાંથી હિતેષભાઇનો મને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ટાગોર રોડ બેંક ઓફ બરોડા બ્રાંચનું એટીએમ તોડવાનો પ્રયાસ થયો છે અને પોલીસને જાણ કરી છે તમે તાત્કાલીક પહોંચો. જેથીહું ત્યાં પહોંચતા એટીએમ અંદરના મશીનનો મેઇન ડોર તૂટેલો હતો અને એટીએમ ડિસ્પેનશર પણ તૂટેલુ હતું. પોલીસ પણ આવી ગઇ હતી. હૈદરાબાદ ખાતેની એટીએમ ઇ-સર્વેલન્સ ટીમે આ ચોરીની ગતિવિધીને પકડી રાજકોટ બેંકના આઇટી ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. આ કારણે ચોરીનો ઇરાદો નિષ્ફળ નિવડ્યો હતો.
એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર શખ્સને પોલીસે રંગેહાથ પકડ્યો હતો. તેણે પોતાનું નામ દર્શન ગોરધનભાઇ વાઘેલા (કડીયા કુંભાર) (ઉ.૨૪-રહે. આસોપાલવ સ્કવેર ફલેટ નં. ૩૦૩) જણાવ્યું હતું. તેમજ પોતે કડીયા કામ કરતો હોવાનું કહ્યું હતું. પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં હેડકોન્સ. આર. એલ. વાઘેલાએ ગુનો નોંધ્યો હતો. ડી. સ્ટાફના પીએસઆઇ ટી. ડી. ચુડાસમા, હારૃનભાઇ ચાનીયા, ભરતસિંહ ગોહિલ સહિતે વિશેષ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.