ગોકુલધામ આવાસમાં નશાની પાર્ટી બાદ મિત્રો બાખડ્યા-બેને ઇજા
રાજકોટમાં દારુનો અડ્ડો ગણાતા ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં ગઇકાલે રાત્રે દારુની પાર્ટી કર્યા બાદ વહેલી સવારે ચારેક વાગ્યા આસપાસ મિત્રો-મિત્રો વચ્ચે ડખ્ખો થતા વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી, અને વહેલી સવારે જ નામચીન બુટલેગર સહિતનાં શખ્સોએ વિસ્તારને રીતસર બાનમાં લઇ બઘડાટી બોલાવી હતી. જેમાં બે લોકોને ઇજા પહોંચી હતી. બનાવના પગલે માલવીયા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ગોંડલ રોડ નજીક આવેલા ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં ગઇકાલે વહેલી સવારે મારામારીની ઘટના બનતા બે લોકોને ઇજા પહોંચી હતી. જેમાં ઇજાગ્રસ્ત યશ રસિક બકરાણીયા (ઉ.વ.21,રહે. ગોકુલધામ આવાસ, એસટી વર્કશોપ પાછળ, રાજકોટ) અને સામા પક્ષે મયુરગીરી દિનેશગીરી ગોસ્વામી (ઉ.વ.33, રહે. ગીતાંજલી સોસાયટી, શેરી નં. 5, ગોકુલધામ પાસે,રાજકોટ)ને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ ઘટના વહેલી સવારે ચારેક વાગ્યા આસપાસ બની હતી. આરોપીઓના ટોળાએ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. જેને પગલે માલવીયાનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ સુત્રો અને ઇજાગ્રસ્તના સગા-સ્નેહીઓ દ્વારા જણાવાયા મુજબ ગોકુલધામઆવાસ ક્વાર્ટરનો નામચીન બુટલેગર કવિ સોલંકી, યશ, મયુરગીરી, હકો,મહેશ વગેરે મિત્રો રાત્રે નશાની પાર્ટી યોજી હતી. જેથી નશામાં ધૂત થયા બાદ ભાન ભુલેલા આરોપીઓ અંદરોઅંદર બાખડવા લાગ્યા હતા. જેમાં એક શખ્સે છરી કાઢી કહેલું કે, છરી મારીશ તો આટલી જ વાર લાગશે.
આવી ચર્ચામાં બઘડાટી બોલી ગઇ હતી અને સામ-સામે ઢીકા-પાટુ ઝપાઝપી થઇ ગઇ હતી. જેમાં યશ અને મયુરગીરીને ઇજા પહોંચી છે. યશે કવિ, હકો અન્ય શખ્સોએ હુમલો કર્યો હોવાનું કહ્યુંછે. જ્યારે મયુરગીરીએ કોઇ જય નામના વ્યક્તિનું નામ આપ્યુંછે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આરોપીઓને રાઉન્ડઅપ કરવાનું શરુ કર્યું છે. ફરિયાદ બાદ ધરપકડ થઇ શકે છે. જો કે સવાર સુધીમાં ફરિયાદ નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે બુટલેગર કવિના ઠેકાણા પર તાજેતરમાં જ સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી મોટી માત્રામાં દારુ ઝડપી પાડ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.