પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રીએ વરસાદની સ્થિતિની વિગત મેળવી જરૂરી સૂચનાઓ આપી
પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રીએ વરસાદની સ્થિતિની વિગત મેળવી જરૂરી સૂચનાઓ આપી
કન્ટ્રોલ રૂમ ખાતેથી ગ્રામ્ય કક્ષા અને તાલુકા કક્ષાએ ટેલિફોનિક સંપર્ક કરી લોકોને એલર્ટ કરવા જણાવ્યું
પૂરગ્રસ્ત રસ્તાઓ બંધ કરવા અને હોમગાર્ડ જવાનોને તૈનાત કરવા સૂચના આપી
પોરબંદર, તા. ૨૭, પોરબંદર સહિત રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પણ ગઈકાલથી જ વરસાદ અવિરત વરસી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર આ ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઇ સતર્ક અને સાવચેત છે. ગ્રામ્ય કક્ષાએ સરપંચ અને તલાટી મંત્રીશ્રીઓ દ્વારા અને તાલુકા કક્ષા તથા જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદને લઈને તકેદારીના વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.
જિલ્લા પ્રભારી સચિવશ્રી રણજીથકુમાર પણ વરસાદ ગ્રસ્ત પોરબંદર ખાતે ઉપસ્થિત છે. પ્રભારી સચિવશ્રી રણજીથકુમાર અને પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રી એસ.ડી. ધાનાણીએ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટરશ્રી એસ.ડી. ધાનાણીએ ગ્રામ્ય કક્ષાના અને તાલુકા કક્ષાના કન્ટ્રોલ રૂમમાં ફોન કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, અને નિચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર નહીં કરવા સૂચના આપવા જણાવ્યું હતું. જે રસ્તાઓ પર વધુ પાણી વહેતું હોય ત્યાં જી.આર.ડી.ના કર્મીઓને તૈનાત કરવા, જરૂર જણાઈ તો રસ્તાઓ બંધ કરવા અને લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી. ઠક્કર, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એમ. રાયજાદા, મામલતદાર શ્રી દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.