વડોદરાના વાઘોડિયામાં વિધવા સાથે લિવ – ઇનમાં રહેતા યુવાનની હત્યા કરી તળાવમાં ફેંકી દીધો.
વડોદરાના વાઘોડિયા તાલુકાના મઢેલી ગામની નવીનગરીમાં રહેતા યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા 11 દિવસ પૂર્વે માથામાં બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો . અને લાશ તળાવમાં નાખી દીધી હતી . જોકે મોતને ઘાટ ઉતારાયેલ યુવાનની ઓળખ થાય તે પૂર્વે પોલીસ તંત્ર દ્વારા સરકારી રાહે નિકાલ કરી દેવામાં આવ્યો હતો . આ યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું અનુમાન છે . વાઘોડિયા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે . = વિધવાને પત્ની તરીકે રાખતો હતો મઢેલી પંથકમાં ચકચાર જગાવી મુકનાર આ ઘટનાની વિગત એવી છે કે મૂળ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના મદાર ગામનો વતની રમેશ ઉર્ફે ડિસ્કો કાળુભાઈ રાઠોડિયા ( ઉંમર વર્ષ 35 ) છેલ્લા ત્રણેક વર્ષથી વાઘોડિયા તાલુકાના મઢેલી ગામમાં નવીનગરીમાં વિધવા બે સંતાનની માતા સાથે રહેતો હતો અને છૂટક મજૂરી તેમજ કડિયા કામ કરીને ગુજરાત ચલાવતો હતો . તેને કાશીપુરા ગામની વિધવા બે સંતાનની માતા સાથે પ્રેમ થતાં રમેશ ઉર્ફ ડિસ્કો રાઠોડિયા તેણીને ગેરકાયદેસર કાશીપુરા લઈ આવ્યો હતો . અને પત્ની તરીકે રાખતો હતો . મંજાલપુર પ્રેમિકાને લેવા ગયો હતો એક માસ પહેલાં મહિલા તેના ગામ કાશીપુરા ગઈ હતી પરંતુ તે પરત ન આવતા 15 દિવસ પહેલા રમેશ ઉર્ફે ડિસ્કો રાઠોડિયા તેને લેવા માટે ગયો હતો . જો કે પરત ન ફરતા મઢેલી ગામમાં રહેતા તેના કાકા ફતેસિંહ રવજીભાઈ રાઠોડીયાએ પણ રમેશ ઉર્ફે ડિસ્કો કાશીપુરા ગામે રોકાઈ ગયો હશે તેવા અનુમાન સાથે તપાસ કરી ન હતી . દરમિયાન 11 દિવસ પૂર્વે મઢેલી ગામમાં રહેતા ટીનાભાઈ મુસલમાન નામના વ્યક્તિએ ફતેસિંહને એક કલર ફોટો બતાવ્યો હતો . ફોટો જોતા ફતેસિંહને ભત્રીજા રમેશ ઉર્ફે ડિસ્કોને લાશ હોવાની શંકા ગઈ હતી . તેઓએ આ બાબતે તપાસ કરતા માહિતી મળી હતી કે 11 દિવસ પહેલા કાશીપુરા ગામના તળાવના કિનારેથી આ લાશ મળી આવી હતી . અને તેનો વાઘોડિયા પોલીસે કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી . લાશનો સરકારી રાહે નિકાલ લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેના પરિવારજનો ન મળતા પોલીસે સરકારી રાહે તેનો નિકાલ કરાવ્યો છે . ફતેસિંહને પોલીસ દ્વારા એવી પણ માહિતી મળી હતી કે ભત્રીજા રમેશ ઉર્ફે ડિસ્કોની કોઈ અજાણી વ્યક્તિઓએ માથામાં બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારી લાશને તળાવમાં ફેંકી દીધી હતી . દરમિયાન ફતેસિંહ રાઠોડીયાએ પોલીસ મથકમાં રમેશ ઉર્ફ ડિસ્કો કાળુભાઇ રાઠોડિયાની કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હોવાની શંકા સાથે ફરિયાદ નોંધાવી હતી .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.