રાજકોટમાં પત્નીની હત્યાનો પ્રયાસ કરી યુવકે પોતાના ગળામાં છરી ફેરવી - At This Time

રાજકોટમાં પત્નીની હત્યાનો પ્રયાસ કરી યુવકે પોતાના ગળામાં છરી ફેરવી


રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ ઉદયનગર 40 વર્ષીય યુવાને તેમની 37 વર્ષીય પત્નીને છરીના ત્રણ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરી પોતે પણ ગળાના ભાગે છરી ફેરવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે માલવીયાનગર પોલીસ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ હતી અને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાન મહેન્દ્રસિંહ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગઈકાલે ખેલાયેલા લોહિયાળ ખેલથી શહેરમાં વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના મવડી વિસ્તારમાં ઉદયનગર શેરી નં.1 માં રહેતાં મહેન્દ્રસિંહ તોગુભા જાડેજા (ઉ.વ.40) ની પત્ની પ્રીતિબા (ઉ.વ.39) બે દિવસથી માવતરે ઉદયનગર શેરી નં.14 માં રહેતાં ચાલી જતાં તેમની સાથે સમાધાન કરી તેડવા ગયાં હતા ત્યારે દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં ઉશ્કેરાયેલા મહેન્દ્રસિંહે તેની પાસે રહેલ છરીથી પત્નીને ગળાના ભાગે, છાતીના ભાગે અને હાથમાં છરીના ત્રણ ઘા ઝીંકી દિધા હતાં. બાદમાં તેની પત્નીએ રાડારાડી કરતાં પોતે પણ ગળાના ભાગે છરી ફેરવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
બાદમાં પ્રીતિબા તેમની નાની બહેન સાથે માલવીયાનગર પોલીસ મથકે દોડી ગયાં હતા પરંતુ પોલીસ મથકના પગથિયાં પર જ તેઓ બેભાન થઈ પડ્યા હતાં. જેથી 108 મારફતે તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમજ સાસરિયાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહેન્દ્રસિંહ બેભાન થઈ જતાં તેઓને પાડોશીએ 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં એએસઆઈ કે.યુ.વાળા હોસ્પિટલે દોડી ગયાં હતાં અને આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહેન્દ્રસિંહ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ગંભીર હાલતમાં સારવારમાં રહેલ પ્રીતિબાના માતા રસીલાબેને જણાવ્યું હતું કે, તેમની પુત્રીના 16 વર્ષ પહેલાં મહેન્દ્રસિંહ સાથે લગ્ન થયેલ છે. તેઓને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. મહેન્દ્રસિંહને ઉદયનગરમાં જ પાન બીડીનો થડો હતો. જે તેઓએ એક માસ પહેલાં પાંચ લાખ રૂપિયામાં વેંચી દિધો હતો. જે બાદ તે કોઈ કામ કરતો નહીં અને બે માસ પહેલાં મહેન્દ્રસિંહે તેમના નામની રૂ.50 હજારની લોન લીધી હતી અને એક માસ પહેલાં પ્રીતિબાના નામે રૂ. બે લાખની લોન લીધી હતી.
જે બાદ તેણીના નામની જે લોન મહેન્દ્રસિંહે ના ભરતાં હપ્તો બાઉન્સ થયો હતો. જેથી તેણીને જેલમાં જવાનો વારો આવ્યો હતો. બાદમાં તેણીના પુત્રના મિત્ર વિકસીતે લોનનો હપ્તો અને પેનલ્ટી ભરી તેણીને જેલમાંથી છોડાવી હતી. જે બાદ વિકસીતે રૂપિયાની ઉઘરાણી બાબતે મહેન્દ્રસિંહને ફોન કરતાં તેને ફોન ન ઉપાડતાં વિકસીતે મહેન્દ્રસિંહની પત્ની પ્રીતિબાને ફોન કરી રૂપિયાની ઉઘરાણી કરી હતી.
જેથી મહેન્દ્રસિહે ચારિત્ર્યની શંકા કરી તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ગઈ તા.06 ના પ્રીતિબા તેના બે સંતાનો સાથે નજીકમાં જ રહેતાં માવતરના ઘરે ચાલી આવી હતી.
બાદમાં ગઈકાલે પાંચ વાગ્યે મહેન્દ્રસિંહ પોતાના સાસરિયે ગયો હતો અને તેની પત્ની પ્રીતિબાને શ્રીનાથજી સોસાયટીમાં તેમની બહેનના ઘરે સમાધાન કરવાં જવા માટે કહેતાં તેણીએ ત્યાં આવવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં મહેન્દ્રસિંહે તેમની સાસુને બાઇકમાં બેસાડી તેમની બહેનના ઘરે સમાધાન માટે લઈ ગયો હતો.
જ્યાં તેઓને ઉતારી પોતે પ્રીતિબાને તેડવા જવાનું કહીં ફરીવાર સાસરિયે આવ્યો હતો. અને તેમની સાળી કવિતાને ઘર બહાર મોકલી ઉગ્ર ઝઘડો કર્યો હતો. બાદમાં તેની પાસે રહેલ છરીથી તેની પત્નીને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે પોલીસે પ્રીતિબાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.