કષ્ટભંજન હનુમાનજી મંદિર, સારંગપુર ખાતે સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન.
સખી મેળાના આયોજન થકી અવનવી વસ્તુઓને નવું બજાર મળે છે : જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી.
ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કષ્ટભંજન હનુમાનજી મંદિર, સારંગપુર ખાતે કરવામાં આવ્યું છે. તા.૨૨ થી ૨૮ જૂન સુધી આયોજિત આ પ્રદર્શનનું ઉદ્ધાટન બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનના ઉદ્ધાટન અવસરે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, સખી મંડળ અને નારીશક્તિની તાકાત શું કરી શકે તે આજે જોવા મળ્યું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાના-મોટા ઉદ્યોગોને ૨૪ કલાક વીજળી મળતી થઇ છે.વધારેમાં વધારે લોકોને રોજગારી આપવાનું સરકારશ્રીનું લક્ષ્ય સાકાર થઈ રહ્યું છે.ગામડાઓમાં રોજગારીની તકોનું સર્જન થયું છે અને બહેનોમાં નવું જોમ અને નવો જુસ્સો જોવા મળી રહ્યો છે.સખી મેળાના આયોજન થકી અવનવી વસ્તુઓને નવું બજાર મળે છે. આ પ્રદર્શનમાં પોતાના સ્ટોલ લઈને આવેલા તમામ વિક્રેતાઓને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ શુભેચ્છા પાઠવી હતી.
તમામ આગેવાનોએ બન્ને પ્રદર્શન નિહાળ્યા હતા અને સખી મેળામાં કલા-કૃતિઓ વેચાણ અર્થે લઈને આવેલા સખી મંડળોની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.
કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બોટાદ જીલ્લા અને નજીકના જીલ્લાના સ્વ સહાય જુથો અને વ્યક્તિગત કારીગરો દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની વિવિધ વસ્તુઓ જેવી કે, હસ્તકલા, હેન્ડલુમ, વાંસની બનાવટની વસ્તુઓ, મરી-મસાલા, અન્ય ખાદ્ય ઉત્પાદનો તેમજ ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખાદ્ય વસ્તુઓનું વેચાણ આ મેળામાં થઇ રહ્યું છે. આજીવિકા મળી રહે અને પગભર થાય તેવા હેતુથી સ્વ સહાય જુથો, કારીગરો, ખેડૂતો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર વ્યવસ્થા પૂરી પાડવા માટે વેચાણ-સહ પ્રદર્શનનું આયોજન જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદ દ્વારા કષ્ટભંજનદેવ,સારંગપુર ખાતેના વાઈટહાઉસની બાજુના મેદાનમાં કરવામાં આવ્યું છે. આ મેળો તારીખ ૨૮ જૂન સુધી યોજાઈ રહ્યો છે.
ઉદ્ઘાટન અવસરે બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કરણરાજ વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.