મંત્રી કુવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં ભાડલા અને મોઢુકા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો - At This Time

મંત્રી કુવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં ભાડલા અને મોઢુકા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો


લોકોના વ્યક્તિગત પ્રશ્નોનું અંગત રસ લઇ નિરાકરણ કરાવતા મંત્રી

સેવા સેતુના માધ્યમથી ૪૫૦૦ થી વધુ લોકોને મળ્યો જનસુવીધાનો લાભ

(રિપોર્ટ વિજય ચૌહાણ)
સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ અને સહાય અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ પર તાત્કાલિક નિકાલ અર્થે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત જસદણના ભાડલા તેમજ વિછીયાના મોઢુકા ખાતે પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં દસમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામજનોના વિવિધ પ્રશ્નોનું મંત્રીએ અંગત રસ લઈને તેઓના પ્રશ્નોના ઝડપી નિકાલ આવે તે માટે તાત્કાલિક ધોરણે અધિકારીઓને કામ કરવા સૂચના આપી હતી. મંત્રી બાવળીયાએ ઉપસ્થિત ગ્રામજનોને સરકાર તમારા આંગણે આવી છે ત્યારે સરકારી સેવાઓમાં કોઈપણ પ્રકારની મદદ માટે હંમેશા રાજ્ય સરકાર તત્પર હોવાનું જણાવી કહ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ યોજના કે લાભો મેળવવા માટે જરૂરી દાખલાઓ તમને અહીં તરત જ મળી જશે. રાશનકાર્ડ આધારકાર્ડ સહિતની વિવિધ સેવાઓમાં શક્ય તેટલા વહેલા કાગળની કામગીરી પૂર્ણ કરાવી લેવા અને આવનારા સમયમાં મળતા લાભો મેળવવા લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો. બને સ્થળો પર મહેસુલ વિભાગ, પંચાયત શાખા, સમાજ કલ્યાણ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, આરોગ્ય વિભાગ સહિતના વિવિધ વિભાગો દ્વારા બીપીએલ કાર્ડ, રેશનકાર્ડ, ઉંમર તેમજ આયુષ્માન કાર્ડ ને લગતી ૫૫ જેટલી વિવિધ સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી. ‘પોષણ માહ' અંતર્ગત આઈસીડીએસ વિભાગ જસદણ, જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા અહીં મહિલા અને બાળને લગતી આરોગ્ય વિષયક માહિતી પૂરી પાડવામાં આવી હતી, તેમજ પોષણક્ષમ વિવિધ વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેની મંત્રીએ મુલાકાત લઈ માહિતી મેળવી હતી.
પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવાની રાહબરી હેઠળ આયોજિત કેમ્પમાં જસદણ ખાતે મામલતદાર એમ.ડી. દવેના માર્ગદર્શનમાં આયોજિત કેમ્પમાં ૨૪૦૦ થી વધુ લોકોને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી હતી, જ્યારે મોઢુકા ખાતે મામલતદાર આર.કે. પંચાલના માર્ગદર્શનમાં આશરે ૨૨૫૦ થી વધુ લોકોને જરૂરી દાખલાઓ તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.