રાજકોટમાં વડાપ્રધાન મોદી 14 હજાર કરોડના વિકાસ પ્રોજેકટોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત - At This Time

રાજકોટમાં વડાપ્રધાન મોદી 14 હજાર કરોડના વિકાસ પ્રોજેકટોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત


રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એઈમ્સ અને ઝનાના હોસ્પિટલની સાથોસાથ સૌરાષ્ટ્ર ગુજરાતનાં 14 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર છે. જેમાં રેલ્વે, પાણી પુરવઠા, માર્ગ-મકાન, આરોગ્ય સહિતના 23 પ્રોજેકટોનું લોકાર્પણ કરી પ્રજાને સમર્પિત કરનાર છે. તેની સાથોસાથ અન્ય 23 વિકાસ પ્રોજેકટોનું ખાતમુહૂત-ભૂમિપૂજન પણ કરનાર હોય આ વિકાસ પ્રોજેકટોની સૂચિ (યાદી) વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયને મોકલી દેવામાં આવેલ છે.
આ વિકાસ પ્રોજેકટોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની યાદીને સીએમઓ કાર્યાલયમાંથી મંજૂરી મળ્યા બાદ વડાપ્રધાનના કાર્યક્રમના આમંત્રણ કાર્ડ પ્રિન્ટીંગ માટે સંભવત આજે સાંજે અથવા કાલે આપી દેવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 1355 કરોડના ખર્ચે તૈયાર થયેલા રાજકોટ-સુરેન્દ્રનગર રેલ્વે ડબલ ટ્રેકીંગ પ્રોજેકટનું લોકાર્પણ થશે. તેની સાથોસાથ સૌરાષ્ટ્રના નાગરિકોને 3882 કરોડના નેશનલ હાઈવેના વિકાસ કામોની પણ તેઓ પ્રજાને ભેટ આપશે.
આ પ્રસંગે રૂા.1554 કરોડના ખર્ચે સામખીયાળી-સાંતલપુર વચ્ચે બનનારા સીકસલેન નેશનલ હાઈવેનું ખાતમુહૂર્ત પણ તેઓ કરનાર છે. આ ઉપરાંત ભાવનગર-તળાજા વચ્ચે રૂા.1185 કરોડના ફોરલેન હાઈવે અને ભાવનગર-પીપળી વચ્ચે રૂા.1143 કરોડનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવનાર છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજીત જનસભાના સ્થળે પરથી જ કરોડોના આ વિકાસ પ્રોજેકટોના ઈ-લોકાર્પણ કરશે. જેમાં આરોગ્ય, માર્ગ-મકાન, ઉર્જા પેટ્રો કેમીકલ્સ, પાણી પુરવઠા, રેલ્વે સહિતના પ્રોજેકટોનો સમાવેશ કરવામાં આવેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.25ને રવિવારના ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા ખાતેથી બપોરના હેલી કોપ્ટર મારફતે સીધા રાજકોટ એઈમ્સ ખાતે આવી પહોંચી એઈમ્સનું નિરીક્ષણ કરશે જે બાદ તેઓ હેલીકોપ્ટર મારફતે જુના એરપોર્ટે પહોંચશે અને જયાંથી રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધીનો તેમનો રોડ-શો યોજાશે. આ રોડ શોના 800 મીટરના રૂટ પર ઠેર-ઠેર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે. આ રોડ શો માટે તંત્ર દ્વારા બેરીકેટ સહિતની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત રેસકોર્ષ ગ્રાઉન્ડમાં વડાપ્રધાનની યોજાનાર જનસભા માટે એક લાખની જનમેદની એકત્રી કરવાનો ટાર્ગેટ અપાયો હોય આ જનમેદની એકત્રીત કરવા માટે વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં બહારગામથી જનમેદનીને લાવવા માટે એસટીની 1400 જેટલી બસો દોડાવવામાં આવનાર છે.
વડાપ્રધાનના આ કાર્યક્રમ માટે ગઈકાલે નેશનલ હેલ્થ મીશનના ડાયરેકટર રેમ્યા મોહન, તેમજ આરોગ્ય સચિવ, કેન્દ્રીય સચિવ સહિતના અધિકારીઓના કાફલાએ એઈમ્સ અને રેસકોર્ષ ગ્રાઉન્ડની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેની સાથોસાથ કલેકટર કચેરી ખાતે કલેકટર સહિતના અધિકારીઓની સાથે મેરેથોન બેઠક યોજી વડાપ્રધાનના આ કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરી હતી.
ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશી સહીતના અધિકારીઓ સાથે પણ આ મામલે ખાસ વિડીયો કોન્ફરન્સ આયોજીત કરવામાં આવી હતી. જેમાં રાજકોટ સહિતના છ જીલ્લાના કલેકટરો જોડાયા હતા. વડાપ્રધાનના આ કાર્યક્રમ અંગેની તૈયારીઓને વહીવટી તંત્ર દ્વારા આખરીઓપ આપી દેવામાં આવેલ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.