" શ્રાવણના પ્રથમ શનિવારે કષ્ટભંજનદેવ પારીખા ધામમાં ભકતજનો ભક્તિના રંગમાં રંગાયા " - At This Time

” શ્રાવણના પ્રથમ શનિવારે કષ્ટભંજનદેવ પારીખા ધામમાં ભકતજનો ભક્તિના રંગમાં રંગાયા “


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

શ્રાવણ માસના પ્રથમ શનિવારે હનુમાન મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. પવિત્ર શ્રાવણ માસ એટલે ભક્તિ માટે અતિ ઉત્તમ માસ ગણાય છે શ્રાવણ માસની શરૂઆત થતા જ હિંદુઓ દેવદર્શનનો લાભ લેવા અધીરા થઇ ઉઠે છે. ડભોઇ નગર અને તાલુકામાં આવેલા હનુમાનજીના ઐતિહાસીક વિવિધ મંદિરોને ધજા-પતાકા તેમજ લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા હતા. ભાવિક ભક્તજનોની સવારથી સાંજ દર્શન કાજે ભારે ભીડ જામી હતી.
ડભોઇ નજીક પારીખા ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી કષ્ટભંજન દેવના મંદિરે વહેલી સવારથી ભક્તજનોની ભારે જામી હતી. આજરોજ શ્રી કષ્ટભંજન દેવ પારીખા ધામ ખાતે કષ્ટભંજન દેવને સુકામેવાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેનો અમૂલ્ય લાભ હરિભક્તોએ લીધો હતો. ડભોઇ તાલુકાના પારીખા ગામે આવેલ આ અતિપ્રાચીન હનુમાનજી મંદિર ખાતે આજે શ્રાવણ માસનો પ્રથમ શનિવાર હોવાથી વહેલી સવારથી જ ભાવિક ભક્તો ઉમટી પડતા મોટી કતારો જોવા મળી હતી. શ્રી કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની પ્રતિષ્ઠા વર્ષો અગાઉ વડોદરાના રહેવાસીએ કરી હતી. આ મૂર્તિ આબેહૂબ સાળંગપુરના હનુમાનજીની પ્રતિકૃતિ સમી હોવાથી દર્શનાર્થી ગામે ગામથી ઉમટી પડે છે અને સાળંગપુર જઈ કષ્ટભંજન દેવનાં દર્શન કર્યાની અનુભૂતિ પામે છે. ડભોઇ નગરમાં લાલ બજાર ખાતે સંકટમોચન હનુમાનજીનું મંદિર, વેગા ખાતે આવેલ મનોકામના સિદ્ધ હનુમાનજીનું મંદિર, ડેપો થી કરજણ ફાટક જતા આવેલ રામાયણ હનુમાનજીનું મંદિર, ડભોઇ થી શિનોર જવાના માર્ગ ઉપર ગામડી પાસે આવેલ શ્રી પંચમુખી હનુમાનજીનું મંદિર આમ આ તમામ મંદિરોને સુશોભિત કરવામાં આવ્યા હતા. શ્રાવણ માસના દરેક શનિવારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હનુમાનજીના દર્શન કરવા શ્રદ્ધાભેર ઉમટી પડતા હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon