આધોઇમાં દરવાજા મુદ્દે પ્રૌઢની છાતીમાં લાકડું ફટકારી હત્યા
ભચાઉ તાલુકાના આધોઈ ગામે વાઘેલા વાસમાં બે દૂરના કૌટુંબિક ભાઈઓ વચ્ચે મકાનની પાછળ નવો દરવાજો બનાવવા બાબતે થયેલા ઝઘડામાં 45 વર્ષિય યુવકને લાકડાના ધોકા મારી ખૂન કરાયું હોવાની ઘટના સામખિયાળી પોલીસ મથકે નોંધાઇ છે. આધોઇના શાહુનગરમાં રહેતા આણંદાભાઇ આલાભાઇ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. 7/3 ના રોજ તેઓ ઘરે હતા ત્યારે અરવિંદ પ્રેમજી વાઘેલાએ ફોન કરી જાણ કરી હતી કે તેમનો કૌટુંબીક ભત્રીજો દિનેશભાઇ માંડણભાઇ વાઘેલા કાનાભાઇ મારાજના મકાન પાસે બેભાન અવસ્થામાં ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા છે.
દિનેશને તેના કૌટુંબિક કાકા આણંદાભાઈ વાઘેલા અને અન્ય સગાં 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ ગયાં હતા. ગંભીર ઈજાના કારણે ફરજ પરના ડોક્ટરે દિનેશને સારવાર પૂર્વે મૃત જાહેર કર્યો હતો. તેમણે ફરિયાદમાં જણાવ્યા મુજબ, થોડાંક સમય અગાઉ પેથાભાઈએ મકાન પાછળ નવો દરવાજો નાખવાનો પ્રયાસ કરતાં દિનેશે તેનો વિરોધ કર્યો હતો.
બંને વચ્ચે તે મામલે બોલાચાલી થયેલી. આ બાબતનો ખાર રાખી પેથાભાઈના સાળા કમલેશ પાલાભાઇ શામળીયાએ મંગળવારે રાત્રે નવ-સાડા નવના અરસામાં દિનેશની છાતીમાં બાવળનું લાકડું ફટકારી દીધું હતું. બનાવ અંગે આણદાભાઇએ નોંધાવેલી ફરિયાદના આધારે સામખિયાળી પોલીસે આરોપી કમલેશને રાઉન્ડઅપ કરી લીધો હતો. આ ઘટના અંગે પીએસઆઈ વાય. કે. ગોહિલ તપાસ કરી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.